- વિશ્વ બેંક ભારતને આપશે ઝટકો
- જીડીપી દર ઘટાડવાના આપ્યા સંકેત
- દેશની જીડીપી 2019-20માં 4.2 ટકા
વિશ્વ બેંકે ભારતની આર્થિક વૃદ્ધિ દરના અનુમાનને વધુ ઘટાડવાના સંકેત આપ્યા છે. સંકેત આપતા જણાવ્યું કે કોરોનાના સંકટથી બહાર આવવા માટે હેલ્થ, શ્રમ, ભૂમિ સહિતના 7 ક્ષેત્રોમાં રિફોર્મની જરૂર છે. વિશ્વ બેંકે મે મહિનામાં અનુમાન લગાવ્યું હતું કે, ભારતની અર્થવ્યવસ્થામાં વિત્ત વર્ષ 2020-21માં 3.2 ટકાનો ઘટાડો આવવાની આશંકા છે અને આગામી વિત્ત વર્ષમાં ફરીથી ઈકોનોમીની ગાડી પાટા પર આવી શકે છે.
વર્લ્ડ બેંકે એક રિપોર્ટમાં જણાવ્યું કે, હાલના અઠવાડિયામાં મુશ્કેલીઓ સામે આવી છે અને તેને લીધે નજીકના ભવિષ્યમાં સંભાવનાઓ પર અસર પડી શકે છે. આ જોખમોમાં વાયરસનું સંક્રમણ વધવું, વૈશ્વિક ઈકોનોમીમાં ઘટાડો તથા નાણાકીય ક્ષેત્ર પર વધારાનું દબાણ સહિતના અનુમાન સામેલ છે.
વિશ્વ બેંકનું અનુમાન છે કે, ભારતની નાણાકીય ખાદ્ય ચાલુ નાણાકીય વર્ષમાં વધીને 6.6 ટકા થઈ શકે છે અને બાદના વર્ષમાં 5.5 ટકાના ઉચ્ચ સ્તરે બની રહી શકે છે. અર્થવ્યવસ્થા પર મહામારીનો પ્રભાવ એવા સમયે પડ્યો છે કે જ્યારે પહેલેથી જ અર્થવ્યવસ્થામાં ઘટાડો થઈ રહ્યો હતો. 2017-18માં દેશની જીડીપી 7 ટકા હતી. જે 2018-19માં ઘટીને 6.1 ટકા, તો 2019-20માં 4.2 ટકા પર આવી ગઈ છે.
જાણકારોના કહેવા પ્રમાણે કોરોનાવાયરસના સમયમાં લોકોએ પોતાના ખર્ચા પર નોંધપાત્ર કાંપ મુક્યો હતો અને આજે પણ લોકો બિનજરૂરી વસ્તુઓની ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. જાણકારોનું માનવું છે કે લોકો પાસે પૈસા તો છે પણ કોરોનાવાયરસને ધ્યાનમાં રાખીને આગળને સ્થિતિ કેવી થાય કેવી નહી તેના વિશે જાણ નથી અને તેથી પૈસાને વાપરતા નથી જેના કારણે બજારમાં પૈસાનું સર્ક્યુલેશન ઘટી ગયું છે.
ભારતમાં તમામ ક્ષેત્રમાં લોકોની ખરીદી ઓછી થઈ રહી છે અને ઉત્પાદકો પાસે જરૂરી પ્રમાણમાં પૈસા ન આવતા હોવાથી તેઓ વસ્તુઓનું ઉત્પાદન પણ કરી શકતા નથી તેવું જાણકારનું કહેવું છે.
મહત્વની વાત એ પણ છે કે ભારત 130 કરોડ લોકોનું મોટું બજાર છે, ભારતમાં કોરોનાવાયરસની સ્થિતિ કાબૂમાં આવ્યા પછી ટૂંક સમયમાં જ બજારમાં નોંધપાત્ર તેજી જોવા મળી શકે એમ છે અને બજાર ફરીવાર પાટા પર આવી શકે છે.
_Devanshi