1. Home
  2. revoinews
  3. કલમ-370 બાદ યુનિફોર્મ સિવિલ કોડ, લાલકિલ્લા પરથી મળશે સંકેત?
કલમ-370 બાદ યુનિફોર્મ સિવિલ કોડ, લાલકિલ્લા પરથી મળશે સંકેત?

કલમ-370 બાદ યુનિફોર્મ સિવિલ કોડ, લાલકિલ્લા પરથી મળશે સંકેત?

0
Social Share

દેશની સંસદે ટ્રિપલ તલાકને સમાપ્ત કરીને કાયદો બનાવ્યાના માત્ર એક સપ્તાહમાં જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને અનુચ્છેદ-370ના ખંડ -1 સિવાયની જોગવાઈઓને સમાપ્ત કરીને ખતમ કરી દેવામાં આવ્યો.

અનુચ્છેદ-370ને ખતમ કરવાની સાથે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર રાજ્ય પુનર્ગઠન બિલનો પણ પ્રસ્તાવ રજૂ કર્યો, જેમાં સંસદના બંને ગૃહોએ તેને પારીત કર્યો. હવે જમ્મુ-કાશ્મીર બે કેન્દ્રશાસિત પ્રદેશો- જમ્મુ-કાશ્મીર અને લડાખમાં વિભાજીત થઈ ગયું છે.

મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળ પહેલા સંસદીય સત્ર દરમિયાન જે પ્રકારે ઝડપથી એનઆઈએ, આરટીઆઈ, યુએપીએ, મોટર વ્હીકલ અને શ્રમ કાયદા જેવા બિલ પારીત કરાવ્યા છે, તેને ચૂંટણી ઘોષણા પત્રના વાયદાઓને પૂર્ણ કરવા સાથે સાંકળીને જોવાઈ રહ્યા છે.

તો ઘોષણા પત્રમાં સામેલ રામમંદિર જેવા મોટા મુદ્દા પર પણ ઝડપથી સમાધાન કાઢવાની આશા વ્યક્ત કરાઈ રહી છે. હાલની સ્થિતિમાં આ મામલો મધ્યસ્થતાથી નહીં, પરંતુ અદાલતની સુનાવણી દ્વારા ઉકેલાશે અને સુપ્રીમ કોર્ટમાં તેની દૈનિક ધોરણે સુનાવણી શરૂ થઈ ચુકી છે.

કલમ-370 બાદ ભાજપનું આગામી પગલું શું હશે?

ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડ માટે ચર્ચા સતત ચાલતી રહી છે. આની તરફદારી કરનારા લોકોનું કહેવું છે કે દેશમાં તમામ નાગરીકો માટે એક સમાન નાગરીક કાયદો હોવો જોઈએ, પછી ચાહે તે કોઈપણ ધર્મનો વ્યક્તિ કેમ ન હોય.

એવો ગણગણાટ છે કે સરકારનું આગામી પગલું સમાન નાગરીક ધારો એટલે કે કોમન સિવિલ કોડ અથવા યુનિફોર્મ સિવિલ કોડને લાગુ કરવાની કોશિશ હોઈ શકે છે.

તાજેતરમાં એક ભારતીય ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં ભાજપના મહાસચિવ રામ માધવે કહ્યુ હતુ કે ટ્રિપલ તલાકબિલ લાવવાની સાથે અમે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ. મોદી સરકાર સમાન નાગરીક સંહીતા લાવવા માટે પ્રતિબદ્ધ છે.

તેમનું કહેવું હતું કે સરકાર સમાન નાગરીક સંહીતાનો વાયદો ત્રણ-ચાર વર્ષમાં પૂર્ણ કરવાની કોશિશ કરશે.

સંસદના તાજેતરના સત્રમાં માંગ પણ ઉઠી હતી

17મી લોકસભાના તાજેતરમાં સમાપ્ત થયેલા સત્રમાં ભાજપના સાંસદ નિશિકાંત દુબે દેશમાં સમાન નાગરીક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની માગણી ઉઠાવી ચુક્યા છે.

નિશિકાંત દુબેએ લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન કહ્યુ છે કે બંધારણના દિશાનિર્દેશક સિદ્ધાંતો પ્રમાણે દેશમાં સમાન નાગરીક સંહિતા હોવી જોઈએ.

દુબેએ કહ્યુ છે કે સમય આવી ગયો છે કે સમાન નાગરીક સંહીતા માટે વિધેયક ગૃહમાં લાવવામાં આવે. જેનાથી તમામ નાગરીક ભારતીય કહેવાય, ન કે હિંદુ, મુસ્લિમ અથવા ખ્રિસ્તી.

હાલ દેશમાં મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને પારસીઓનો પોતાનો પર્સનલ લૉ છે. જ્યારે હિંદુ સિવિલ લૉ પ્રમાણે હિંદુ,શીખ, જૈન અને બૌદ્ધ આવે છે.

મુસ્લિમ પર્સનલ લૉમાં મહિલાઓને પૈતૃક અન પતિની સંપત્તિમાં એવો અધિકાર નથી કે જેવો હિંદુ સિવિલ લૉ પ્રમાણે હિંદુ મહિલાઓને મળે છે.

સમાન નાગરીક સંહિતાના લાગુ થયા બાદ લગ્ન, તલાક અને જમીન-મિલ્કતની વહેંચણીને લઈને એક સમાન કાયદો લાગુ થશે અને આ સૌથી મોટો પેચ છે.

યુનિફોર્મ સિવિલ કોડનો અર્થ એક નિષ્પક્ષ કાયદો છે. જેનો કોઈપણ ધર્મથી કોઈ સંબંધ નથી. સમાન નાગરીક સંહિતાના લાગુ થવાથી દરેક મજહબ માટે એક જેવો કાયદો આવી જશે.

શું છે યુનિફોર્મ સિવિલ કોડ?

ભારતીય બંધારણ પ્રમાણે કાયદાને બે ભાગમાં વહેંચવામાં આવે છે- સિવિલ અને ક્રિમિનલ.

લગ્ન,સંપત્તિ,ઉત્તરાધિકાર જેવા પરિવાર સંબંધિત વ્યક્તિ સાથે જોડાયેલા મામલાને સિવિલ કાયદા કહેવામાં આવે છે.

જો કે બંધારણમાં સમાન નાગરીક સંહિતાને લાગુ કરવી અનુચ્છેદ-44 હેઠલ રાજ્ય (કેન્દ્ર અને રાજ્ય બંને)ની જવાબદારી ગણાવવામાં આવી છે. પરંતુ તેને લઈને મોટી ચર્ચા ચાલી રહી છે, તેના કારણે આના પર કોઈ મોટું પગલું આજ સુધી ઉઠાવવામાં આવ્યું નથી.

સુપ્રીમ કોર્ટના વકીલ વિરાગ ગુપ્તાનું કહેવું છ કે ભારતમાં કાયદો વ્યવસ્થા સામાન્ય રીતે રાજ્યોના અધિકાર ક્ષેત્રમાં આવે છે. તો ઘણાં મામલા સમવર્તી યાદીમાં આવે છે, જે રાજ્ય અને કેન્દ્ર બંનેના અધિકારમાં છે. જો કેન્દ્રનો કોઈ કાયદો બને છે, ત્યાં સુધી કે ક્રિમિનલ લૉ પણ, તો તેને રાજ્યો દ્વારા પોતાના સ્તર પર પરિવર્તન કરી શકાય છે અથવા કેન્દ્ર કે મોડલ કાયદાન તર્જ પર રાજ્ય પણ પોતાનો કાયદો લાવી શકે છે.

ભારતમાં વિવાહને લઈને દક્ષિણ ભારત હોય અથવા પૂર્વોત્તર રાજ્ય અથવા આદિવાસી વિસ્તારોમાં અલગ અલગ પરંપરાઓ છે. ઉત્તરાધિકારની પરંપરાઓ પણ ભિન્ન છે.

સુપ્રીમ કોર્ટના વકીલનું કહેવું છે કે યુનિફોર્મ સિવિલ કોડની વાત કરીએ, તો તેમા બે પાસા આવે છે. પહેલા તમામ ધર્મો વચ્ચે એક જેવો કાયદો. બીજું આ ધર્મોના તમામ સમુદાયોની વચ્ચે પણ એક જેવો કાયદો.

તેઓ કહે છે કે આ જટિલ પ્રક્રિયા છે જેના માટે બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આગામી સમયમાં આપણે સમાન નાગરીક સંહિતાની દિશામાં પ્રયાસ કરીશું. પરંતુ આ દિશામાં આજ સુધી કોઈ ઘણું મોટું પગલું ઉઠાવવામાં આવ્યું નથી.

લઘુમતીઓને આનાથી ડર કેમ ?

સમાન નાગરીક સંહીતા કેન્દ્ર અને રાજ્ય એમ બંનેની જવાબદારી છે. રાજ્યનામાર્ગદર્શક તત્વમાં આ જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય બંનેના ક્યાં કર્તવ્ય છે. તેમા આ જવાબદારી આપવામાં આવી છે કે દેશમાં ભારતીયતાનો એક ભાવ બને તેના માટે સમાન નાગરીક સંહીતા અથવા યુનિફોર્મ સિવિલ કોડની દિશામાં પ્રયાસ કરીશું. પરંતુ આમા મુશ્કેલ બહુસ્તરીય સામાજીક સંરચના છે. તેને લઈને ઘણો આંતર્વિરોધ છે.

