લોકસભામાં ટ્રિપલ તલાક બિલ પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનના એક નિવેદન પર ખૂબ હંગામો થયો હતો. આઝમખાને સ્પીકરની ચેયર પર વિરાજમાન ભાજપના સાંસદ રમા દેવીને કહ્યુ કે તમે મને એટલા સારા લાગો છો કે મારું મન કરે છે કે તમારી આંખોમાં આંખો નાખીને રહું. રમા દેવીએ આઝમ ખાનને તેમની તરફ જોઈને બોલવા માટે કહ્યું હતું. તેની પ્રતિક્રિયામાં આઝમ ખાને સ્પીકર ચેયર પર બેઠેલા મહિલાની સાથે અવિવવેક કહી શકાય તેવા શબ્દો બોલ્યા હતા.
આ વાત પર વાંધો વ્યક્ત કરતા કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યુ હતુ કે આઝમ ખાને આ નિવેદન પર માફી માંગવી જોઈએ. તેના પર આઝામ ખાને કહ્યુ હતુ કે તે (રમા દેવી) મારા બહેન જેવા છે, માફી કઈ વાતની માગવી જોઈએ? આના પર ભાજપના સાંસદોએ હંગામો શરૂ કરી દીધો હતો. બાદમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલા ચેયર પર આસિન થયા અને તેમણે આકરા તેવર સાથે સાંસદોને શાંત રહેવા માટે અપીલ કરી હતી.
સ્પીકરની ચેયર પર બેઠેલા રમા દેવીએ પણ કહ્યું હતું કે આ વાત કરવાની કોઈ પદ્ધથિ નથી. આઝમે ત્યારે કહ્યુ હતુ કે તમે ઘણાં સમ્માનિત છો, તમે મારા બહેન જેવા છો. આઝમ ખાને કહ્યુ હતુ કે ગૃહમાં બેઠેલી કોઈપણ મહિલા સાથે મે અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યો હોય, તો હું રાજીનામું આપવા માટે તૈયાર છું.
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને લોકસભાના સાંસદગ અખિલેશ યાદવે પોતાની પાર્ટીના સાંસદ આઝમ ખાનનો બચાવ કર્યો હતો. અખિલેશ યાદવે કહ્યુ હતુ કે મને લાગે છે કે આઝમખાને ચેયર (રમા દેવી)નું અપમાન કર્યું નથી. આ લોકો (ભાજપના સાંસદ) ઘણા બદતમીઝ છે. આંગળી ચિંધવાવાળા આ કોણ છે?
અખિલેશ યાદવની વાત પર પણ ગૃહમાં ખૂબ હંગામો થયો હતો. જો કે આઝમખાન ગૃહ છોડીને ચાલ્યા ગયા હતા. આઝમ ખાનના કથન પર કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ, અર્જુન મેઘવાલ સહીતના ભાજપના સાંસદોએ વિરોધ કર્યો હતો. તેને કારણે બાદમાં આઝમખાનના શબ્દોને સંસદની કાર્યવાહીમાંથી હટાવી દેવાનો આદેશ સ્પીકર ચેયર દ્વારા આપવામાં આવ્યો હતો. રવિશંકર પ્રસાદે કહ્યુ હતુ કે આઝમખાનને લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાનો લાંબો અનુભવ છે. તેવામાં તેમણે તાત્કાલિક આના પર માફી માંગવી જોઈએ.
આઝમ ખાનના નિવેદન પર વિવાદ દરમિયાન અખિલેશ યાદવે તેમનો બચાવ કર્યો હતો. તીખી ચર્ચા બાદ અખિલેશ યાદવે કહ્યુ હતુ કે આઝમખાનના નિવેદનમાં કંઈપણ ખોટું લાગે, તો તમે તેને સંસદની કાર્યવાહીમાંથી કાઢી નાખો. જો કે આઝમ ખાન દ્વારા વાપરવામાં આવેલા શબ્દો સંસદીય કાર્યવાહીમાંથી કાઢી નાખ્યા હોવા છતાં ઉપર દર્શાવવામાં આવ્યા છે, કારણ કે તેના દ્વારા મહિલાઓની ગરિમા અપાવવા માટેના ટ્રિપલ તલાક સંબંધિત બિલની ચર્ચા વખતે લોકસભામાં કેવી બેહૂદગી કરવામાં આવે છે, તેની દેશના લોકોને જાણકારી મળે.