1. Home
  2. revoinews
  3. ક્રાંતિપુંજ વીર સાવરકરની દ્રષ્ટિએ ક્રાંતિ, ક્રાંતિવિચાર અને ક્રાંતિકારીઓ
ક્રાંતિપુંજ વીર સાવરકરની દ્રષ્ટિએ ક્રાંતિ, ક્રાંતિવિચાર અને ક્રાંતિકારીઓ

ક્રાંતિપુંજ વીર સાવરકરની દ્રષ્ટિએ ક્રાંતિ, ક્રાંતિવિચાર અને ક્રાંતિકારીઓ

0
Social Share

(વીર સાવરકર જયંતિ પર વિશેષ)

“મારું મન તો કહે છે કે જીવનનું બીજું નામ મૃત્યુ છે અને મૃત્યુનું બીજું નામ જીવન છે. જેવી રીતે એક સ્થળે સૂર્યાસ્ત થાય છે અને બીજા સ્થળે સૂર્યોદય. વસ્તુત: અસ્તનું બીજું નામ ઉદય છે અને ઉદય જ અસ્તનું ઘોતક છે. સૂર્ય તો પ્રતિક્ષણ પ્રદીપ્ત હોય છે. કેવળ કેટલાંક સમય માટે તે આપણી દ્રષ્ટિથી અદ્રશ્ય થઈ જાય છે. તેવી જ રીતે જીવન-દ્રષ્ટિથી અદ્રશ્ય થઈ જાય છે. તો તેને મૃત્યુનું નામ આપી દેવાય છે.”  જીવન-મરણ અંગે આટલું ઉંડું ચિંતન ધરાવનાર કોઈ સામાન્ય વ્યક્તિ ન જ હોઈ શકે. આ મહાપુરુષ અન્ય કોઈ નહીં પણ ભારતના સ્વતંત્ર્ય સંગ્રામમાં પોતાનું સર્વસ્વ દાંવ પર લગાવી ભારતમાતાની સાધના જીવનપર્યંત કરનાર ક્રાંતિકારી વિનાયક દામોદર સાવરકર હતા. તેમને વીર સાવરકરના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 28 મે, 1883ના દિવેસ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગૂર ગામમાં થયો હતો. તેઓનું શરીર કૃશ લાગતું હતું, છતાં તેમનો આત્મવિશ્વાસ હિમાલય જેટલો અડગ હતો. તેઓ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ક્રાંતિપુંજ સમાન હતા. તેઓ સંપૂર્ણ ક્રાંતિના આગ્રહી હતા. તેમના મતે ક્રાંતિ એટલે છલાંગ લગાવવાવાળો વિકાસવાદ હતો.

તેમનું ક્રાંતિના સંદર્ભે એક આગવું ચિંતન હતું. તેમનું ચિંતન ઘણાંને અણગમો ઉપજવાનાર પણ હતું. છતાં પણ તેઓ તેને દ્રઢતાપૂર્વક વળગી રહ્યાં હતા. તેમણે ભારતની સ્વતંત્રતા માટેની તમામ પ્રકારની કોશિશો કરી અને ઘણાં બધાં ક્રાંતિકારીઓ માટે પ્રેરણાદાયી બન્યા.

