- મુંબઈ હુમલાની આજે 12 મી વર્ષગાંઠ
- મુંબઈ પોલીસ શહીદોને આપશે શ્રદ્ધાંજલિ
- રાજ્યપાલ- મુખ્યમંત્રી થશે સામેલ
મુંબઈમાં 26 નવેમ્બર 2008 ના રોજ થયેલા આતંકવાદી હુમલાની આજે 12મી વર્ષગાંઠ છે. મુંબઈ પોલીસ દ્વારા શહીદ સુરક્ષા કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહામારીને કારણે મર્યાદિત સંખ્યામાં લોકોને હાજરી આપવામાં આવશે.
આ અંગે એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે,કાર્યક્રમ દક્ષિણ મુંબઇમાં પોલીસ મુખ્યાલયમાં નવા બનેલા સ્મારક સ્થળે થશે. આમાં શહીદ સુરક્ષા કર્મચારીઓના પરિવારજનો સામેલ થશે.
તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી,મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે,ગૃહમંત્રી અનિલ દેશમુખ,પોલીસ મહાનિર્દેશક સુબોધકુમાર જયસ્વાલ,મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહ સહીત અન્ય વરિષ્ઠ અધિકારીઓ શહીદોને શ્રદ્ધાંજલિ આપશે.
અધિકારીએ જણાવ્યું હતું કે, તટીય માર્ગ પ્રોજેક્ટ પર કામ કરવાને કારણે શહીદ સ્મારકને મરીન ડ્રાઇવ સ્થિત પોલીસ જીમખાનાથી ક્રોફોર્ડ માર્કેટના પોલીસ હેડક્વાર્ટરમાં ખસેડવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, 26 નવેમ્બર 2008ના રોજ લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીઓ દરિયામાંથી અહિયાં પહોંચ્યા હતા અને ગોળીબાર કર્યો હતો, જેમાં 18 સુરક્ષા કર્મચારીઓ સહિત 166 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન એનએસજી અને અન્ય સુરક્ષાદળો દ્વારા નવ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. તથા અજમલ આમીર કસાબ નામના આતંકવાદીને જીવતો પકડવામાં આવ્યો હતો. જેને 21 નવેમ્બર 2012 ના રોજ ફાંસી આપવામાં આવી હતી.
આ હુમલામાં માર્યા ગયેલા લોકોમાં તત્કાલીન એટીએસ પ્રમુખ હેમંત કરકરે, આર્મી મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન, મુંબઇના એડિશનલ પોલીસ કમિશનર અશોક કામટે અને વરિષ્ઠ પોલીસ નિરિક્ષક વિજય સાલસ્કર પણ સામેલ હતા.
_Devanshi