Site icon Revoi.in

અમદાવાદમાં બોપલવાસીઓને મળશે ડમ્પીંગ સાઈટમાંથી છુટકારો

Social Share

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સામેલ કરવામાં આવેલા બોપલ વિસ્તારના ડમ્પીંગ સાઈડથી છેલ્લા કેટલાક સમયથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં હતા. તેમજ ડમ્પીંગ સાઈડને હટાવવાની માંગણી કરી રહ્યાં હતા. જો કે, હવે બોપલવાસીઓને ડમ્પીંગ સાઈડથી છુટકારો મેળશે. મનપા દ્વારા અદ્યતન બાયોમાઈનીંગ પદ્ધતિથી ડમ્પીંગ સાઈટનો નિકાલ લાવવાનો નિર્ણય કરીને કામગીરી શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મહાનગર પાલિકામાં બોપલ-ઘુમાનો તાજેતરમાં જ સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ બોપલ વિસ્તારમાં ડમ્પીંગ સાઈટને કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં હતા. ડમ્પીંગ સાઈટની નજીક જ સ્કૂલ આવેલી હોવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ આવતી-જતી વખતે ગંદકી અને અસહ્ય દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. ડમ્પીંગ સાઈટને કારણે ગંદકી ફેલાતી હોવાથી સ્થાનિકો દ્વારા આ સાઈટનો નિકાલ કરવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. જો કે, મનપા અને ઔડા વચ્ચેના વિવાદને પગલે આ સમસ્યાનો ઉકેલ આવતો ન હતો.

દરમિયાન મનપા દ્વારા આ ડમ્પીંગ સાઈડના નિકાલનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ તેની કામગીરીની પણ શરૂઆત કરવામાં આવી છે. ડમ્પીંગ સાઈટનાં નિકાલ માટેની આ કામગીરી પિરાણા ડમ્પ સાઈટ બાયોમાઈનીંગ પ્રોજેક્ટની પધ્ધતિ મુજબ જ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. તંત્ર દ્વારા ડમ્પીંગ સાઈટના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવતા હવે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને ગંદકી અને અસહ્ય દુર્ગંધમાંથી છુટકારો મળશે.