ક્રાંતિ ક્યારે અને ક્યાં સુધી આવશ્યક છે? તે બાબતે સાવરકર અત્યંત સ્પષ્ટ હતા. તેમણે આ સંદર્ભે પોતાના નિર્ભિક વિચારો અભિવ્યક્ત કર્યા છે. તેમના માનવા પ્રમાણે, “જે સમયે સંપૂર્ણ માનવજાતિ શ્રેષ્ઠતમ ન્યાય અને પરમાનંદના પુનિત આદર્શને પ્રાપ્ત કરી લેશે. જ્યારે ઈશ્વરીય વિભૂતિઓ, દેવદૂતો અને ધર્મગુરુઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી ધર્મરાજ્યની કલ્પના આ ધરાતલ પર સાકાર થઈ જાય. જ્યારે ઈશા મશીહની દેવવાણીથી નિસ્ત્રત તે પાવન ઉપદેશ કે, ‘જો કોઈ તમારા એક ગાલ પર લાફો મારે તો તેની સામે બીજો ગાલ ધરવો’, પર આચરણ કરવાની જરૂર નહીં રહે. કારણ કે કોઈ કોઈના ગાલ પર લાફો મારવાનો પ્રયત્ન જ નહીં કરે. સત્યયુગની આ પાવન સ્થિતિ જ્યારે સંસારને પ્રાપ્ત થશે, ત્યારે કોઈ વિદ્રોહની કલ્પના માત્ર કરશે, રક્તનું એક ટીપું પણ વહેવડાવશે, એટલું જ નહીં, પણ જો તેના મોઢામાંથી પ્રતિશોધ શબ્દ પણ ઉચ્ચારીત થશે તો તેના આ પાપને તેની ક્રૂરતા માટે અનંત અવધિ માટે રૌરવ નામના નરકમાં ફેંકી દેવા માટે ઉપયુક્ત ગણાશે.”

પણ સાવરકર એમ પણ માનતા હતા કે, “જ્યાં સુધી દૈવીયુગનો આવિર્ભાવ નથી થઈ જતો, પરમાનંદનો આ પાવન આદર્શ સાકાર નથી થઈ જતો, તે શુભ ઘડીનો ઉદય નથી થઈ જતો, જ્યાં સુધી સંતો, દેવદૂતો અને પ્રભુના પ્રિય પુત્રોના ભવિષ્ય કથન સાકાર નથી થઈ જતાં, જ્યાં સુધી ન્યાયપૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરવા માટે તેની વિરોધી અન્યાયમૂલક પ્રવૃતિને નિર્મૂલન કરવા માટે માનવ મન પ્રવૃત નથી થઈ જતું, ત્યાં સુધી વિદ્રોહ, રક્તપાત અને પ્રતિશોઘની ગણના અધર્મ તત્વોમાં કરવી ઉચિત નથી. જ્યાં સુધી રાજ્ય શબ્દનો ઉપયોગ અન્યાયમૂલક અને ન્યાયમૂલક એણ બે પ્રકારના તત્વો માટે કરવામાં આવે છે, ત્યાં સુધી તેમના પ્રતિયોગી શબ્દ ન્યાય અને અન્યાય બંનેના અર્થોમાં ઉપયુક્ત બની શકશે.”

સાવરકરના મતે, ક્રાંતિનું સંચાલન અંકગણિતના નિયમ પ્રમાણે નથી થતું. ખરેખર તો ઈતિહાસના ઘટનાક્રમ પર દ્રષ્ટિ કરતાં જણાય છે કે નિશ્ચિત નિયમો પ્રમાણે તો આજ સુધી કોઈપણ ક્રાંતિનું સંચાલન નથી થઈ શક્યું. ક્રાંતિ કોઈ ઘડિયાળની જેમ એક સુનિર્ધારીત નિયમ પ્રમાણે ચાલવાવાળું યંત્ર તો નથી જ. ક્રાંતિનું સંચાલન હંમેશા એક વિશાળ સિદ્ધાંતથી થાય છે. નાના-નાના નિયમો-ઉપનિયમો તો ક્રાંતિના એક વિસ્ફોટ માત્રથી વેર-વિખેર થઈ જાય છે. ક્રાંતિ કેવળ એક જ સિદ્ધાંત છે, “થોભો નહીં, આગળ વધો.” ક્રાંતિ તો એક વિચિત્ર પક્ષી છે, જે સ્થળે તે દીર્ઘકાળ સુધી બંદી હોય છે, ત્યાંથી મુક્ત થતાં જ તે બીજા સ્થાન પર પુન: પહોંચતા પહેલા આકાશના બીજા છેડાથી પોતાની પાંખોના બળે ઊડે છે, ચક્કર લગાવે છે. ક્રાંતિ માટે આ પ્રકારનું ઉડ્ડયન આવશ્યક જ નહીં, અનિવાર્ય છે.

