શ્રીનગર: કેન્દ્રીય ગૃહ પ્રધાન જમ્મુ-કાશ્મીરના બે દિવસના પ્રવાસે છે. અમિત શાહ શહીદ પોલીસ ઈન્સ્પેક્ટર અરશદ ખાનના પરિવારને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. અરશદ ખાન 12મી જૂને અનંતનાગમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયા હતા. તેઓ અનંતનાગ સદરના એસએચઓ હતા.
મહત્વપૂર્ણ છે કે 12 જૂનની સાંજે બાઈક સવાર આતંકવાદીઓએ સીઆરપીએફની પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો હતો. હુમલો અનંતનાગ બસ સ્ટેન્ડ નજીક કેપી રોડ પર થયો હતો. હુમલામાં સીઆરપીએફના પાંચ જવાનો શહીદ થયા હતા. જ્યારે ઘણાં અન્ય જવાનો ઈજાગ્રસ્ત થયા હતા.
પહેલા દિવસે અમિત શાહે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે પહેલી જુલાઈથી શરૂ થઈ રહેલી અમરનાથ યાત્રાની સુરક્ષાની વ્યવસ્થા એકદમ ચુસ્ત હોવી જોઈએ. ગુરુવારે અમિત શાહ બાબા બર્ફાનીના દર્શન કરવા જાય તેવી શક્યતા છે. તેના સિવાય રાજ્યના ભાજપના નેતા પણ ગુરુવારે અમિત શાહની સાથે મુલાકાત કરીને ડિલિમિટેશન સહીતના ઘણાં મુદ્દા ઉઠાવશે.
અલ ઉમર મુજાહિદ્દીન નામના આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી હતી. મૂળભૂત રીતે કાશ્મીરના વતની પાકિસ્તાની આતંકવાદી મુશ્તાક અહમદ જરગર આ સંગઠનનો ચીફ છે. ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ આઈસી-81ને હાઈજેક કર્યા બાદ અટલ બિહારી વાજપેયીની સરકારે જે ત્રણ આતંકીઓને મુક્ત કર્યા હતા, તેમા મસૂદ અઝહર અને શેખ અહમદ ઉમર સઈદની સાથે જરગરને પણ મુક્ત કરવામાં આવ્યો હતો. જરગરને આ હુમલાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે.
અમિત શાહે જ્યારે ગૃહ મંત્રાલયમાં સત્તાના સૂત્રો હસ્તગત કર્યા હતા, ત્યારે ડિલિમિટેશનની વાત સામે આવી હતી. કાશ્મીર ખીણમાં અત્યારે કુલ 87 વિધાનસભા બેઠકો છે, જેમાં કાશ્મીર ક્ષેત્રની બેઠકો વધારે છે. પરિસીમન થાય છે, તો જમ્મુ ક્ષેત્રની વિધાનસભા બેઠકોમાં વધારો થવાની શક્યતા છે. જો કે ગૃહ મંત્રાલયે કોઈપણ પ્રકારની ચર્ચાથી ઈન્કાર કર્યો હતો.