નવી દિલ્લી: વિશ્વમાં કોઈ પણ દેશ પોતાની સુરક્ષા માટે અવાનવા પગલા લેતો જ હોય છે અને એવુ કહેવાય છે કે દેશની સુરક્ષા જેટલી હોય એટલી ઓછી.. પણ દુનિયામાં એક એવો પણ દેશ છે જેમાં શ્વાનને દેશનો એરચીફ માર્શલ બનાવવામાં આવ્યું છે. વાત સાંભળીને હસવાનું આવશે પણ આ દેશ છે થાઈલેન્ડ કે જે પ્રવાસીઓ માટે પણ સૌથી પસંદગીનું સ્થળ છે.
થાઈલેન્ડના રાજા મહા વજીરાલોન્ગકોર્ન કે જેઓ પોતાની ઉટપટાંગ પ્રવૃતિના કારણે હંમેશા ચર્ચામાં રહે છે અને હવે તેઓએ પોતાના પાલતુ શ્વાનને એર ચીફ માર્શલનો દરજ્જો આપી દીધો છે.
ઉલ્લેખનીય વાત એ છે કે આ શ્વાનની ગાદી પાછળ લાખો ડોલરનો ખર્ચ પણ કરવામાં આવે છે. આ શ્વાન માટે એર ચીફ માર્શલનો યુનિફોર્મ તૈયાર કરવામાં આવ્યો છે અને તે શ્વાન રાજાની બાજુમાં બેસીને જમે પણ છે.
વિશ્વના તમામ દેશો હાલ કોરોનાવાયરસના સંકટમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ બુધવારે બેંગકોકમાં મોટી સંખ્યામાં દેખાવકારો રસ્તા પર ઉતરી આવ્યા. હાલ તેઓ માગ કરી રહ્યા છે કે દેશમાં એક તરફ લોકો કોરોના સંક્રમણનો માર અને લૉકડાઉન બાદ આર્થિક બદહાલી વેઠી રહ્યા છે અને બીજી તરફ રાજા 20 ખાનગી સૈનિકો, 4 પત્ની અને નોકર-નોકરાણીઓ સાથે જર્મનીની લક્ઝુરિયસ હોટલમાં આરામ ફરમાવે છે.
સ્થાનિક થાઈલેન્ડવાસીઓ કહી રહ્યા છે કે તેઓ એક ફાઇવસ્ટાર હોટલમાં રહી રહ્યા છે અને તેમના માટે જર્મનીમાં ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલની વિશેષ મંજૂરી પણ લેવાઇ છે. 28 હજાર કરોડ રૂપિયાની સંપત્તિના માલિક 68 વર્ષીય રાજા વજીરાલૉન્ગકોર્નના હેરમને થાઇલેન્ડથી મંગાવાયેલી સોના-ચાંદીની કીમતી ચીજોથી સજાવાયું છે અને તેમને રાજદ્વારી છૂટ હોવાથી તેમના કોઇ કામમાં જર્મન સરકાર હસ્તક્ષેપ કરતી નથી.
થાઇલેન્ડના રાજા વજીરાલૉન્ગકોર્ન અને મહારાણી સુદિથાની એક તસવીર તાજેતરમાં જારી કરાઇ છે, જેમાં સુદિથા ઊંચા ટોપ, હાઇ હિલ સેન્ડલ, એક હાથમાં મોટી બેગ અને બીજા હાથમાં નવા પાલતુ શ્વાન સાથે દેખાય છે જ્યારે રાજા જીન્સ-સેન્ડલમાં, હાથ અને પીઠ પર કરાવેલા ટેટૂ સાથે જોવા મળે છે.
_Vinayak