
– ડૉ. અતુલ ઉનાગર
ગુજરાતનાં નાનાં મોટાં દરેક શહેરોમાં ‘પ્રિ – સ્કૂલો’ (પ્લે-ગ્રુપો) રાફડાની જેમ ઊભરી છે. નવી શિક્ષણ નીતિ પછી આજે ગલીઓ અને મહોલ્લાઓમાં રૂપાળાં અંગ્રેજી નામોથી ચાલતાં આ પ્લે-ગ્રુપોની આવનારા દિવસોમાં શું સ્થિતિ થશે તે એક ચર્ચાનો વિષય બની ગયો છે. અત્યારે હજારો રૂપિયાના ખર્ચા કરીને માતાપિતા સંતાનને બે વર્ષ પૂર્ણ થતાં જ પ્લે-ગ્રુપ, નર્સરી, જૂનિયર કે. જી. અને સીનીયર કે. જી.માં શિક્ષણ માટે પ્રવેશ કરાવી દે છે.
આજે પ્લે-ગ્રુપ / નર્સરી સ્કૂલો એક વ્યવસાય તરીકે વેપારીઓએ શરૂ કરી છે. આ પ્રકારનાં પ્લે-ગ્રુપો એક માર્કેટ બનીને આજે બજારમાં ઊભરી આવ્યાં છે. આનાં મુખ્ય બે કારણો છે, આ પ્રકારની નર્સરી સ્કૂલોની ન તો સરકારી માન્યતા લેવાની જરૂર પડે છે અને બીજી તરફ આજે સરકાર પાસે આવી સ્કૂલોને માન્યતા આપવાની કોઈ જોગવાઈ પણ નથી. વધુમાં સંતાનને અંગ્રેજ બનાવવાની ઘેલછાને કારણે માતાપિતા કોમળ ભૂલકાંઓને ત્રીજા જ વર્ષથી કહેવાતી મોર્ડન દુકાનોના ગ્રાહક બનાવી દે છે. સંતાનોને તુરંત વિકસાવવાની લાલચમાં બાળકને અપ્રાકૃતિક પ્રક્રિયાનો ભોગ બનવું પડે છે.
હાલના શિક્ષણમાં છ વર્ષ પછી જ બાળકને શાળામાં અભ્યાસ માટે પ્રવેશ મળે છે, એટલે કે છ વર્ષ પૂર્ણ ના થાય ત્યાં સુધી બાળક પ્લે-ગ્રુપોમાં જતું હોવા છતાં શિક્ષણનો ભાગ બની શકતું નથી, કેમ કે તે અનૌપચારિક શિક્ષણ તરીકે જ ગણાય છે. હવે પછીથી નવી શિક્ષણ નીતિમાં બાળકના શિક્ષણનો પ્રારંભ વિધિવત રીતે ત્રીજા જ વર્ષથી શરૂ થઈ જશે. એટલે કે સરકારે માન્યતા આપેલી શાળામાંજ બાળકને પ્રવેશ અપાવવો પડશે. અને આનાથી થશે એવું કે આ ગલીઓ અને મહોલ્લામાં ચાલતાં વર્તમાન પ્લે-ગ્રુપોને પણ સરકાર પાસેથી ફરજિયાત માન્યતા લેવાની રહેશે.
નવી શિક્ષણ નીતિમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ વર્ષ ચારથી આઠ વર્ષ સુધીનું છે. એટલે કે શિક્ષણના પ્રથમ પાંચ વર્ષ પૂર્વ પ્રાથમિક તરીકે ગણાશે. પ્રથમ ત્રણ વર્ષ અને ધોરણ પહેલું અને બીજું. હવે પછીથી સરકારની માન્યતા વગર પ્લે-ગ્રુપો ચલાવી શકાશે નહીં. જો વર્તમાન સમયમાં ચાલતાં પ્લે-ગ્રુપો સરકાર પાસે માન્યતા લેવા જશે તો તેની પાસે ભણાવવા માટે ઓછામાં ઓછા પાંચ થી સાત વર્ગખંડો, પ્રાર્થનાખંડ, પ્રયોગશાળા, સ્ટાફ રૂમ, વહીવટી કાર્યાલય, આચાર્યની ઓફિસ, પર્યાપ્ત માત્રામાં શૌચાલય અને શાળાનું પોતાનું એક મેદાન ફરજિયાત જોઈશે. આ બધું ગલી મહોલ્લામાં ચાલતી નર્સરી સ્કૂલો પાસે હાલમાં નથી. અને આ ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરવી તેના માટે મુશ્કેલ બની રહેશે. તો આવી સ્થિતિમાં પ્રિ-સ્કૂલો શું કરશે?
