યુકે હાઇકોર્ટે વિજય માલ્યાને આદેશ આપ્યો છે કે તે બ્રિટિશ બેવરેજ કંપની ડિઆજિયોને 13.5 કરોડ ડોલર (945 કરોડ રૂપિયા) ચૂકવે. કોર્ટે શુક્રવારે આ ચુકાદો આપ્યો. માલ્યાએ 28 દિવસમાં આ ચૂકવણી કરવી પડશે. આ કેસ ડિઆજિયો દ્વારા માલ્યાની કંપનીના એક્વિઝિશન સાથે જોડાયેલો છે. માલ્યાના વકીલે કહ્યું હતું કે એગ્રીમેન્ટના સમયે ડિઆજિયોએ મૌખિક રીતે ખાતરી આપી હતી કે તે ભારતમાં વિવાદ ઉકેલવા સુધી પોતાની રકમ ચૂકવવાનો દાવો નહીં કરે. કોર્ટે આ દલીલને નકારી કાઢી. ચુકાદા વખતે માલ્યા કોર્ટમાં હાજર નહોતો.
ડિઆજિયોએ માલ્યા, તેના પુત્ર સિદ્ધાર્થ અને પરિવાર સાથે સંબંધિત બે કંપનીઓ પર ચૂકવણીનો દાવો કર્યો હતો. ડિઆજિયોએ ફેબ્રુઆરી 2016માં માલ્યાની કંપની યુનાઇટેડ સ્પ્રિટ્સ લિમિટેડ (યુએસએલ)માં કંટ્રોલિંગ ભાગીદારી ખરીદવા માટે રકમ ચૂકવી હતી પરંતુ તે શેર એક્સેસ ન કરી શકી. માલ્યાની યુએસએલના કેટલાક શેર ડેટ કલેક્શન ઓથોરિટીએ કબ્જામાં લઈ લીધા હતા.
આ જ મામલા સાથે સંકળાયેલા 4 કરોડ ડોલર (280 કરોડ રૂપિયા)ના દાવાનો કેસ પણ ચાલશે. ડિઆજિયોએ માલ્યાને ડાયરેક્ટ આ રકમ આપી હતી. આ રીતે તેણે માલ્યા પર કુલ 17.5 કરોડ ડોલર ચૂકવવાનો દાવો કર્યો હતો.
માલ્યાના પ્રત્યર્પણ મામલે 2 જુલાઈના રોજ યુકે હાઇકોર્ટમાં સુનાવણી થશે. એકવાર અપીલ રદ થઈ ચૂકી છે. લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટે ગયા વર્ષે માલ્યાના પ્રત્યર્પણની પરવાનગી આપી હતી. ત્યાંના ગૃહસચિવે પણ મંજૂરી આપી દીધી, જેના વિરુદ્ધ માલ્યાએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે માલ્યા પર ભારતીય બેંકોનું રૂ.9000 કરોડનું દેવું છે. તેની કિંગફિશર એરલાઇન્સે બેંકો પાસેથી લોન લીધી હતી. માલ્યા 2016માં લંડન ભાગી ગયો. મુંબઈની સ્પેશિયલ કોર્ટે તેને ભાગેડુ જાહેર કર્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દેશ-વિદેશમાં તેની સંપત્તિઓ અટેચ કરી ચૂક્યું છે.