અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રિની ઉજવણીને લઈને યુવાનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. દરમિયાન રાજ્ય સરકારે નવરાત્રિના ગરબા, દશેરા, શરદ પૂનમ, દિવાળી, બેસતા વર્ષ સહિતના તહેવારોની ઉજવણી સંદર્ભે માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરી છે. જે અનુસાર નવરાત્રિ દરમિયાન ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહીં. જો કે, ભક્તો માતાજીની આરાધના કરી શકે તે માટે નવરાત્રિમાં ખુલ્લી જગ્યાએ માતાજીની મૂર્તિ અને ગરબીની સ્થાપના કર્યા બાદ પૂજા અર્ચના કરી શકશે. રાજ્ય સરકારના આ નિર્ણયોનો અમલ આગામી 16મી ઓક્ટોબર 2020 થી કરવાનો રહેશે.
પ્રાપ્ત માહિતી અનુસાર નવરાત્રિ દરમ્યાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી-મૂર્તિ ની સ્થાપના કરી શકાશે. તેમજ તેની પૂજા-અર્ચના કરી શકાશે. પરંતુ માતાજીના ફોટા કે મૂર્તિને સ્પર્શ કરી શકાશે નહીં. એટલું જ નહીં પ્રસાદનું વિતરણ પણ કરી શકાશે નહીં. ખુલ્લી જગ્યાએ માતાજીની ગરબી-મૂર્તિની સ્થાપના માટે વહીવટી તંત્રની મંજુરી લેવી પડશે. આ જગ્યાઓ ઉપર 200થી વધારે વ્યક્તિઓ એકત્ર થઈ શકશે નહીં. આ કાર્યક્રમનો સમય માત્ર એક કલાક જ રહેશે. રાજ્ય સરકાર દ્વારા કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
કન્ટેન્ટમેન્ટ ઝૉન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક સમારોહના આયોજનમાં પણ કેટલીક ચોક્ક્સ શરતોને આધીન પરવાનગી અપાશે. તદ્દનુસાર 6 ફૂટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સ અને તે માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે. સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવો પડશે. થર્મલ સ્કેનર, સેનીટાઇઝર સાથે ઓકસી મીટરની સુવિધા તેમજ સ્ટેજ, માઇક, ખુરશીને સમયાંતરે સેનેટાઇઝ કરવાના રહેશે. હેન્ડવોશ, સેનિટાઇઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે.