GPSC દ્વારા RFO ની ભરતી માટેની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે નિયંત્રણો હળવા કર્યા છે. તેમજ સરકારમાં વિવિધ ખાલી જગ્યાઓ પર ભરતીઓ શરૂ કરી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આજે ૨૦મીને રવિવારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ભરતી માટેની પ્રીલીમીનરી પરીક્ષાનું આયોજન કરાયું હતું. અમદાવાદ અને રાજકોટ સહિતના કેન્દ્રોમાં શાંતિપૂર્ણરીતે પરીક્ષાનો પ્રારંભ થયો હતો. કોરોનાની બીજી લહેર શાંત થયા બાદ ફરી એકવાર ભરતી પ્રક્રિયાઓ અંતર્ગત પરીક્ષાનું આયોજન કરાયું હતું. આ પરીક્ષા દરમિયાન કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઓછું થતા સરકારની સ્પર્ધાત્મક પરીક્ષા ફરી શરૂ થઈ છે. અમદાવાદમાં 66 પરીક્ષા સેન્ટરો પર કોરોના ગાઈડલાઈન સાથે જીપીએસસીની આરએફઓની ભરતી માટેની પરીક્ષા લેવામાં આવી હતી. RFO ની ભરતી પ્રક્રિયા માટે અમદાવાદમાં 15,771 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષાનું આયોજન બે તબક્કામાં કરાયું હતું. સવારે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી અને ત્યાર બાદ બપોરે 3 થી 6 વાગ્યા સુધી પરીક્ષાનો સમય રાખવામાં આવ્યો હતો. રાજકોટમાં આજે GPSC ની RFO ની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી. રાજકોટ જિલ્લામાં 54 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. અને કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરાયું હતું. જિલ્લા વહીવટી તંત્રની સ્કોડ ટીમ જુદા જુદા કેન્દ્રોની મુલાકાત લીદી હતી. જિલ્લાના તમામ કેન્દ્રો સીસીટીવીથી સજ્જ કરાયા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત કરાયો હતો. RFO ની પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોએ પરીક્ષાના આયોજનને લઈ ખુશી વ્યક્ત કરી હતી.. ઘણા લાંબા સમયથી પરીક્ષાનો વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા.