નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં ભાજપ પોતાની જમીનને વધુ મજબૂત કરવામાં લાગેલું છે. સૂત્રો મુજબ, આજે એટલે કે સોમવારે ભાજપમાં ટીએમસીના એક ધારાસભ્ય અને 13 કોર્પોરેટરો સામેલ થાય તેવી શક્યતા છે. જો કે હજી સ્પષ્ટ થયું નથી કે સામેલ થનારા ધારાસભ્ય કોણ છે. પરંતુ ભાજપના મુખ્યમથક ખાતે આને લઈને ગણગણાટ વધી રહ્યો છે.
આના પહેલા 28મી મેના રોજ પશ્ચિમ બંગાળના ત્રણ ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા હતા. તેમાં ભાજપના નેતા મુકુલ રોયના પુત્ર શુભ્રાંશૂ રોય પણ સામેલ હતા. લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યા બાદ ભાજપ પ. બંગાળમાં પોતાની સ્થિતિને વધુ મજબૂત કરી રહ્યું છે. શુભ્રાંશૂ રોયને લોકસભા ચૂંટણી પરિણામો ઘોષિત થયા બાદ ટીએમસીમાંથી પાર્ટી વિરોધી પ્રવૃત્તિના આરોપ હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
પાર્ટીમાં સામેલ થનારા અન્ય ધારાસભ્યોમાં ટીએમસીના તુષારક્રાંતિ ભટ્ટાચાર્ય અને સીપીએમના દેવેન્દ્રનાથ રોય સામેલ છે. આ સિવાય 50થી વધુ કોર્પોરેટરો પણ ભાજપમાં સામેલ થયા હતા. ટીએણસીમાં સેંધ લગાવવામાં મુકુલ રોયની ભૂમિકા હોવાનું માનવામાં આવે છે. રાજકીય વિશ્લેષકો પ્રમાણે, પશ્ચિમ બંગાળમાં ભાજપના શાનદાર પ્રદર્શનમાં મુકુલ રોય મુખ્ય શિલ્પકારોમાંથી એક છે.
ભાજપમાં સામેલ થનારા આ કોર્પોરેટરમાં 24 પરગણા જિલ્લાના કંચરાપારા, હલિશહર અને નૈહાતી નગર પાલિકાના નગરસેવકો સામેલ હતા. આ સિવાય ભાજપે ભાટપારા નગરપાલિકા પર પણ કબજો કર્યો છે. ભાજપના નવનિર્વાચિત સાંસદ અર્જુનસિંહ ભાટપારા નગરપાલિકાના અધ્યક્ષ છે.
લોકસભા ચૂંટણીમાં પ. બંગાળની 42માંથી 19બેઠકો પર જીત મેળવીને ભાજપે રાજ્યમાં પોતાના વધતા પ્રભાવને પ્રદર્શિત કર્યો છે. આ સિવાય ભાજપમાં દાર્જિલિંગ નગરપાલિકાના 17 કોર્પોરેટરો પણ સામેલ થયા છે. આ કોર્પોરેટરો ભાજપના મુખ્યમથક પર પ. બંગાળ ભાજપના પ્રભારી અને પાર્ટીના મહાસચિવ કૈલાસ વિજય વર્ગીય અને રાજ્યના ભાજપના નેતા મુકુલ રોયની હાજરીમાં પાર્ટીમાં સામેલ થયા હતા.