ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ એસ. જયપાલ રેડ્ડીના નિધન પર રાજ્યસભામાં સોમવારે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સભાપતિ એમ. વેંકૈયા નાયડુ પોતાના જૂના મિત્ર જયપાલ રેડ્ડીને શ્રદ્ધાંજલિ આપતી વખતે ભાવુક થઈ ગયા અને તેમના ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો. તેમણે ભાવુક અંદાજમાં કહ્યુ હતું કે રેડ્ડીનું જવું તેમના માટે બેહદ પીડાદાયક છે. રેડ્ડીનું 28 જુલાઈ 77 વર્ષની વયે નિધન થઈ ગયું હતું. ગૃહની બેઠક શરૂ થવા પર નાયડુએ રેડ્ડીના નિધનનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યુ છે કે રેડ્ડીએ 1997-98 દરમિયાન ઇને 200-20 દરમિયાન વિભિન્ન મંત્રાલયોમાં કેન્દ્રીય પ્રધાન તરીકેની જવાબદારી સંભાળી હતી. તેમણે કહ્યુ છે કે રેડ્ડીએ એપ્રિલ-1990થી એપ્રિલ-1996 સુધી અને સપ્ટેમ્બર-1997થી માર્ચ-1998 સુધી બે વખત રાજ્યસભામાં આંધ્રપ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. સભાપતિએ કહ્યુ હતુ કે એસ. જયપાલ રેડ્ડીના નિધનથી દેશના એક વરિષ્ઠ ભૂતપૂર્વ સાંસદ, એક મુખર વક્તા અને એક કુશળ પ્રશાસકને ગુમાવી દીધા છે.
નાયડુએ ડૂમો ભરાયેલા ગળેથી રેડ્ડી સાથે પોતાના અંગત જોડાણનો ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે પહેલા તેઓ બંને આંધ્રપ્રદેશ વિધાનસભાના સાંસદ હતા અને ગૃહમાં એક જ બેન્ચ પર બેસતા હતા. તેમણે કહ્યુ કે રેડ્ડી મારા મિત્ર, વરિષ્ઠ સહયોગી અને માર્ગદર્શક હતા. તેઓ મારા કરા છ વર્ષ મોટા હતા.
રાજ્યસભામાં હાજર સદસ્યોએ રેડ્ડીના સમ્માનમાં કેટલોક સમય મૌન પણ પાળ્યું હતું. નાયડુએ પાછલા દિવસો યાદ કરતા કહ્યુ હતુ કે તે દિવસો આંધ્રપ્રદેશ વિધાનસભાની બેઠક સવારે આઠ વાગ્યે શરૂ થતી હતી. ત્યારે હું અને રેડ્ડી મોટાભાગે સવારે સાત વાગ્યે ચ્હા-નાસ્તા વખતે મળતા હતા અને મુદ્દાઓ પર અમારી ચર્ચા થતી હતી.
નાયડુએ કહ્યુ હતુ કે રેડ્ડી દરેક વિષય પર જ્ઞાન, સમજવાની ક્ષમતા, અંગ્રેજી અને તેલૂગુ પર તેમની પકડ અને ઉર્દૂની જાણકારી ઘણી જ શાનદાર હતી. તેમનું જવું ઘણું પીડાદાયક છે.
આંખમાંથી આંસુ લુછતા વેંકૈયા નાયડુએ કહ્યુ કે પોતાની ભાવનાઓ પર કાબુ નહીં રાખી શકવા માટે તે ક્ષમા ચાહે છે, કારણ કે તેમની સાથે 40 વર્ષનો નાતો હતો. તેઓ આવી રીતે છોડીને ચાલ્યા ગયા છે, તે ઘણું દુખદ છે.