બ્રિટિશ અખબાર ‘ધ ગાર્જિયને’ બોરિસ જોનસનનો એક જૂનો આર્ટિકલ કાઢયો છે. તેમા તેમણે તર્ક આપ્યો હતો કે ઈસ્લામને કારણે મુસ્લિમો પશ્ચિમી દેશ કરતા સદીઓ પાછળ રહી ગયા. તેમને ઈસ્લામ વિરુદ્ધ નફરત પેદા કરવાના આરોપી ગણાવાય રહ્યા છે.
બ્રિટનના પીએમ પદના દાવેદાર બન્યા બાદથી હવે તેમના ઈસ્લામ વિરોધી દ્રષ્ટિકોણની ફરીથી ચર્ચા શરૂ થઈ છે. ગાર્જિયન પ્રમાણે, જોનસને એક લેખમાં દાવો કર્યો હતો કે દુનિયાના ઘણાં વિસ્તારોમાં ઈસ્લામે વિકાસના માર્ગને અવરુદ્ધ કર્યો.
તેમણે લેખમાં લખ્યું છે કે મુસ્લિમ દુનિયા જેટલી પછાત થતી ગઈ, તેટલી જ વધારે કડવાશ અને સંશયની ભાવના જન્મ લેતી ગઈ. દુનિયાભરમાં તમે વૈશ્વિક સંઘર્ષના જેટલા બિંદુઓ સંદર્ભે તમે વિચારી શકો છો- બોસ્નિયાથી પેલેસ્ટાઈન, ઈરાકથી લઈને કાશ્મીર સુધી, તેમા કેટલાક પ્રમાણમાં મુસ્લિમ અસંતોષની ભાવના સામેલ રહી છે. તેમના આ નિવેદન પર મુસ્લિમોની વિરુદ્ધ નફરત પર નજર રાખનાર સંગઠન ટેલ મામાએ પલટવાર કર્યો છે અને કહ્યું છે કે જોનસનને ઈસ્લામ ધર્મની સમજ જ નથી.
મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટને ક્હયુ છે કે હવે લોકો જાણવા ચાહે છે કે શું જોનસન હજી પણ આ માને છે કે ઈસ્લામ પ્રગતિ અને આઝાદીના માર્ગમાં અડચણ છે? કાઉન્સિલે સવાલ કર્યો છે કે શું જોનસન હજીપણ આવો જ દ્રષ્ટિકોણ ધરાવે છે?
2018માં એક અખબારમાં જોનસને એક કોલમમાં બુરખો પહેરેલી મહિલાઓ પર વાંધાજનક ટીપ્પણી કરી હતી. તેના પછી જોનસન પર ઈસ્લામફોબિયાને વધારવાનો આરોપ લાગતા રહ્યા છે.
ધ ગાર્જિયનના રિપોર્ટ પ્રમાણે, જોનસને 2006માં રોમન સામ્રાજ્ય સંદર્ભે લખેલા પુસ્તક “The Dream of Rome”માં ઈસ્લામના ઉદય સંદર્ભે લખ્યું હતું. તેમણે લખ્યુ હતુ કે ઈસ્લામ સંદર્ભે કંઈક એવું જરૂર થવું જોઈએ, જેનાથી એ સમજવામાં મદદ મળી શકે કે મુસ્લિમ દુનિયામાં બુર્જુવા, નવઉદારવાદ અને લોકશાહીનો પ્રસાર કેમ થઈ શક્યો નથી.
જોનસનનો દ્રષ્ટિકોણ હતો કે ઈસ્લામિક દુનિયાની તકનીકી અને સાંસ્કૃતિક પ્રગતિ રોકવામાં ધર્મની મહત્વની ભૂમિકા હતી. જોનસને લખ્યુ હતુ કે રોમન-બેજેન્ટાઈન સામ્રાજ્યના શાસનમાં કોન્સટેન્ટનોપલ શહેરમાં જ્ઞાનની ધારા હજારો વર્ષો સુધી વહેતી રહી, જ્યારે ઓટોમન સામ્રાજ્યમાં 19મી સદીની શરૂઆત સુધી ઈસ્તંબુલમાં પહેલું પ્રિન્ટિંગ પ્રેસ પણ આવી શક્યું નહીં. કોઈ તો એવી બાબત હતી કે જેણે તેને સદીઓ પાછળ ધકેલી દીધું.
