- રાષ્ટ્રપતિના આદેશ બાદ ટિકટોક કોર્ટની શરણમાં
- ટ્રમ્પ અને વાણિજ્ય વિભાગ સામે કેલિફોર્નિયાની કોર્ટમાં અરજી દાખલ
- સરકારના અભેદ્ય પ્રતિબંધથી સુરક્ષાની કરી માગ
MUMBAI: ભારત બાદ અમેરિકાએ પણ ટિકટોક પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કરી જ લીધો છે અને ટ્રંપના આ પ્રહારથી બચવા માટે ટિકટોક કોર્ટની શરણમાં પહોંચ્યું છે. ભારત સરકારે ટિકટોક સહીત 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મુક્યો હતો. જેમાં ઘણી લોકપ્રિય એપ્સ સામેલ હતી. ત્યારબાદ ફરી એકવાર 47 ચીની એપ્સ પર રોક લગાવી હતી અને હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટિકટોક પર રોક લગાવી દીધી છે. જેને લઈને ટિકટોકે અમેરિકામાં પોતાના ઉપર પાબંદી લગાવવાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો છે.
ટિકટોકે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે અને વાણિજ્ય મંત્રી વિલ્બર રોસ તેમજ વાણિજ્ય વિભાગની સામે કેલિફોર્નિયાની એક કોર્ટમાં અરજી દાખલ કરી અનધિકૃત રીતે રોકવાનો આગ્રહ કર્યો છે. કંપનીએ છ ઓગસ્ટે તેના પર પ્રતિબંધ લગાવવાના આદેશને લઈને કોર્ટમાં અરજી દાખલ કરી છે.
ટિકટોકે સોમવારે જણાવ્યું હતું કે, તે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો નથી. ટ્રમ્પ સરકારે કોઈપણ પુરાવા કે સમગ્ર પ્રક્રિયાનું પાલન કર્યા વગર જ તેના પર પ્રતિબંધનો આદેશ જાહેર કરી દીધો છે. જેથી કંપનીએ પોતાના અરજીમાં કોર્ટ પાસે સરકારના અભેદ્ય પ્રતિબંધથી સુરક્ષાની માગ કરી છે.
આ કેસમાં અન્ય બાજુ જોવા જઈએ તો કોરોનાવાયરસના ફેલાવા બાદ ચીનના અનેક દેશ સાથે સંબંધ બગડ્યા છે અને કોરોનાવાયરસનો ઉદભવ ક્યાંથી અને કેવી રીત થયો તે વાતમાં ચીનનું સમર્થન ન મળતા અન્ય દેશો વધારે રોષે ભરાયા છે. કોરોનાવાયરસના ફેલાવા બાદ તમામ દેશોની માગ છે કે કોરોનાવાયરસના ઉદભવ પર તપાસ થવી જોઈએ પણ ચીનને આ વાત પસંદ આવી ન હતી..
ચીનના આ પ્રકારના વલણ બાદ ચીનને પાઠ ભણાવવા માટે અન્ય દેશોએ પણ બાયો ચડાવી દીધી છે અને ચીન સાથે વેપારીક યુદ્ધમાં ઉતરી રહ્યા છે. જો અમેરિકામાં ડોનાલ્ડ ટ્રંપ ફરીવાર સત્તામાં આવશે તો ચીનને વધારે વેપારીક યુદ્ધનો સામનો કરવો પડી શકે તેમ છે અને ચીન પણ પોતાના સ્વાર્થ માટે એવું નહીં ઈચ્છે કે ડોનાલ્ડ ટ્રંપ ફરીવાર સત્તામાં આવે.
_Devanshi