તેમણે કહ્યુ છે કે યુનિફોર્મ સિવિલ કોડને હિંદુ અને મુસ્લિમો સાથે જ જોડવામાં આવે છે. જ્યારે મુસ્લિમોના લગ્ન અને વારસાની અલગ પ્રકારની જોગવાઈઓ છે. તો હિંદુઓની અંદર પણ ઘણાં સમુદાયો છે જેમાં ઘણાં પ્રકારના અંતર્દ્વંદ્વ છે. મુસ્લિમો અથવા ખ્રિસ્તીઓના વાંધાના વાત થાય છે. પરંતુ ભારતમાં ઘણાં પ્રકારના સમુદાય,ઘણાં પ્રકારના વર્ગ, પરંપરાઓ છે. માટે એક પ્રકારે સિવિલ લૉને લાગુ કરવા પર કોઈપણ સમુદાયને રસ્મો-રીવાજમાં જો એકપણ ગડબડ થશે તો તેને વાંધો હશે.

તેઓ કહે છે કે મુસ્લિમ અને ખ્રિસ્તી ભલે ભારતમાં લઘુમતી છે. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર તેમની પાસે નક્કર પરંપરા છે. માટે યુનિફોર્મ સિવિલ કોડના લાગુ થવા પર તેમને ડર છે કે તેમની વિશિષ્ટતા ખતરામાં પડી શકે છે.

મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડ શું કહે છે?

મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડના સચિવ ઝફરયાબ જિલાની પ્રમાણે, શરિયત કાયદો અલ્લાહે આપ્યો છે, માણસે નહીં.

તેઓ કહે છે કે અમે સ્પષ્ટ કહીએ છીએ કે અમારો શરીયત કાયદો છે, જે કુરાન અને હદીસ પર આધારીત છે. માટે કોઈ સંસદ આનું સંશોધન કરી શકે નહીં, ન તો અમે તેને માનીશું. આ અમે ઘણાં સમય પહેલેથી કહેતા આવી રહ્યા છીએ અને આજે પણ આના પર કાયમ છીએ.

જિલાનીએ કહ્યુ છે કે મુસ્લિમ પર્સનલ લૉમાં કોઈ ફેરફાર મુસ્લિમ કરી શકે નહીં. તેનો અધિકાર નથી. આ સિવિલ લૉ હોઈ શકે નહીં. ન તો તેમા કોઈ મુસ્લિમ દખલ કરી શકે છે અને ન કોઈ અન્યને દખલ કરવા દઈ શકે છે.

ટ્રિપલ તલાકને સમાપ્ત કરવા પર જિલાનીએ કહ્યુ છે કે ટ્રિપલ તલાક પર કાયદો પાસ થઈ ગયો છે, પરંતુ આપણા દૈનિક જીવન પર આની કોઈ અસર પડશે નહીં, કારણ કે આવા પ્રકારે તલાક આપનારાઓની સંખ્યા ઘણી ઓછી છે. સંસદમાં અમારી કોશિશો છતાં આ પાસ થઈ ગયું. હવે આના પર અમે કાયદાનો દરવાજો ખખડાવવા માટે મીટિંગ કરી રહ્યા છીએ.

જિલાની પ્રમાણે પૈતૃક સંપત્તિમાં મહિલાઓના અધિકાર મુસ્લિમ પર્સનલ લૉ પ્રમણે આપવામાં આવે છે.

તેઓ કહે છે કે શરિયત કાયદામાં અમારું ભવિષ્ય સુરક્ષિત છે અને જો કોઈ અન્ય કાયદો હશે તો અમને મુશ્કેલી આવશે. અમારી મહિલાઓ પણ યુનિફોર્મ સિવિલ લૉની વિરુદ્ધ છે.

જિલાનીનો દાવો છે કે મુસ્લિમ મહિલાઓ યુનિફોર્મ સિવિલ લૉની વિરુદ્ધ સડકો પર ઉતરી ચુકી છે અને તેની વિરુદ્ધ ચાર કરોડ મહિલાઓએ એક આવેદન પત્ર પર હસ્તાક્ષર કર્યા છે.