કન્ઝર્વેટિવ મુસ્લિમ ફોરમના પૂર્વ ચેરમેન મોહમ્મદ અમીને ક્હ્યુ છે કે જોનસનના વિશ્લેષણથી મુસ્લિમોની વિરુદ્ધ નફરત અને હિંસાને પ્રોત્સાહન મળી શકે તેમ હતું.
બ્રિટિશ સાંસદે એમ પણ દાવો કર્યો હતો કે ઈસ્લામિક કલામાં પણ 16મી સદીના માઈકલ એન્જેલોની કલાકૃતિની જેમ એકપણ ઉત્કૃષ્ટ કૃતિ જન્મ લઈ શકી નથી.
જોનસને યુરોપિયન યુનિયનમાંથી યુકેના અલગ થવા માટે સફળ કેમ્પેન પણ ચલાવ્યું અને તે કન્ઝર્વેટિવ પાર્ટીમાં પીએમ પદ માટે પહેલી પસંદ છે. કહેવામાં આવે છે કે તેઓ હાલના વડાંપ્રધાન થેરેસા મેના સ્થાને આગામી વડાપ્રધાન બનવાના છે. ઘણાં પ્રસંગે મુસ્લિમ સમુદાય વિરુદ્ધ ભડકાઉ નિવેદન આપવાને કારણે તેમની ટીકા થતી રહી છે. 2018માં અખબાર ધ ટેલિગ્રાફમાં લખવામાં આવેલી એક કોલમમાં તેમણે લખ્યું હતું કે જે મહિલાઓ બુરખો પહેરે છે, તે કોઈપણ લેટરબોક્સ અથવા બેંક લુંટારાની જેમ લાગે છે.
ધ ગાર્જિયન પ્રમાણે, 2007માં “And Then Came the Muslims” શીર્ષકવાળા એક લેખમાં જોનસને વિંસ્ટન ચર્ચિલની પંક્તિઓ ટાંકી હતી- દુનિયામાં ઈસ્લામથી વધારે પાછળ ધકેલનારી કોઈ શક્તિ નથી.
જોનસન પ્રમાણે, આ સમય છે કે આપણે ઉંડે ઉતરીએ અને ચર્ચિલથી લઈને પોપ સુધીના આરોપોની તપાસ કરીએ. ઈસ્લામિક દુનિયાની અસલી સમસ્યા ઈસ્લામ જ છે. આપણે ઈમાનદાર થવું પડશે અને એ સ્વીકારવું પડશે કે ચર્ચિલના ધર્મના સામાજિક અને આર્થિક પરિણામોના વિશ્લેષણમાં ઘણી સચ્ચાઈ છે. રાજનેતાએ આગળ કહ્યુ છે કે તે આશા કરે છે કે તેમને ઈસ્લામોફોબિયાના આરોપી ગણાવવામાં આવશે નહીં, કારણ કે તેમના પરદાદા, તુર્કિશ પત્રકાર અને નેતા અલી કેમાલ પણ એક મુસ્લિમ જ રહ્યા છે.
ટેલ મામાએ જોનસનના દ્રષ્ટિકોણ પર વાંધો વ્યક્ત કરતા કહ્યુ છે કે આ ઈસ્લામની સમજની ઉણપ દર્શાવે છે. ઘણાં એવા મુસ્લિમ રહ્યા છે કે જેમને ઈસ્લામે સૌથી ખૂબસૂરત કલાકાર બનવા માટે પ્રેરીત કર્યા છે.