દિલ્હીમાં અત્યાર સુધી પ્રદૂષણના સૌથી ગંભીર આંકડા, જાણીને જ ચોંકી જશો
- દિલ્હીમાં પ્રદૂષણ અને કોરોનાનો ડબલ એટેક
- કોરોનાના 5 હજારથી વધુ નવા કેસ નોંધાયા
- AQI 400ને પારના આંકડા ‘ગંભીર’ શ્રેણીમાં
નવી દિલ્લી: દિલ્હીમાં પ્રદૂષણ અને કોરોનાનો ડબલ એટેક જારી છે. રાજધાની દિલ્હીમાં શુક્રવારે સતત ત્રીજા દિવસે 24 કલાકમાં પાંચ હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ,પ્રદૂષણના સ્તરમાં પણ વધારો થયો છે. દિલ્હીની હવા સતત ઝેરી બની રહી છે.
દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. એર ક્વોલિટી ઈન્ડેક્સના ડેટા મુજબ, શુક્રવારે સાંજે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર અચાનક ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચી ગયું હતું. દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 300ને પાર છે, જ્યારે ઘણી જગ્યાએ તે ગંભીર શ્રેણીમાં છે.
કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ મુજબ,દિલ્હીના આનંદ વિહારમાં એક્યુઆઈ લેવલ 408, બવાનામાં 447, પટપડગંજમાં 404 જયારે વજીરપુરમાં 411 નોંધાયું છે. એક્યુઆઈ 400 ને પારના આંકડા ‘ગંભીર’ શ્રેણીમાં આવે છે.
0 અને 50 વચ્ચેની એક્યુઆઈને’સારી’,51 અને 100 ની વચ્ચે ‘સંતોષકારક’,101 અને 200 ની વચ્ચે ‘મધ્યમ’,201 અને 300 ની વચ્ચે ‘ખરાબ’,301 અને 400 ની વચ્ચે ‘ખૂબ ખરાબ’ અને 401 થી 500 ની વચ્ચે ‘ગંભીર’ માનવામાં આવે છે.
દિલ્હીમાં કોરોનાના નવા રેકોર્ડ
દિલ્હીમાં કોરોનાના નવા રેકોર્ડ સતત ચાર દિવસથી બની રહ્યા છે. દિલ્હીમાં શુક્રવારે સતત ત્રીજા દિવસે કોરોનાના પાંચ હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે દિલ્હીમાં કોરોના સંક્રમણની સંખ્યા ઝડપથી વધી રહી છે. તહેવારોમાં કોરોનાનો એટેક વધુ જોખમી હોઈ શકે છે. માનવામાં આવે છે કે, દિલ્હીમાં કોરોનાની આ ત્રીજી તરંગ હોઈ શકે છે.
_Devanshi