યુનિફોર્મ સિવિલ લૉ પડકારજનક

સુપ્રીમ કોર્ટના વકીલ વિરાગ ગુપ્તા કહે છે કે જનસંઘના સમયથી 370, રામમંદિર અને યુનિફોર્મ સિવિલ કોડ ભાજપના ત્રણ મહત્વપૂર્ણ મુદ્દા રહ્યા છે. જેવી રીતે ભાજપે 370, 35એ અને કાશ્મીર સંદર્ભે નિર્ણય લીધો, તે બાકી બે અન્ય મુદ્દાઓમાં જોવામાં આવ્યું નથી.

વિરાગે કહ્યુ છે કે 370ના મામલામાં આ કહી શકાય છે કે આ અસ્થાયી વ્યવસ્થા હતી જેને 70 વર્ષોથી બંધારણમાં વધુમાં જોડવામાં આવી હતી.

તે કહે છે કે યુનિફોર્મ સિવિલ કોડના મુદ્દાના પહેલા કાર્યકાળ દરમિયાન કાયદા પંચ પાસે રિફર કરવામાં આવ્યો હતો. જેણે ખૂબ કાચી રીતે એક પ્રશ્નાવલિ જાહેર કરી હતી. તેમા તે રિસર્ચ અથવા ગંભીરતા ન હતી. જેનાથી આ મુદ્દા પર વાત આગળ વધી. માટે ટ્રિપલ તલાક પર જે એક ખાસ સમુદાયનું નાનકડું પાસું હતું, તેના પર કાયદો બન્યો. જો કે આનાથી માનવામાં આવે છે કે આ યુનિફોર્મ સિવિલ લૉની દિશામાં સીમાચિન્હ છે. પરંતુ કાયદા પંચનો રિપોર્ટ અથવા સરકાર પાસે આવું કોઈ રિસર્ચ નથી. જેને લઈને યુનિફોર્મ સિવિલ કોડની દિશામાં એક નક્કર પહેલ કરી શકાય છે.

વિરાગે કહ્યુ છે કે બાળક દત્તક લેવું, યુવતી અને યુવકના અધિકાર, ભાઈ અને બહેનના અધિકાર, લગ્નના પહેલા અને લગ્ન બાદ અધિકાર. આના પર અલગ-અલગ ધર્મ, અલગ-અલગ ક્ષેત્રો અને અલગ-અલગ સમુદાયમાં અલગ-અલગ રિવાજ છે અને તેમણે એક કાયદામાં ઢાળવું પડકારજનક છે.

ખ્રિસ્તી અને યુનિફોર્મ સિવિલ કોડ

અખિલ ભારતીય ખ્રિસ્તી પરિષદના મહાસચિવ જૉન દયાલે કહ્યુ છે કે હિંદુઓમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ નથી. દક્ષિણ ભારતમાં હિંદુ સમાજના એક વર્ગમાં મામા અને ભાણિયાની વચ્ચે લગ્ન પ્રથા છે. જો કોઈ હરિયાણામાં આવું કરવામાં આવે તો બંનેની હત્યા કરવામાં આવશે. સેંકડો જાતિઓ છે જેમની લગ્નની પદ્ધતિ અને નિયમ અલગ-અલગ છે.

તેઓ કહે છે કે આવા પ્રકારે ખ્રિસ્તીમાં પણ કોમન સિવિલ કોડ છે. પરંતુ ઘણાં ખ્રિસ્તી પોતાની જાતિમાં જ લગ્ન કરવા ચાહે છે. હાલ આપણી વચ્ચે રોમન કેથોલિક પણ છે અને પ્રોટેસ્ટંટ પણ.

જૉન દયાલે કહ્યુ છે કે હું રોમન કેથોલિક છું અને અમારે ત્યાં તલાકને કોઈ અવકાશ નથી. લગ્ન અમારે ત્યાં જન્મ જન્માંતરનું બંધન છે. તો પ્રોટેસ્ટંટ્સમાં તલાક હોય છે. આ ભાજપ રહી રહીને યુનિફોર્મ સિવિલ કોડની વાત ઉછાળે છે, તે માત્ર રાજકીય લાભ લેવા માટે આમ કરે છે.

તે કહે છે કે આ મુદ્દા પર રાજકીય પક્ષ પણ અછૂતા નથી. યુનિફોર્મ સિવિલ કોડ પર કોઈ ગંભીર નથી. અમને કોઈ પ્રારૂપ દેખાડો તો ખરા. કંઈપણ નથી.

જાણકારો પણ કહી રહ્યા છે કે યુનિફોર્મ સિવિલ કોડના મામલા પર દેશમાં ઘણાં મોટા પ્રમાણમાં કાયદામાં પરિવર્તન કરવા પડશે, જે મુશ્કેલ અને પડકારજનક છે. આ એક લાંબી ચાલનારી પ્રક્રિયા છે જેને એક ઝાટકામાં કરવું શક્ય નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code