ક્રાંતિના માર્ગને અનિશ્ચિતતા, સંશય, મહત્તા વગેરે રોકે છે. અનિશ્ચય અને અસ્થિરતા સિવાયનું અન્ય કોઈપણ વિષ ક્રાંતિનું પ્રાણહરણ કરવામાં સફળ થતું નથી. ક્રાંતિનો વિસ્તાર જેટલો ત્વરીત અને આકસ્મિક હોય છે, તેટલી જ તેના વિજયની સંભાવના વધી જાય છે. ક્રાંતિના વિસ્તારની ગતિ મંદ પડતાની સાથે જ શત્રુને સચેત થવાનો મોકો મળી જાય છે. આ જોઈને ક્રાંતિકારીઓનો ઉત્સાહ મંદ પડી જયા છે કે તેમની સાથે આવીને કોઈ ઉભું રહેતું નથી. તેમની સાહસવૃતિ તૂટવા લાગે છે અને શત્રુ સક્રીય બની નવા ક્રાંતિકારીઓના માર્ગમાં અવરોધો ઊભા કરવામાં સફળ બને છે. પ્રથમ આક્રમણ અને ક્રાંતિના પ્રસાર વચ્ચે શત્રુને સમય આપી દેવો હંમેશા માટે કોઈપણ ક્રાંતિની યોજના માટે હાનિકારક સાબિત થાય છે. તેવી જ રીતે પૂર્વનિર્ધારીત કાર્યક્રમથી વિપરીત અચાનક થયેલા વિસ્ફોટ અન્ય સ્થળોએ ક્રાંતિ યોજનાની પૂર્તિ માટે કાર્યરત નેતાગણ માટે આશ્ચર્યકારક હોય છે. આ પરિસ્થિતિમાં ક્રાંતિકારીઓ “શું કરવું, શું ન કરવું?”ની અસમંજસભરી સ્થિતિમાં મુકાઈ જાય છે.

માટે જ અકર્મણ્યતા અને મંદતા ક્રાંતિની ભભૂકતી જ્વાળાઓને ઠંડી પાડી દે છે. જ્યારે કર્મઠતાની તીવ્રતા જ ક્રાંતિને જાગૃત રાખી શકે છે. ક્રાંતિનું બ્યુગલ વાગ્યા પછી ઊભો થતો સંશય પરાજયનું કારણ બની જાય છે. ક્રાંતિનું આયોજન ગાલીચાની સિલાઈની જેમ સાવધાનીથી ધીરે ધીરે કરવું જ અપેક્ષિત છે. પરંતુ જ્યારે એક વખત ક્રાતંની શરૂઆત થઈ જાય ત્યારે ક્ષણમાત્ર દ્વિધાગ્રસ્ત થયા વગર તીરની જેમ તેમાં પ્રવેશી જવું જોઈએ. પછી યશ મળે કે અપયશ, જીવન મળે કે મૃત્યુ, બધી જ બાજુથી નિશ્ચિંત બનીને સમરાંગણમાં ઝઝુમવું જ શ્રેષ્ઠ છે.

