નવી દિલ્હી: 17મી લોકસભાની શરૂઆત થઈ ચુકી છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પહેલું સત્ર 40 દિવસ ચાલવાનું છે. આ સત્રની શરૂઆત સાંસદોની શપથ સાથે થઈ છે. નવી લોકસભાની શરૂઆતમાં સૌની નજર ગૃહની બેઠક વ્યવસ્થા પર હતી, કારણ કે કેબિનેટની રચનાની સાથે જ સરકારમાં નંબર-ટુ કોણ- નો સવાલ ગુંજવા લાગ્યો હતો. હવે તસવીર સાફ થઈ ચુકી છે. ગૃહના નેતા તરીકે વડાપ્રધાન મોદી પહેલી બેઠક પર છે, તો તેમના પછી રાજનાથ સિંહ અને અમિત શાહનો ક્રમાંક આવે છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ લોકસભામાં ભાજપના ઉપનેતા પણ છે. વડાપ્રધા મોદી ગૃહના નેતા છે. એટલે કે રાજનાથસિંહ ગૃહમાં બીજા ક્રમાંકે છે. જેને કારણે રાજનાથસિંહને મોદીની બાજુવાળી બેઠક પર સ્થાન આપવામાં આવ્યું છે. ગત લોકસભામાં પણ તેઓ પીએમ મોદીની સાથે જ બેસતા હતા. મહત્વપૂર્ણ છે કે જ્યારે કેબિનેટમાં તેમને ગૃહ પ્રધાન પદેથી હટાવીને સંરક્ષણ પ્રધાનપદની જવાબદારી આપવામાં આવી હતી, ત્યારે રાજકીય ચર્ચાઓ શરૂ થઈ હતી કે તેમનું કદ ઘટાડીને નંબર-ટુના સ્થાને નંબર-થ્રી કરી દેવામાં આવ્યું છે.
ભાજપ અધ્યક્ષ અને ગૃહ પ્રધાન અમિત શાહ પણ આ વખતે લોકસભામાં ચૂંટાઈને આવ્યા છે. તેઓ સત્તાપક્ષની પહેલી પંક્તિમાં રાજનાથસિંહની બાજુમાં બેસે છે. પહેલા આ બેઠક વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની હતી. તેમની બાજુમાં થાવરચંદ ગહલોત છે, જે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની બેઠક પર વિરાજમાન છે.
આ તમામ બેઠકો સિવાય થાવરચંદ ગહલોત બાદ નીતિન ગડકર, સદાનંદ ગૌડા, પછી રવિશંકર પ્રસાદ, નરેન્દ્રસિંહ તોમર અને હરસિમરત કૌર પહેલી પંક્તિમાં જોવા મળ્યા હતા. બાદમાં રામવિલાસ પાસવાન પણ દખાયા હતા. જો કે તેઓ આ વખતે લોકસભાના સાંસદ નથી. પરંતુ પ્રધાન હોવાના નાતે તેઓ ગૃહમાં જોવા મળ્યા હતા.
મહત્વપૂર્ણ છે કે ગૃહમાં બેઠકો પ્રધાન પદમાં વરિષ્ઠતા અથવા પછી કેટલીવાર જીત પ્રાપ્ત કરીને તેઓ આવ્યા, તેના આધારે મળે છે.
મહત્વપૂર્ણ છે કે આ વખતે ગૃહમાં ઘણાં વરિષ્ઠ અને જૂના સાંસદો દેખાઈ રહ્યા નથી તેમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, સુષ્મા સ્વરાજ, મલ્લિકાર્જૂન ખડગે અને જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા મોટા નામ સામેલ છે.