પાકિસ્તાનમાં હિંદુઓ સામે ઈસ્લામિક સરકારનો “લીગલ ટેરરિઝમ”, ઈશનિંદાના આરોપમાં સિંધમાં હિંદુ ડોક્ટરની ધરપકડ
કરાચી: પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક હિંદુ ડોક્ટરને ઈશનિંદાના આરોપમાં એરેસ્ટ કરવામાં આવ્યા છે. સિંધમાં હિંદુ ડોક્ટરની ધરપકડ એક સ્થાનિક મૌલવીની ફરિયાદના આધારે કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ, ડૉ. રમેશ કુમારને એરેસ્ટર કરવામાં આવ્યા છે. સ્થાનિક મસ્જિદના મુખ્ય મૌલવી ઈશાક નોહરીએ પોલીસ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે તબીબે એક પવિત્ર પુસ્તકના પૃષ્ઠો ફાડી નાખ્યા અને તેમા દવાઓ બાંધીને મૂકી.
મૌલવીની ફરિયાદ પર સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી જાહિદ હુસૈન લેઘરીએ કહ્યુ છે કે ડોક્ટરની વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો છે. ડૉ. રમેશ કુમાર સામે આક્રોશિત દેખાવકારોએ તેમની દુકાનમાં આગ લગાવી દીધી હતી અને સિંધના મીરપુરખાસ જિલ્લાના ફૂલદોન કસબાની સડક પર ટાયર સળગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બાદમાં ડૉ. રમેશ કુમારની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનના અધિકારી લેઘરીએ કહ્યુ છે કે મલાની હજી તપાસ થઈ રહી છે અને જ્યાં સુધી વિસ્તારમાં શાંતિ કાયમ નહીં થાય ત્યાં સુધી ડોક્ટરને કોઈ અજાણ્યા સુરક્ષિત સ્થાન પર રાખવામાં આવ્યા છે.
મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાનના કરાચી અને સિંધ પ્રાંતમાં લઘુમતી હિંદુઓ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. ડૉ. રમેશ કુમાર પર લાગેલા આરોપને લઈને પાકિસ્તાન હિંદુ પરિષદે સમુદાયના સદસ્યને વ્યક્તિગત દુશ્મનીના કારણે ઈશનિંદા કાયદા હેઠળ નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે.
સેન્ટર ફોર સોશયલ જસ્ટિસના આંકડા પ્રમાણે, પાકિસ્તાનમાં 1987થી 2016 વચ્ચે ઈશનિંદા કાયદા હેઠળ ઓછામાં ઓછા 1472 લોકો પર આરોપ લગાવવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં હિંદુ સૌથી મોટો લઘુમતી સમુદાય છે.
સત્તાવાર અનુમાન પ્રમાણે, પાકિસ્તાનમાં લગભગ 75 લાખ હિંદુઓ હજી પણ વસવાટ કરે છે. જો કે કેટલાક સમુદાય દેશમાં હિંદુઓની વસ્તી 90 લાખ હોવાનું જણાવી રહ્યા છે. પાકિસ્તાનમાં વસવાટ કરતા 90 ટકા હિંદુઓ એકલા સિંધ પ્રાંતમાં વસવાટ કરી રહ્યા છે. સિંધમાં હિંદુઓ મુસ્લિમો સાથે સંસ્કૃતિ, પરંપરા અને ભાષાના સહિયારા વારસા હેઠળ વસવાટ કરી રહ્યા છે.
પાકિસ્તાનમાં જનરલ ઝીયા ઉલ હકના કાર્યકાળમાં ઈશનિંદા કાયદો લાવવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ ધાર્મિક સબામાં અડચણો પેદા કરવી, કબ્રસ્તાન અથવા સ્મશાનનું અતિક્રમણ, ધાર્મિક આસ્થાઓનું અપમાન અને પૂજાના સ્થાન અથવા સામગ્રીઓને જાણીજોઈને નુકસાન પહોંચાડવું જેવી બાબતોનો સમાવેશ થાય છે.
આ કાયદામાં પાકિસ્તાનના તત્કાલિન સૈન્ય શાસક ઝીયા ઉલ હકે 1982માં ઘણી નવી જોગવાઈ જોડી અને સેક્શન- 295બી જોડીને તેને બેહદ કડક બનાવી દીધી હતી. 1986માં ઈશનિંદા કાયદામાં કલમ-295સી જોડવામાં આવી અને તેમા મોહમ્મદ પયગંબરના અપમાનને અપરાધની શ્રેણીમાં મૂકવામાં આવ્યું અને આમ કરનારાઓ માટે આજીવન કેદ અથવા ફાંસીની સજા આપવાની જોગવાઈ છે. જો કે ઈશનિંદા હેઠળ પાકિસ્તાનમાં મોટાભાગે લઘુમતી સમુદાયને કેટલાક વ્યક્તિગત અને ધાર્મિક નફરતના કારણોથી નિશાન પણ બનાવવામાં આવે છે. ખ્રિસ્તી મહિલા આસિયાં બીબી સામેનો ઈશનિંદાનો મામલો પણ આવું જ એક ઉદાહરણ છે.
નિસ્બતની વાત-
મહત્વપૂર્ણ છે કે ભારતમાં મોદી સરકારના સત્તામાં આવવાને કારણે મોબ લીંચિંગની કથિત ઘટનાઓમાં વધારાની કાગારોળ થતી રહે છે. પરંતુ કોઈ લો ઓફ લેન્ડ ગૌહત્યા પર પ્રતિબંધ હોવા છતાં આમ કરવામાં આવતું હોવાની વાતને ટાંકતું નથી અને તેનાથી ધાર્મિક લાગણીઓ ઉશ્કેરાતી હોવાની વાતને કહેવા માટે તૈયાર નથી.વળી ગુરુગ્રામમાં એક મુસ્લિમ યુવકને કથિતપણે જય શ્રીરામ કહેવાના મામલે તેના કપડા ફાડી નાખવા જેવા કથિત બનાવમાં પણ જૂઠ્ઠાણું સામે આવ્યું છે. સીસીટીવી ફૂટેજમાં મુસ્લિમ યુવકની ટોપી પાડી દેવી અથવા કપડાં ફાડી નાખવા જેવી કોઈ ઘટના નહીં બની હોવાનું ઉજાગર થઈ રહ્યું છે.
હિંદુ બહુમતી ધરાવતા ભારત અને 97 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા સત્તાવાર ઈસ્લામિક દેશ પાકિસ્તાન વચ્ચેનો ફરક સ્પષ્ટ છે કે ઈશનિંદા જેવા સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરીઝમના ટૂલ્સ પાકિસ્તાનની ઈસ્લામિક સરકાર હિંદુ, ખ્રિસ્તી અને અન્ય લઘુમતીઓ સામે વાપરે છે. જ્યારે ભારતમાં લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યો હોવાની વાતને દેશની કથિત સેક્યુલર લોબી તથા તેની સાથે જોડાયેલા મીડિયાના ચોક્કસ તત્વો અને પાકિસ્તાનના અખબારો હેડલાઈનો બનાવીને પ્રકાશિત કરે છે. પણ ગુરુગ્રામની ઘટનાનું જૂઠ્ઠાણું ઉજાગર કરતી હેડલાઈન ન તો ભારતના સેક્યુલરપંથી હોવાનો દાવો કરતા મીડિયા બનાવશે અને ન તો પાકિસ્તાનના અખબાર તેને પ્રકાશિત કરશે.