ક્રાંતિકારી વીર સાવરકર અન્યાયનો સમૂળગો નાશ કરીને સત્યધર્મની સ્થાપના કરવા માગતા હતા. સાવરકરના માનવા પ્રમાણે, સત્યધર્મની સ્થાપના માટે ક્રાંતિ, રક્તપાત અને પ્રતિશોધ પ્રકૃતિ પ્રદત સાધનો છે. તેમણે આ સંદર્ભે અત્યંત સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું છે કે, “જો વિદ્રોહ, રક્તપાત અને પ્રતિશોધનો ભય ન હોત તો લૂંટ અને અત્યાચારોનાં પાશવિક ધૂમાડામાં સમગ્ર પૃથ્વી કણસતી હોત. જો અત્યાચારીઓ અને અન્યાયીઓને આજે અથવા આવતીકાલે, તરત અથવા વિલંબથી, પ્રકૃતિ દ્વારા પ્રતિશોધ લેવાવાનો ભય ન હોત તો આ ભૂમંડળ પર ઝાર જેવા તાનાશાહોનો જ પ્રભાવ રહેત. પરંતુ પ્રત્યેક હિરણ્યકશ્યપને નરસિંહ, પ્રત્યેક દુશાસનને ભીમ, અત્યાચારી પર નિયંત્રણ મેળવવા શાસક અને શેરને માથે સવાશેર મળે છે. તેથી જ વિશ્વમાં દ્રઢ માન્યતા પ્રવર્તે છે કે અત્યાચાર અને અનાચાર હંમેશા ચાલુ રહેતા નથી.”

સાવરકરના માનવા પ્રમાણે, એક રાષ્ટ્રને જીવંત રહેવા માટે શરણ નહીં, પ્રતિશોધ જરૂરી છે. સાવરકર પ્રતિશોધને પૌરૂષીય લક્ષણ માનતા હતા. વળી તેઓ અવાર-નવાર કહેતા કે કાલ્પનિક સિદ્ધાંતોના ભ્રમજાળમાં પડીને પ્રતિશોધથી ઘૃણા કરનારું રાષ્ટ્ર ક્યારેય જીવિત રહી શકતું નથી. હિંદુ સમ્રાટ ચંદ્રગુપ્તથી લઈને ક્રાંતિવીર ચંદ્રશેખર સુધીના જ નહીં, પણ તે પહેલાંના અને પછીના અનેક સમ્રાટો, સૈનિકો, ક્રાંતિકારીઓ, દેશભક્તોએ પ્રતિશોધની અગ્નિને એક પળ માટે પણ ઠંડી પડવા દીધી નથી. ભારતના અસ્તિત્વનો નાશ કરવા માંગતા દરેક આક્રાંતાઓના પ્રયાસોને એ જ વીરો અસફળ બનાવી શક્યા છે કે જેમણે પ્રતિશોધના અગ્નિને હંમેશા પ્રજ્વલિત રાખ્યો છે. તેઓએ હંમેશા કહ્યું છે કે “જો કોઈ વિદેશી શત્રુ આપણા રાષ્ટ્રધર્મ પર સશસ્ત્ર આક્રમણ કરે તો તેનો પ્રતિકાર એક પ્રબળ રાજકીય આક્રમણની જેમ જ કરવો જોઈએ. આ યુદ્ધમાં જેવા સાથે તેવા, ક્રૂરની સામે સવાયી ક્રૂરતા, કપટીની સામે સવાયું કપટ અને હિંસાની સામે સવાયી હિંસા અપનાવવી જ ધર્મ છે.”

સાવરકરે સહિષ્ણુતાને આ ધરતીનો સ્વાભાવિક ગુણ માન્યો છે, પણ માતૃભૂમિની ઉદારતાનો અનુચિત લાભ ઉઠાવવો ઘાતક ગણાવ્યો હતો. તેઓએ આ સંદર્ભમાં જણાવ્યું છે કે, હિંદુસ્થાનના હ્રદય સ્થળમાં બધાં જ એકસાથે સહિષ્ણુતાપૂર્વક વ્યવહાર કરવાની પરંપરા ધરાવે છે. પણ તેમાં પ્રલયકારી અગ્નિ પણ સુરક્ષિત છે. જ્યાં સુધી ભગવાન શિવ ધ્યાન મગ્ન રહે છે, ત્યાં સુધી તે હેતુલ્ય શાંત, શીતળ અને ગંભીર છે. પણ જ્યારે તેમનું ત્રીજું નેત્ર ખુલે છે, ત્યારે સંપૂર્ણ બ્રહ્માંડને ભસ્મીભૂત કરવાવાળી જ્વાળા પ્રજ્વલિત થઈ જાય છે.

