પંજાબ નેશનલ બેંક ગોટાળાના મુખ્ય આરોપી અને ભાગેડું નીરવ મોદી પર એજન્સીઓએ મોટો સકંજો કસ્યો છે. સુરક્ષા એજન્સીઓએ આ મામલામાં નીરવ મોદી અને તેની બહેન પૂર્વી મોદી સાથે જોડાયેલા ચાર બેંક ખાતાને સ્વિટ્ઝરલેન્ડમાં સીઝ કર્યા છે.
આ સિવાય સ્વિટ્ઝરલેન્ડમાં રહેલી નીરવ મોદીની લગભગ 60 લાખ અમેરિકન ડોલરની મિલ્કતને પણ સીઝ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે નીરવ મોદી પર પંજાબ નેશનલ બેંકને લગભગ 13 હજાર કરોડ રૂપિયાનો ચૂનો લગાવવાનો આરોપ છે.
આ મામલામાં આ સતત બીજી મોટી કામિયાબી છે. તેના પહેલા બુધવારે જ એ વાત સામે આવી હતી કે આ ગોટાળાના અન્ય આરોપી મેહુલ ચોકસીને હવે ભારત પ્રત્યાર્પિત કરવાનો માર્ગ સાફ થઈ ગયો છે. એન્ટિગુઆના વડાપ્રધાને નિવેદન આપ્યું હતું કે અમે મેહુલ ચોકસીની નાગરિકતા રદ્દ કરી રહ્યા છીએ, હવે તેની પાસે કોઈ કાયદાકીય માર્ગ બચતો નથી.
તેવામાં હવે નીરવ મોદીને લઈને આ મોટી ખબર આવી છે અને તે એજન્સીઓ માટે મોટી કામિયાબી છે. મહત્વપૂર્ણ છે કે નીરવ મોદી હાલ લંડનમાં છે અને જ્યુડિશયલ કસ્ટડીમાં છે. તે ચાર વખત કોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરી ચુક્યો છે. પરંતુ દરેક વખતે તેને નિષ્ફળતા જ હાથ લાગી છે. લંડનની કોર્ટે દરેક વખતે તેની અરજીને નામંજૂર કરી છે.
ફેબ્રુઆરી-2018માં જ્યારે પીએનબી ગોટાળો દેશની સામે આવ્યો હતો, ત્યારથી જ નીરવ મોદી ફરાર છે અને એજન્સીઓ તેની શોધખોળ કરી રહી છે. ત્યારથી લઈને અત્યાર સુધી દેશમાં ઘણાં કરોડ રૂપિયાની મિલ્કતો જપ્ત થઈ ચુકી છે. પરંતુ આ વખતે વિદેશી સંપત્તિ પર મોટો પ્રહાર કરવામાં સફળતા મળી છે.
આ વર્ષે 19 માર્ચે નીરવ મોદીની લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી જ ભારતીય એજન્સીઓ તેને ભારત લાવવાની કોશિશો કરી રહી છે અને બ્રિટનની સાથે તેના પ્રત્યાર્પણની વાત કરાઈ રહી છે. ભારતમાં સીબીઆઈ અને ઈડી નીરવ મોદી સાથે જોડાયેલા મામલાની તપાસ કરી રહી છે.