ભારતમાં વિકાસની દોડ અને પ્રદૂષણનો શોર બંને સમાંતર ચાલી રહ્યો છે. વિકાસની દોડની ગતિ ધીમી પડે નહીં અન પર્યાવરણ સચવાય તેના માટે લોકોએ કેટલીક સુવિધાજનક ટેવોને બદલવાની જરૂર છે. ઉદાહરણ તરીકે પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોના સ્થાને સાયકલના ઉપયોગની ટેવ પાડવી.
જો કે આવી બાબતોના રાજનેતાઓ દ્વારા ભાષણો ઘણાં અપાય છે, પરંતુ ઘણાં ઓછા નેતાઓ તેને અનુસરતા હોય છે. આવું જ પર્યાવરણ માટેનું ઝનૂન ગુજરાતના રાજ્યસભાના સાંસદ મનસુખ માંડવિયા ધરાવે છે. તેઓ ગત લગભગ સાત વર્ષથી સંસદમાં સાયકલ પર જાય છે. માંડવિયા મોદી સરકારના બીજા કાર્યકાળમાં શિપિંગ વિભાગના સ્વતંત્ર પ્રભાર ધરાવતા રાજ્ય કક્ષાના પ્રધાન છે અને તેઓ કેમિકલ અને ફર્ટિલાઈઝર મંત્રાલયમાં પણ રાજ્ય પ્રધાન છે.
મોદી સરકારના કેબિનેટમાં સામેલ મનસુખ માંડવિયા 30મી મેના રોજ શપથવિધિમાં પણ સાયકલથી પહોંચ્યા હતા. તેઓ મોદી સરકારની પહેલી ટર્મમાં પણ પ્રધાન હતા અને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે સાથે કેમિકલ તથા ફર્ટિલાઈઝરના વિભાગના રાજ્ય પ્રધાન હતા.
મનસુખ માંડવિયાનો જન્મ ગુજરાતના ભાવનગર જિલ્લાના હનોલ ગામમાં થયો હતો. 1972માં જન્મેલા માંડવિયા સૌરાષ્ટ્રના પ્રભાવશાળી લેઉવા પટેલ સમુદાયમાંથી આવે છે. તેઓ પર્યાવરણ અને સ્વસ્થ જીવનની તરફેણમાં કામ કરવા માટે જાણીતા છે. ગત લગભગ સાત વર્ષથી તેઓ સાયકલ દ્વારા સંસદમાં જાય છે.
પોતાના સોશયલ મીડિયા હેન્ડલ પર તેમણે ગ્રીન એમપી લખ્યું છે. તેમણે ભાવનગર યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાઈન્સમાં અનુસ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી છે.
માંડવિયા 2002માં ધારાસભ્ય બન્યા હતા અને ત્યારે તેઓ સૌથી યુવાન ધારાસભ્ય હતા. 5 જુલાઈ-2016ના રોજ તેમમણે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે, શિપિંગ અને કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝર મંત્રાલયમાં રાજ્ય પ્રધાન તરીકે શપથ લીધી હતી.માર્ચ 2018માં તેઓ બીજી ટર્મ માટે પણ રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટયા હતા.
ગત સાત વર્ષોથી સંસદમાં સાઈકલ લઈને આવનારા ગુજરાતના સાંસદ મનસુખ માંડવિયાએ આને ફેશન નહીં, પણ પેશન ગણાવી છે. તેમણે સાયકલના ઉપયોગથી ઈંધણની બચત સાથે સ્વસ્થ જીવનમાં મદદ મળતી હોવાનું પણ જણાવ્યું છે.