જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારી કલમ-370ની જોગવાઈઓને ભારત સરકાર દ્વારા હટાવાયા બાદ અફઘાન તાલિબાનોએ પણ પ્રતિક્રિયા આપી છે.
અફઘાન તાલિબાનના પ્રવક્તાએ નિવેદન જાહેર કરીને આના પર ઘેરું દુખ વ્યક્ત કર્યું છે અને ભારત તથા પાકિસ્તાન બંનેને હિંસાથી બચવા માટે પગલા ઉઠાવવાની અપીલ પણ કરી છે.
અફઘાન તાલિબાનોએ પોતાના નિવેદનમાં કહ્યુ છે કે અહેવાલ છે કે ભારતે કાશ્મીરના સ્વાયત્ત દરજ્જાને પાછો ખેંચ્યો છે. ત્યાં વધારે સુરક્ષાદળો મોકલ્યા છે. કટોકટીની પરિસ્થતિ જેવી હાલત છે અને ત્યાંની મુસ્લિમ વસ્તી માટે મુશ્કેલી પેદા કરી દીધી છે.
તાલિબાનોએ નિવેદનમાં કહ્યુ છે કે ઈસ્લામિક અમીરાત (તાલિબાન) આના પર દુખ વ્યક્ત કરે છે અને ભારત અને પાકિસ્તાન બંને એવા પગલા ઉઠાવવાની અપીલ કરે છે, જેનાથી પરિસ્થિતિને જટિલતા અને હિંસા તરફ આગળ વધવાથી બચાવી શકાય અને કાશ્મીરના લોકોના અધિકારનું હનન કરવામાં આવે નહીં.
તાલિબાની પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદ્દ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક પક્ષો તરફથી કાશ્મીર મુદ્દાને અફઘાનિસ્તાન સાથે જોડવાથી ઉકેલ નહીં આવે, કારણ કે અફઘાનિસ્તાનનો મુદ્દો આની સાથે જોડાયેલો નથી. અફઘાનિસ્તાનને બંને દેશો (ભારત અને પાકિસ્તાન) વચ્ચેની પ્રતિસ્પર્ધાનું થિયેટર બનાવવામાં આવે નહીં.
માનવામાં આવે છે કે તાલિબાનનો ઈશારો પાકિસ્તાનમાં વિપક્ષી નેતા શાહબાજ શરીફના એ નિવેદન તરફ છે, જેમાં તેમણે સંસદમાં બંને સ્થાનોની સરખામણી કરી હતી.
પાકિસ્તાની સરકાર પર સવાલ ઉઠાવતા શાહબાજે કહ્યુ હતુ કે એવું કેમ છે કે અફઘાન લોકો કાબુલમાં બેસીને શાંતિનો આનંદ લઈ રહ્યા છે, પરંતુ કાશ્મીરમાં લોહી વહી રહ્યું છે ? આ અમને સ્વીકાર્ય નથી.
આ નિવેદન પર અફઘાન નાગરીકોએ સોશયલ મીડિયા પર પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી.
તાલિબાને કહ્યું છે કે યુદ્ધ અને સંઘર્ષના પોતાના કડવા અનુભવના આધારે અમે પ્રાદેશિક મુદ્દાઓને શાંતિ અને તાર્કિક રીતે ઉકેલવાનો અનુરોધ કરીએ છીએ.
અમે બંને પક્ષો, ઈસ્લામી સહયોગ સંગઠન, ઈસ્લામી દેશો, સંયુક્તરાષ્ટ્ર અને અન્ય પ્રભાવશાળી સંસ્થાઓને કાશ્મીરના આ ખતરાનો સામનો કરવામાં રચનાત્મક ભૂમિકા નિભાવવાની અપીલ કરીએ છીએ.
તાલિબાને આ સંગઠનો અને દેશોને કહ્યું છે કે પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને તમે બંને પક્ષો સાથે સંકટ પર કાબુ મેળવવા માટે જણાવો અને મામલાનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવો.
તાલિબાને એમ પણ કહ્યું છે કે કાશ્મીર મામલાની અફઘાનિસ્તાન સાથે તુલના કરવી જોઈએ નહીં.
બીજી તરફ ગુરુવારે કાબુલ ખાતેના પાકિસ્તાની દૂતાવાસે સ્પષ્ટીકરણ આપ્યું છે કે કાશ્મીર પર તાજેતરના સંકટની અફઘાનિસ્તાનની શાંતિ પ્રક્રિયા પર કોઈ અસર થશે નહીં.
એક પ્રેસ કોન્ફરન્સમાં જાહિદ નસરુલ્લાહ ખાને ક્હયુ હતુ કે કાશ્મીર મુદ્દાને અફઘાનિસ્તાનની હિંસા સાથે કોઈ સંબંધ નથી. તમામ બિલદાનો બાદ પણ દુર્ભાગ્યે આ મામલો હજીપણ વણઉકલ્યો છે અને જમ્મુ-કાશ્મીરના લોકોના માનવાધિકારોનું હનન ચાલુ છે.
ગુરુવારે જ એક પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે કહ્યુ છે કે ભારતે કાશ્મીરમાં એકતરફી નિર્ણય કરીને સંયુક્ત રાષ્ટ્રની ઉપેક્ષા કરી છે અને માનવાધિકારોનું ઘોર ઉલ્લંઘન કર્યું છે.
મુહમ્મદ ફૈસલે
કહ્યું છે કે ભારતે આમ કરીને દક્ષિણ એશિયાની સ્થિરતા અને શાંતિને જોખમમાં નાખી છે.
આ પ્રેસ કોન્ફરન્સમાં ફૈસલને એક પત્રકારે સવાલ કર્યો હતો કે આખા મામલા પર
આંતરરાષ્ટ્રીય જગતમાંથી જે પ્રતિક્રિયા આવી છે, તેનાથી તમે સંતુષ્ટ છો?
તેના પર મોહમ્મદ ફૈસલે કહ્યુ કે આ સતત ચાલુ રહેનારી પ્રક્રિયા છે અને દુનિયાભરમાંથી લોકો બોલી પણ રહ્યા છે. તેના માટે લાંબો સંઘર્ષ કરવો પડશે. આ સાત દશકનો કિસ્સો છે, કોઈ બે – ચાર વર્ષની વાત નથી. મામલો તો હજી ચાલશે. આંતરરાષ્ટ્રીય સમુદાય નોંધ લઈ રહ્યો છે.