દિલ્હીઃ ભારતના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયમાં મોટો બદલાવ આવ્યો હોય તેવુ લાગી રહ્યું છે, તજજ્ઞો પણ માની રહ્યા છે કે ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ધર્મના આધારે રાજનીતિ કરાઈ રહી છે. તાજેતરમાં જ ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જેનો સીધો ફાયદો દેશમાં આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં ભાજપને થવાનું રાજકીય તજજ્ઞો માની રહ્યાં છે. જો કે ભાજપના મેનીફેસ્ટોમાં પણ રામમંદિર બનાવવાનો ઉલ્લેખ કર્યો હતો.
जय कान्हा जय कुंजबिहारी
जय नंद दुलारे जय बनवारीश्रीकृष्ण जन्माष्टमी की सबको अनंत शुभकामनाएँ! pic.twitter.com/BO4E2eusjr
— Akhilesh Yadav (@yadavakhilesh) August 12, 2020
વર્ષો સુધી લધુમતીઓના મત મેળવવા માટે તુષ્ટીકરણનું રાજકારણ કરતા વિપક્ષો પણ હવે હિન્દુ મતદારોને આકર્ષવા માટે ભગવાનના શરણે જઈ રહ્યાં છે. ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપાના નેતા અખિલેશ યાદવે પોતાના પૈતૃક ગામ સૈફઈમાં ભગવાન શ્રી કૃષ્ણની વિરાટ મૂર્તિ સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. જ્યારે બસપાના સુપ્રીમો માયાવતીએ પણ બ્રાહ્મણ મતદારોને આકર્ષવા માટે પરશુરામ મંદિર બનાવવાની જાહેરાત કરી હતી.
ઉત્તરપ્રદેશમાં હાલ ભાજપના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકાર છે. જ્યારે વર્ષો સુધી ઉત્તરપ્રદેશમાં શાસન કરનાર સપા અને બસપા સત્તાથી દુર છે. લોકસભાની ચૂંટણીમાં પણ ઉત્તરપ્રદેશમાં બંને રાજકીયપક્ષોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આગામી વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં બહુમતી મેળવીને સત્તા હાંસલ કરવા માટે બંને રાજકીયપક્ષો હવે હિન્દુત્વની દિશામાં આગળ વધી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે.
બસપાના સુપ્રીમો માયાવતીએ બ્રાહ્મણોના મત અંકે કરવા માટે અગાઉ ભગવાન પરશુરામજીનું મંદિર બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારે આ હોડમાં અખિલેશ યાદવ પણ કુદી પડ્યાં છે. તેઓ પણ ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર બનાવવાનું વિચારી રહ્યાં છે. યાદવો એટલે યદુવંશના વારસો હોવાનું માનતા અખિલેશ યાદવે પોતાના પૈતૃક ગામ સૈફઈમાં ભગવાન શ્રી કૃષ્ણની વિરાટ મૂર્તિ સ્થાપનો નિર્ણય કર્યો છે. જેથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં યાદવોની સાથે હિન્દુ મતદારોને પણ આકર્ષી શકાય.
ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખીલેશ યાદવે તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મુકી છે. જેમાં અખિલેશ યાદવ અને તેમની પત્ની ડિમ્પલ યાદવ ભગવાન શ્રી કૃષ્ણની વિરાટ મૂર્તિ નિહાળી રહ્યાં હોવાનું દ્રશ્ય જોવા મળે છે. તેમજ લખ્યું હતું કે, જય કાન્હા, જય કુંજબિહારી, જય નંદ દુલારે, જય બનવારી. આમ હવે અખિલેશ યાદવ પણ હિન્દુત્વના રાજકારણ તરફ આગળ વધી રહ્યાં હોવાનું રાજકીય તજજ્ઞો માની રહ્યાં છે.