નવી દિલ્હી : કેન્દ્ર અને આસામ સરકારે શુક્રવારે સુપ્રીમ કોર્ટને એનઆરસીને આખરી રૂપ આપવા માટે નિર્ધારીત 31 જુલાઈની સમયમર્યાદાને લંબાવવાનો અનુરોધ કર્યો છે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠને જણાવ્યું છે કે ભારત દુનિયાના શરણાર્થીઓની રાજધાની બની શકે નહીં.
કેન્દ્ર અને રાજ્ય સરકારે એનઆરસીમાં સામેલ નાગરીકોના નમૂનાના સત્યાપનનો પણ અનુરોધ કર્યો છે. તેમણે કહ્યુ છે કે બાંગ્લાદેશની સરહદને સ્પર્શતા જિલ્લાઓમાં સ્થાનિક અધિકારીઓની મિલીભગતને કારણે લાખો લોકોને અયોગ્ય રીતે આસામ એનઆરસીમાં સામેલ કરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે કહ્યું છે કે લોકોની ઓળખ સંબંધિત દસ્તાવેજોના સત્યાપન કરવાનું હજી બાકી છે. એનઆરસી મામલામાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે કોઓર્ડિનેટરે આ મામલામાં સારું કામ કર્યું છે. પરંતુ અમે લાખો લોકોના મામલામાં કામ કરી રહ્યા છીએ.
કેન્દ્ર સરકારે કહ્યું છે કે 31 જુલાઈના રોજ સપ્લિમેન્ટરી લિસ્ટ જાહેર કરી દઈશું. પરંતુ આખરી યાદી જાહેર કરવામાં હજી વધુ સમય લાગશે. આસામમાં હાલ પૂર પણ આવ્યું છે.
આસામ માટે એનઆરસીનો પહેલો મુસદ્દો સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર 31 ડિસેમ્બર-2017ના રોજ અને 1 જાન્યુઆરી-2018ની રાત્રિએ પ્રકાશિત થયો હતો. તે વખતે 3.29 કરોડ અરજદારોમાંથી 1.9 કરોડ લોકોના નામ આમા સામેલ કરવામાં આવ્યા હતા. 20મી સદીની શરૂઆતમાં બાંગ્લાદેશથી આસામમાં મોટી સંક્યામાં લોકો આવ્યા હતા. આસામ એકમાત્ર રાજ્ય છે કે જ્યાં એનઆરસી છે, જેને સૌથી પહેલા 1951માં તૈયાર કરવામાં આવ્યું હતું.