સાવરકર સાપેક્ષ હિંસાને સદાચાર અને નિરપેક્ષ અહિંસાને અપરાધ માનતા હતા. સાવરકરે ભારતીયોને અત્યાંતિક અહિંસા વિરુદ્ધ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે “અત્યાંતિક વિચારધારાની જડ પૂર્ણ અહિંસા છે. પરંતુ મારા મત પ્રમાણે પૂર્ણ અહિંસા એક ભીષણ પાપ છે. એ અવ્યવહારીક છે. સજ્જનો સાથે સજ્જનતાપૂર્ણ વ્યવહાર પુણ્યકાર્ય છે. પરંતુ દુષ્ટો પ્રત્યે અહિંસાનું પ્રદર્શન પાપ છે. સ્વયં પોતાનું અસ્તિત્વ જાળવવું અને રાષ્ટ્રને જીવિત રાખવું, આપણું કર્તવ્યછે. આ કર્તવ્યની પૂર્તિ માટે જે પણ હિંસા આવશ્યક હશે, તે પુણ્યકારક માનવી જોઈએ. ધાર્મિક ઉપદેશોથી ચોરો નિયંત્રિત થતાં નથી. તેમના માટે દંડ અને બળની આવશ્યકતા રહેલી છે. અત્યાંતિક અહિંસાથી હિંસા પ્રબળતર બની જશે. અત્યાંતિક અહિંસા તત્વનો પ્રચાર કરવાવાળા વ્યક્તિઓને હું મૂર્ખ માનું છું કે દુષ્ટ માનું છું. અત્યાંતિક અહિંસાનો વિચાર કેવળ દુર્બળના મોઢામાં જ શોભે છે.” (અખિલ ભારતીય હિંદુ મહાસભા અધિવેશન- અધ્યક્ષીય ભાષણ, મદુરા, 1940)

આજે નિરપેક્ષ અહિંસાની પૃષ્ઠભૂમિને કારણે અનેક ભ્રાંતિઓનો જન્મ થયો છે. અનેક લોકો અન્યાયના પ્રતિકારને જ અત્યાચાર માનવા લાગ્યા છે. બીજાને અન્યાયપૂર્ણ રીતે પીડા પહોંચાડવી અવશ્ય અત્યાચાર છે, પણ અત્યાચારીનો પ્રતિકાર કરવો તેને અત્યાચાર કદાપિ ગણી શકાય નહીં.

ભારતની સ્વતંત્રતા માટે લડતાં દેશભક્ત ક્રાંતિકારીઓ પર ભટકેલા યુવાનો, આતંકવાદીઓ અને ભાવાવેશમાં વહેતા હોવાનો આરોપ વિદેશીઓએ અને કેટલાંક ભારતીયોએ પણ લગાવ્યો છે! ખુદીરામ બોઝ જેવાં સશસ્ત્ર ક્રાંતિકારીઓને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ વિકૃત મનોવૃતિવાળા ગણાવ્યા હતા. ત્યારે સાવરકરે તેમને જવાબ આપ્યો હતો કે ચાફેકર, ઢીંગરા કે ઉધમસિંહ કે સળગતા વિમાનમાં ભસ્મ થયેલા સુભાષચંદ્ર બોઝનો નામ ઉલ્લેખ કરતાં તેમને (નેહરુને) તેમનો ત્યાગ ગૌણ અને બેકાર લાગશે. માટે જ તેમના નામને ગૌરવ આપવા બાબતે તમે ખચકાટ અનુભવો છો. તમારી આ દ્વેષપૂર્ણ અને અભાગી મહત્વાકાંક્ષા જ વિકૃત મનોવૃતિનું પ્રતિક છે.

