એક દેશ- એક ચૂંટણી પર પીએમ મોદીએ બોલાવી સર્વપક્ષીય બેઠક, મમતા, માયાવતી, કેજરીવાલ નહીં થાય સામેલ
નવી દિલ્હી: દેશમાં ઘમાં સમયથી એકસાથે વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણીઓ કરાવવાને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. આ ચર્ચાઓને આગળ વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજકીય પક્ષોના પ્રમુખોની એક બેઠક બોલાવી છે. આ બેઠકમાં રાષ્ટ્રીય પાર્ટીઓ, પ્રાદેશિક પાર્ટીઓના અધ્યક્ષો સામેલ થવાના છે. આ બેઠક બુધવારે બપોરે ત્રણ વાગ્યે સંસદભવનની લાઈબ્રેરીમાં યોજાશે.
આ પહેલા વિપક્ષી વલણ નક્કી કરવા માટે કોંગ્રેસ સહીતના અન્ય વિપક્ષી દળોએ આના પર એક સંયુક્ત બેઠક બોલાવી હતી. પરંતુ આ બેઠક રદ્દ થઈ ગઈ છે. જો કે એનસીપી પ્રમુખ શરદ પવારે નિવેદન આપ્યું છે કે તેઓ વડાપ્રધાન દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં સામેલ થશે.
બીજી તરફ વડાપ્રધાન મોદીએ કોર ગ્રુપની બેઠક પણ બોલાવી છે. આ બેઠકમાં પીએમ મોદી સિવાય ગૃહ પ્રધાન, સંરક્ષણ પ્રધાન, સંસદીય કાર્ય પ્રધાન સામેલ થશે. તેમાં એક દેશ એક ચૂંટણીને લઈને બેઠકના એજન્ડા પર વાતચીત થઈ છે.
ટીએમસી પ્રમુખ અને પ.બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી, બીએસપીના પ્રમુખ માયાવતી અને દિલ્હીના મુખ્યપ્રધાન તથા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આ બેઠકમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો છે.
સૂત્રો પ્રમાણે, કોંગ્રેસ એક દેશ – એક ચૂંટણીના મુદ્દાનો પુરજોર વિરોધ કરે તેવી શક્યતા છે. કોંગ્રેસ સૂત્રો પ્રમાણે, આજે તમે એક દેશ એક ચૂંટણીની વાત કરશો, કાલે એક દેશ એક ધર્મની વાત થશે. પછી એક દેશ એક પહેરવેશની વાત થશે.
યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ લગભગ 10 વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાતમાં સોનિયા ગાંધીએ તમામ લોકોના હાલચાલ જાણ્યા અને નક્કી કર્યું છે કે ફરી એકવાર બેઠક થશે અને તેમા નક્કી થશે કે વન નેશન વન ઈલેક્શન પર જે વડાપ્રધાને બેઠક બોલાવી છે, તેમા પાર્ટીના અધ્યક્ષ અથવા તેમના પ્રતિનિધિ જશે કે નહીં જાય. તમામ પાર્ટીઓ આ વાત પર સંમત છે કે વન નેશન વન ઈલેક્શન શક્ય નથી અને આ ઠીક પણ નથી.
વડાપ્રધાન મોદીએ લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન એક દેશ- એક ચૂંટણીના મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો હતો. હવે વડાપ્રધાને આના પર એક પગલું આગળ વધતા તમામ રાજકીય પક્ષોના પ્રમુખો અને રાજ્યોના મુખ્યપ્રધાનોને આમંત્રિત કર્યા છે. જો કે વિપક્ષ આ બેઠકમાં સામેલ થવા માટે એકમત નથી. મમતા બેનર્જી અને ચંદ્રાબાબુ નાયડુ બેઠકમાં સામેલ થવાના નથી. આ સિવાય રાહુલ ગાંધીના બેઠકમાં સામેલ થવા પર હજી સસ્પેન્સની સ્થિતિ છે.
વન નેશન વન ઈલેક્શનને લઈને વિપક્ષી દળો સામાન્ય સંમતિ સાધી શક્યા નથી. સૂત્રો પ્રમાણે, ઘણાં વિપક્ષી દળો આ પ્રસ્તાવનો વિરોધ કરે તેવી શક્યતા છે. તેમા પણ પાર્ટીના રાજ્યસભા અથવા લોકસભામાં સાંસદ છે, તેમને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. કોંગ્રેસ આજે સવારે આ બેઠકને લઈને એક મીટિંગ કરી રહી છે. જેમાં તેમા સામેલ થવા પર નિર્ણય થશે, તો એજન્ડા પર પર ચર્ચા થશે.
ખાસ વાત એ છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આજે જન્મદિવસ પણ છે. તેવામાં તેમના બેઠકમાં સામેલ થવા અથવા નહીં થવા પર પણ સૌની નજરો મંડાયેલી છે. તો મમતા બેનર્જીની વાત કરીએ તો તેમણે એમ કહીને બેઠકમાં આવવાનો ઈન્કાર કર્યો હતો કે આને લઈને પહેલા સરકારે શ્વેતપત્ર લાવવું જોઈએ, કાયદાના જાણકારો સાથે વાત કરવી જોઈએ અને કોઈપણ પ્રકારની ઉતાવળ કરવી જોઈએ નહીં.
જો બિન-એનડીએ પક્ષોની વાત કરવામાં આવે તો જગનમોહન રેડ્ડી, નવીન પટનાયક, કેસીઆર તરફથી તેમના પુત્ર કેટીઆર અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પણ બેઠખમાં સામેલ થશે. અરવિંદ કેજરીવાલના સ્થને બેઠકમાં રાઘવ ચઢ્ઢાના સામેલ થવાની પણ ચર્ચા છે.
આ બેઠકમાં વન નેશન વન ઈલેક્શન સિવાય પણ ઘણાં મુદ્દાઓ પર વાત થશે. 2022માં ભારત પોતાની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે. તેને મોદી સરકાર ભવ્ય રીતે ઉજવવા માંગે છે. તેના પર તમામ પક્ષો સાથે વાતચીત થાય તેવી શક્યતા છે.તેની સાથે જ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી અને ગૃહના કામકાજને સુચારુપણે ચલાવવાને લઈને બેઠકમાં વડાપ્રધાન વાતચીત કરશે.