સરકારી માન્યતા પ્રાપ્ત ‘પ્રિ સ્કૂલો’ને સરકારના નિયમના ભાગરૂપે યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકોની ભરતી કરવી પડશે. તેને બધાં જ પ્રમોશનો પણ આપવાં પડશે. હવે પછીથી શિક્ષકોને પણ સંતોષકારક કામ કરવું પડશે. શિક્ષકોને વેતનની સાથે સાથે સમ્માન પણ પ્રાપ્ત થશે. જાપાન અને ફિનલેન્ડ જેવા વિકસિત દેશોમાં શિશુ શિક્ષણ આપતા શિક્ષકોને યુનિવર્સિટીના અધ્યાપકો કરતાં વધુ વેતન મળે છે. વર્તમાન સમયમાં પ્રિ-સ્કૂલોની ફી માટે કોઈ માળખું તૈયાર નથી પણ નવી શિક્ષણ નીતિમાં ફી નિયમની જોગવાઈ છે. આથી પ્રિ-સ્કૂલો મન ફાવે તેટલી ફી લઈ શકશે નહીં. જો આવું બનશે તો હાલમાં જેણે આ ધંધામાં રોકાણ કરીને વેપાર શરૂ કર્યો છે તે વળતર કેવી રીતે રળી શકશે?
સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની ઘેલછા અત્યારે સમાજમાં તીવ્ર છે. આ ઘેલછાને કારણે જ પ્લે-ગ્રુપો ધમધમી રહ્યા છે. માતાપિતાની વધુપડતી અપેક્ષાઓને કારણે જ આ અંગ્રેજી માધ્યમની પ્રિ સ્કૂલો ધમધમાટ ચાલી રહી છે. પણ હવે તો નવી શિક્ષણ નીતિમાં ધોરણ પાંચ સુધી એટલે કે અગ્યાર વર્ષ સુધી માતૃભાષા શિક્ષણ ફરજિયાત બની જશે. નવી શિક્ષણ નીતિ પછી ‘A’ for Apple બંધ થઈ જશે અને ‘ક’ કબુતરનો ‘ક’ શરૂ થઈ જશે. માતાપિતા અંગ્રેજી માધ્યમ ચાહતાં હોવાં છતાં શાળાઓને પાંચ ધોરણ સુધી ફરજિયાત માતૃભાષામાં જ શિક્ષણ સ્વીકારવું પડશે. આજે વર્તમાન ચાલતી તમામ શાળાઓને અગ્યાર વર્ષ સુધી માતૃભાષામાંજ શિક્ષણ આપવું પડશે. અંગ્રેજી માધ્યમને કારણે તો પ્રિ-સ્કૂલો ધમધમાટ ચાલી રહીં છે તો હવે માધ્યમ જો બદલાય જશે તો આ અંગ્રેજી શીખવવાનું ગૌરવ લેતી ‘પ્રિ સ્કૂલો’નું હવે પછી શું થશે?
