Site icon Revoi.in

સુરતમાં કોરોના મહામારી વચ્ચે મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ લથડી

Social Share

અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે સુરત મનપા દ્વારા કોરોના પીડિતોને યોગ્ય સારવાર મળી રહે તેવુ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોરોના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે પણ સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે સુરત મનપાની આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી કોરોનાને નાથવા માટે સરકાર સમક્ષ આર્થિક મદદની માંગણી કરી હોવાનું જાણવા મળે છે. ડિસેમ્બર સુધીમાં રૂ. 140 કરોડના ખર્ચનો સુરત મનપાએ અંદાજ મુક્યો છે. આ રકમ કોરોનાને લગતી કામગીરી પાછળ ખર્ચ કરવામાં આવશે.

સુત્રોના જણાવ્યા અનુસાર સુરતમાં કોરોના વાયરસને નાથવા માટે અત્યાર સુધીમાં રૂ. 40 કરોડથી વધારેનો ખર્ચ કરવામાં આવ્યો છે. સરકારે રૂ. 43 કરોડની ફાળવણી કરી હતી. જે પૈકી 40 કરોડ દવા, હોસ્પિટલના બીલ, રાહત કામગીરી અને માસ્ક સહિતના સાઘનો પાછળ વપરાયાં છે.

દરમિયાન પાલિકાએ રાજ્યના રાહત કમિશનર પાસેથી રૂ. 100 કરોડની માંગણી કરી હતી. પરંતુ હજુ સુધી કોઈ પણ રકમ આપવામાં નહીં આવી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ સુરતમાં મનપાની હાલ કોઈ પણ પ્રકારની આવક નહીં હોવાથી આર્થિક સ્થિતિ લથડી છે. જેથી આ મામલે સુરતના મ્યુનિસિપલ કમિશનરે રાજ્યના શહેરી વિકાસ ખાતાના અગ્રસચિવને પત્ર લખીને ભંડોળની માંગણી કરી છે. સુરતમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને પાલિકાએ શહેરની 50 બેટથી મોટી તમામ હોસ્પિટલ સાથે એમઓયુ કર્યાં છે. તેમજ આ હોસ્પિટલોને એડવાન્સ પેટે રૂ. 10-10 લાખની ચુકવણી પણ કરી છે.