ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જાહેરનામું ઉત્તરાયણ પછી બહાર પડાશે
અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી આગામી દિવસોમાં યોજાશે. જેની તૈયારીઓ ચૂંટણીપંચ દ્વારા પણ શરૂ કરી દેવામાં આવી છે. ઉત્તરાયણ બાદ તરત જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી શકયતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂટ્ંણીનું જાહેરનામું બહાર પાડવા માટે મોટાભાગે જાન્યુઆરી માસના બીજા સપ્તાહ પછીની તારીખ નક્કી કરી છે. ઉત્તરાયણ બાદ લગભઘ તા 18 જાન્યુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે. તેમજ બે તબક્કામાં ચૂંટણી યોજવા માટે વિચારણા ચાલી રહી છે. પ્રથમ તબક્કામાં તાલુકા-જિલ્લા પંચાયતો અને બીજા તબક્કામાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
ચૂંટણીપંચ દ્વારા રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમજ એક સપ્તાહમાં નવા મતદાન મથકોની યાદી રાજ્ય ચૂંટણી પંચને મળી જાય તે માટે તમામ વહીવટી તંત્રને આદેશ કરવામાં આવ્યો છે. રાજ્ય ચૂંટણી પંચે એક મતદાન મથક દીઠ ગ્રામ્યમાં 1000થી 1200 અને સિટી વિસ્તારમાં 1200 થી 1400 મતદારોને સમાવવામાં આવે તે રીતે મતદાન મથકોનું ગઠન કરવાનું જણાવ્યુ્ં હતું.