શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના જેનપોરા, શોપિયાંમાં સુરક્ષાદળોએ શુક્રવારે એક એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. અથડામણ બાદ વિસ્તારમાં ભડકેલી હિંસામાં ત્રણ લોકોના ઘાયલ થવાના અહેવાલ છે. પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે વહીવટી તંત્રે જેનપોરા સહીત શોપિયાંના તમામ સંવેદનશીલ વિસ્તારમાં કલમ-14 લાગુ કરી દીધી છે. તેની સાથે જ ઈન્ટરનેટ સેવાઓ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આતંકવાદીઓના ઠેકાણા પરથી મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે.
મળેલી જાણકારી મુજબ, જેનપોરા વિસ્તારમાં લશ્કરે તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દાનના આતંકવાદીઓ વચ્ચેની કથિત બેઠકના ઈનપુટ્સ મળ્યા હતા. આ ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ બાદ સેનાની 44 રાષ્ટ્રીય રાઈફલ્સ, રાજ્ય પોલીસ વિશેષ અભિયાન દળ અને સીઆરપીએફના એક સંયુક્ત કાર્યદળે આજે સવારે એક સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. સંબંધિત સૂત્રોનું કહેવું છે કે પોલીસને જાણકારી મળી હતી કે સવારે સહરી દરમિયાના આતંકવાદીઓ એક સ્થાન પર જમા થઈને કોઈ મોટી સાજિશને પાર પાડવાના છે.
તેમણે કહ્યુ છે કે સુરક્ષાદળોએ જેનપોરામાં દ્રગડ અને સુગન વિસ્તારોની ચારે તરફથી ઘેરાબંધી કરીને ધીરેધીરે પોતાના ઘેરાને વધુ મજબૂત કર્યો હતો. તે વખતે એક બાગમાં છૂપાયેલા આતંકવાદીઓએ જવાનોને જોઈ લીધા અને તેમણે ઘેરાબંધી તોડવાના ઈરાદે જવાનો પર ફાયરિંગ કર્યું હતું. જવાનોએ ખુદને બચાવતા જવાબી ફાયરિંગ કર્યું અને આતંકવાદીઓને અથડામણમાં રોકી રાખ્યા હતા. આતંકવાદીઓ તરફથી ગોળીઓની બોછાર બંધ થયા બાદ જવાનોએ અથડામણ સ્થાનની તલાશી લીધી હતી. તેમણે ત્યાં એક બાગમાં ગોળીઓથી ચારણી થયેલા બે આતંકવાદીઓના મૃતદેહ અને તેમના હથિયાર મળ્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓની તાત્કાલિક ઓળખ થઈ શકી નથી.
સ્થાનિક સૂત્રો મુજબ, આતંકવાદીઓની સંખ્યા ચારથી પાંચની હતી. તેમાં ત્રણ આતંકીઓ અથડામણ દરમિયાન ઘેરાબંધી તોડવામાં સફળ રહ્યા હતા. જો કે પોલીસે આવા તથ્યની પુષ્ટિ કરી નથી. સંબંધિત પોલીસ અધિકારીઓનું કહેવું છે કે અત્યારે અથડામણ સ્થાન અને તેની નજીકના વિસ્તારની ઘેરાબંધી તથા તલાશી ચાલુ છે.
અથડામણના સમાચાર પ્રસરતા મોટી સંક્યામાં લોકો ઉત્તેજક સૂત્રો લગાવતા સડકો પર જમા થઈ ગયા હતા. તેમણે ત્યાં તેનાત સુરક્ષાદળો પર પથ્થરમારો શરૂ કર્યો હતો. સડકો પર અવરોધક લગાવીને વાહનોના આવાગમનને બંધ કરવામાં આવ્યા હતા. હિંસાને સતત વધતી જોઈને સુરક્ષાદળોએ પણ લાઠીચાર્જ, ટિયરગેસ અને પેલેટ ગનનો ઉપયોગ કરીને હિંસક તત્વોને ખદેડવાની કોશિશ કરી હતી. પરંતુ હિંસક ઘર્ષણોની તીવ્રતા વધી ગઈ હતી.
શોપિયાંમાં છેલ્લા અહેવાલ મુજબ તણાવપૂર્ણ સ્થિતિ હતી. વિભિન્ન વિસ્તારોમાં તોફાની તત્વો અને સુરક્ષાદળો વચ્ચે હિંસક ઘર્ષણ પણ થઈ રહ્યો હતો. વહીવટી તંત્રે સાવધાનીના પગલારૂપે આખા વિસ્તારમાં ઈન્ટરનેટ સેવાઓને બંધ કરી દીધી છે. ઉત્તર કાશ્મીરના જિલ્લા બાંદીપોરના સદરકૂટ બાલામાં આતંકવાદીઓના છૂપાયેલા હોવાની માહિતી પર સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.