ભારતમાતાની સેવા કરવા માટે સાવરકરે અપાર કષ્ટો સહન કર્યા હતા. છતાં તેઓ જરાપણ વિચલિત થયા ન હતા. તેમના મતે પ્રતિકૂળ પરિસ્થિતિમાં જ સંઘર્ષ કરી કંઈક મેળવી શકાય છે. કંઈક નિર્માણ કરી શકાય છે. પ્રતિકૂળને સંઘર્ષના માધ્યમથી અનુકૂળ બનાવવાનો આનંદ દ્વિગુણિત હોય છે.

20મી મે, 1952ના દિવસે પુણેમાં અભિનવ ભારતના સમાપન સમારંભમાં સાવરકરે ક્રાંતિકારીઓના સ્વતંત્રતા પ્રયાસોને ઓછો આંકવાનો પ્રયત્ન કરનારાઓને જડબાતોડ જવાબ આપતાં જણાવ્યું હતું, “સ્વતંત્રતા પ્રાપ્ત નથી થઈ, સ્વતંત્રતા ક્રાંતિકારીઓના મોટા-મોટા બલિદાનો દ્વારા પ્રાપ્ત કરાઈ છે. એવો પ્રચાર કરવો કે સ્વતંત્રતા પૂર્ણ અહિંસાથી પ્રાપ્ત થઈ છે. તે સર્વથા અવાંછનીય, ખોટું, પક્ષપાતપૂર્ણ અને સશસ્ત્ર ક્રાંતિકારીઓના બલિદાનો પર પાણી ફેરવવાવાળું કામ છે.” સાવરકરે આવો પ્રયત્ન કરનારાઓને કહ્યું છે કે જેમને પોતાની દેશભક્તિની હુંડીઓનો લાભ લેવો છે, તે લઈ રહ્યાં છે. પણ જો ક્રાંતિકારીઓ દેશભક્તિની હુંડીઓનો લાભ લેવા માંગતા હોત તો વીર હુતાત્મા મદનલાલ ઢીંગરા, કન્હૈયા કાન્દરે અને ભગતસિંહે ફાંસી પર લટકી ફરીથી પાછા ન ફરી શકાય તેવી સ્વર્ગની ભૂમિમાં પ્રવેશ કરવાનું સાહસ ન કર્યું હોત. જ્યારે એ-ક્લાસની જેલોમાં માખણ, ડબલરોટી અને મોસંબીઓના રસ પીનારા પોતાની દેશભક્તિની હુંડીઓનો લાભ લઈ રહેલા દેખાય છે.

આમ ક્રાંતિ એ એવા સત્ય માટેની લડાઈ છે કે જે સત્યને બીજા બધાં અસત્ય મનાતા હોય કે તેને સત્ય કહેવાની હિંમત ધરાવતા ન હોય. પણ તે સત્ય હોવાથી તેને માટે લડતાં રહેવું અને સત્ય સર્વસ્વીકૃત બને તેના માટે પ્રયત્ન કરતાં રહેવું જરૂરી બને છે. ક્રાંતિ માત્ર પરિવર્તનની પ્રક્રીયા નથી. તે પરિવર્તનથી વધારે મોટી પ્રક્રીયા છે. ભારતની સ્વતંત્રતામાં સશસ્ત્ર ક્રાંતિકારીઓનો ફાળો અવગણી શકાય તેમ નથી. ક્રાંતિએ રાષ્ટ્રને જીવંત રાખવા માટે આવશ્યક અને અનિવાર્ય કાર્યો કરતાં રહેવાની પ્રક્રીયા માત્ર છે. આ પ્રક્રીયા અનેક પ્રકારના બલિદાનો દ્વારા જ પૂર્ણ થઈ શકે તેમ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code