ચૂંટણી પરિણામોથી પહેલા નવીન પટનાયકે આપ્યા સંકેત, સરકાર બનાવવામાં એનડીએને ટેકો આપી શકે છે!
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પરિણામો આવવાના બાકી છે. તેની વચ્ચે બીજૂ જનતાદળે સંકેત આપ્યા છે કે તેઓ કોની સાથે જશે. બીજેડીના નેતા અમર પટનાયકે કહ્યુ છે કે જે પણ ઓડિશાને મદદ કરશે તેની સરકાર બનાવવામાં સમર્થન કરીશું. અમર પટનાયકે કહ્યુ છે કે અમે કદાચ આ પાર્ટી અથવા ગઠબંધનનું સમર્થન કરીશું, જે કેન્દ્રમાં સરકાર બનાવશે અને ઓડિશાના લાંબા સમયથી ચાલી રહેલા વણઉકલ્યા મુદ્દાઓના સમાધાનમાં મદદ કરશે.
અમર પટનાયકને જ્યારે એ પુછવામાં આવ્યું કે શું બીજેડી જેવી પ્રાદેશિક પાર્ટીઓ કેન્દ્રમાં કિંગમેક હશે. તેમણે કહ્યુ હતુ કે જેવું કે બીજૂ પટનાયકે કહ્યુ હતુ કે કે અત્યાર સુધી દરેક પાર્ટી ઓડિશાના લાંબા સમયથી ચાલ્યા આતા વણઉકલ્યા મુદ્દાઓને લઈને ગંભીર નથી, પરંતુ આ વખતે જે અમારા રાજ્ય માટે વિચારશે, કામ કરશે તેનું અમે સમર્થન કરીશું.
બીજેડીના નેતાએ કહ્યુ છે કે અમે એક્ઝિટ પોલના પરિણામોને માનતા નથી. આ વખતે પણ બીજેડી રાજ્યમાં 2014ની જેમ દેખાવ કરશે. જે પરિણામ આવશે તે પહેલા કરતા વધુ સારા હશે. અમર પટનાયકે કહ્યુ છે કે આપણે સૌએ 23મી મેના પરિણામની રાહ જોવી જોઈએ.
લોકસભા ચૂંટણી 2019 માટે રવિવારે સાંજે જાહેર કરવામાં આવેલા એક્ઝિટ પોલ પ્રમાણે, ફરી એકવાર ભાજપના નેતૃત્વવાળા એનડીએને બહુમતીથી કેન્દ્રમાં સરકાર બનાવતું દર્શાવવામાં આવ્યું છે. લગભગ તમામ એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએને 272 બેઠકોના મેજિક ફિગરને પાર કરતું દર્શાવવામાં આવ્યું છે.
એક્ઝિટ પોલમાં ઓડિશામાં બીજેડીને નુકસાન થતું દર્શાવવામાં આવ્યું છે. જો કે લોકસભાની બેઠકોમાં ઘટાડો થશે, પરંતુ બીજેડી ઓડિશામાં સત્તાવાપસી કરશે તેવું પણ એક્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યું છે.
એક્ઝિટ પોલ્સ બાદ 21 મેના રોજ દિલ્હીમાં યોજાનારી વિપક્ષી દળોની બેઠક ટાળવામાં આવી છે. મોટાભાગના વિપક્ષી દળોએ 23 મે બાદ બેઠક માટે સંમતિ દર્શાવી છે.