છોટાઉદેપુરની આશ્રમ શાળાના 12 વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત, સાત દિવસ શાળા બંધ રખાશે
અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત આઠ શહેરોમાં કોરોના મહામારીને પગલે ઓફલાઈન એજ્યુકેશન બંધ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. જ્યારે ગ્રામીણ વિસ્તારમાં વિદ્યાર્થીઓને ઓફલાઈનની સાથે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન છોટાઉદેપુરમાં ઉત્તર બુનિયાદી આદિવાસી આશ્રમ શાળાના 12 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુરના ચિચોડની ઉત્તર બુનિયાદી આદિવાસી આશ્રમ શાળાના સ્ટાફ સહિત વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ મળીને 180 વ્યક્તિઓના ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. જેમાં7 વિદ્યાર્થી અને 5 વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શાળા પ્રશાસન સહિત જિલ્લાનું આરોગ્ચ તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. આશ્રમ શાળાના 12 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સ્કૂલમાં પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. તેમજ સાત દિવસ માટે આશ્રમ શાળા બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
આશ્રમ શાળાના 12 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા તેમના સંપર્કમાં આવેલા લોકોને ક્વોન્ટાઈન કરવામાં આવ્યાં છે. જ્યારે વિદ્યાર્થીઓની સારવાર શરૂ કરવામાં આવી છે. આશ્રમ શાળાના 12 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થવા વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ તંત્ર દ્વારા છોટાઉદેપુરની અન્ય સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ કરાવવાની કામગીરી તેજ બનાવવામાં આવી છે.