એક્ઝિટ પોલ પછી દિલ્હીની રાજકીય ગલીઓમાં હલચલ વધી ગઈ છે. એનડીએએ ડિનર ડિપ્લોમસીનું આયોજન કર્યું તો વિપક્ષીય દળોએ એકસાથે રહેવાનો દાવો કરવા માટે બેઠક બોલાવી છે. આ બધા વચ્ચે મહારાષ્ટ્રના બે મોટા નેતાઓએ દિલ્હીથી અંતર બનાવ્યું છે. પીએમ મોદી અને અમિત શાહ દ્વારા આયોજિત ડિનરમાં ઉદ્ધવ ઠાકરે અને વિપક્ષની બેઠકમાં એનસીપી પ્રમુખ શરદ પવાર હાજર નહીં રહે. તેનાથી અલગ-અલગ ચર્ચાઓએ જન્મ લીધો છે.
વિપક્ષની બેઠકમાં મોટાભાગના મોટા નેતાઓ ગેરહાજર
એક્ઝિટ પોલમાં એનડીએને બહુમતનો આંકડો જોયા પછી વિપક્ષીય જૂથોમાં ઉત્સાહ ઠંડો પડ્યો છે. મંગળવારે બપોરે કોન્સ્ટિટ્યૂશન ક્લબમાં વિપક્ષે બેઠક બોલાવી છે. આ બેઠકમાં શરદ પવાર, માયાવતી, મમતા બેનર્જી, એચડી કુમારસ્વામી હાજર નહીં રહે. પહેલા તો શરદ પવારે ગ્રીન સિગ્નલ આપ્યું હતું પરંતુ અચાનક બેઠકમાં ન આવવાનો નિર્ણય કર્યો. ચંદ્રાબાબુ નાયડુ, સીતારામ યેચુરી અને ગુલામ નબી આઝાદ બેઠકમાં સામેલ થવાના છે.
અમિત શાહની પુરણપોળી ચાખવા નહીં જાય ઉદ્ધવ
બીજી બાજુ મોદી-શાહે એનડીએના દળોના નેતાઓને ડિનર પર બોલાવ્યા છે. ડિનરમાં ઉદ્ધવ ઠાકરેને ધ્યાનમાં રાખીને ખાસ મહારાષ્ટ્રિયન ડિશ પૂરણપોળી બનાવવામાં આવવાની છે, પરંતુ શિવસેના પ્રમુખે તેમાં આવવાની ના પાડી દીધી છે. શિવસેના તરફથી શિવસેનાના મહારાષ્ટ્રના મંત્રી સુભાષ દેસાઈ શાહની ડિનર પાર્ટીમાં સામેલ થશે.
સવાલ એ છે કે જ્યારે શિવસેનાના લોકસભા ગૃહના નેતા આનંદરાજ આડસૂલ, ચંદ્રકાંત ખેરે, મંત્રી અનંત ગીતે, સંજય રાઉત, અનિલ દેસાઇ જેવા મોટા નેતાઓ હોવા છતાં, સુભાષ દેસાઇને ડિનર માટે કેમ બોલાવવામાં આવ્યા? બીજેપીની સીટ્સ ઓછી થશે તો એવામાં એનડીએને જરૂર પડશે. એટલે શિવસેના કેન્દ્રમાં કેબિનેટ મંત્રી માટે અત્યારથી જ દબાણ કરવામાં લાગેલી છે. આની કેટલી અસર થશે એ જોવાનું રહેશે.