ત્રીજા વર્ષથી જ શિક્ષણ શાં માટે અનિવાર્ય બનાવી દીધું તેનું એક યોગ્ય કારણ પણ છે. કેમકે શીખવાની પ્રારંભિક અવસ્થાથી જ જો તેની યોગ્ય માવજત થશે તો તેનો પાયો મજબૂત બનશે અને મજબૂત પાયા પર જ મહાન ઈમારતનું નિર્માણ સંભવ બનતું હોય છે. સરકારી શાળાઓમાં ત્રીજા જ વર્ષથી પ્રવેશ મળશે તો વધારે શિક્ષિત યુવાનોને રોજગારી મળી પણ રહેશે. નવી શિક્ષણ નીતિમાં ક્રિયા આધારિત શિક્ષણ હોવાને કારણે સાચાં અર્થમાં સર્વાંગીણ વિકાસ અને ભાર વગરનું ભણતર બની રહેશે. આનાથી વાલીઓનું આર્થિક ભારણ પણ ઘટી જશે.
શિશુ શિક્ષણમાં ઈન્દ્રિય શિક્ષણ, ક્રિયાત્મક શિક્ષણ અને પંચ મહાભૂતોના શિક્ષણ પર ભાર મૂક્યો છે. આપણો ગૌરવપૂર્ણ સાંસ્કૃતિક વારસો શીખવવામાં આવશે. લોકલને પ્રાધાન્યતા આપવામાં આવી હોવાથી આત્મનિર્ભર ભારત બનવામાં શિક્ષણ સહાયક બની રહેશે. નવી શિક્ષણ નીતિમાં ભારતીય જીવનશૈલી કેન્દ્રમાં છે. એટલે ભારતીય જીવન વ્યવસ્થાનું પ્રાધાન્ય વધશે. એટલે શિક્ષણ વર્ગખંડ પુરતું સીમિત નહીં રહે. શાળાઓમાં મુખ્ય વિષય તરીકે ગણિત, વિજ્ઞાનની જેમ જ ભારતીય ભાષાઓ, પર્યાવરણ, સાહિત્ય, સંગીત, સમાજશાસ્ત્ર, નૃત્ય, ખેતી, વૈદિક ગણિત, ભારતીય વિજ્ઞાન, આયુર્વેદ, યોગ, શિલ્પ, સ્થાપત્ય, ચિત્રકામ, સ્થાનિક વિદ્યાઓ અને લોકવિદ્યાઓ પર ભાર મૂક્યો છે. હવે પછી આ પ્રકારના કુશળ શિક્ષકોની પણ શાળાઓને તાતી જરૂરીયાત ઊભી થશે. તે માટે પણ હાલના પ્લે-ગ્રુપોને યોગ્ય વ્યવસ્થા ઊભી કરવી પડશે.
ઈસરોના પૂર્વ પ્રમુખ પદ્મવિભૂષણ ડૉ. કૃષ્ણસ્વામી કસ્તૂરીરંગનજીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ની ઘોષણા કરવામાં આવી છે. આજથી ૩૪ વર્ષ પહેલાં ૧૯૮૬માં શિક્ષણ નીતિ બની હતી. આ શિક્ષણ નીતિ બનાવવામાં પાંચ વર્ષનો સમય લાગ્યો છે. બે લાખથી વધુ સૂચનોને ધ્યાનમાં રાખીને આ અધિનિયમને ૨૯ જૂલાઈ ૨૦૨૦ના રોજ કેબિનેટની મંજૂરી પ્રાપ્ત થઈ ગઈ છે. આ નવી શિક્ષણ નીતિમાં ધરખમ ફેરફારો થયા છે. તેમાં જે સૂચિત દિશા નિર્દેશો અપાયા છે તેની આપૂર્તિ માટે સેવાભાવ વિનાની કમાણી કરનારી વર્તમાન પ્રાઈવેટ સ્કૂલો માટે અનેકવિધ સમસ્યાઓ ઊભી થવાની સંભાવના છે. જો વર્તમાન સમયમાં ચાલતી ‘પ્રિ-સ્કૂલો’ નવી શિક્ષણ નીતિનું અમલીકરણ કરવા જશે તો શિક્ષણમાં વેપાર હવે કેવી રીતે શક્ય બનશે? આથી આવનારા સમયમાં એ જોવાનું રહ્યું કે ગલી – મહોલ્લામાં ચાલતી અસંખ્ય પ્રિ-સ્કૂલોનું ભાવી કેટલું?