હરિદ્વાર: જ્યોતિષ અને શારદા દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ મહિલાઓને લઈને વિવાદીત ટીપ્પણી કરી છે. શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ કહ્યુ છે કે યુવતીઓ પોતાના માતાપિતાની મિલ્કત પર પોતોનો હક દર્શાવવા માટે તેમનો દાહ સંસ્કાર અને પિંડદાન કરે છે. યુવતીઓ માટે આવા કર્મકાંડ હિંદુ ધર્મશાસ્ત્રોની વિરુદ્ધ છે.
શંકરાચાર્યે કહ્યુ છે કે દીકરીઓ દ્વારા અપનાવાય રહેલી આવી પ્રવૃત્તિને કારણે ઘરોમાં વિવાદ વધી રહ્યા છે. યુવતીઓની આવી પ્રવૃત્તિને કારણે પહેલાની જેમ તેમનું હવે પિયરમાં સમ્માન હોતું નથી અને પરિવારોમાં કડવાશ વધી છે.
તેમણે કહ્યુ છે કે પિતૃઓને તૃપ્તિ ત્યારે મળે છે, જ્યારે તેમનો પુત્ર અથવા પૌત્ર અથવા પુત્રીનો પુત્ર તેમના દાહ સંસ્કાર કરે અને તર્પણ કરે. શંકરાચાર્યે કહ્યુ છે કે જે પુત્રીઓ પોતાના માતાપિતાના અંતિમ સંસ્કાર કરે છે. તેમના માતાપિતાને તૃપ્તિ મળતી નથી. તેમને મોક્ષ મળતો નથી.
હિંદુ ધર્મ ગ્રંથોને ટાંકતા શંકરાચાર્યે કહ્યુ છે કે શ્રાદ્ધ વખતે પિતૃઓની તૃપ્તિ પુત્ર- પૌત્ર અથવા ગોત્રના પિંડદાન તર્પણ કરવાથી જ મળે છે. તર્પણ કર્યા બાદ પિંડદાન કુશાના પાત્રમાં કરવું જોઈએ. તે વખતે તમણે પીએમ મોદી, ભાજપ અને આરએસએસને પણ નિશાને લીધું હતું.
શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ કહ્યુ છે કે જ્યારથી મોદી વડાપ્રધાન બન્યા છે, તેમના હાથમાં ભાજપની કમાન આવી છે, ત્યારથી મોદી આરએસએસના મૂળ સ્વરૂપને બગાડવામાં લાગેલા છે. એક તરફ આરએસએસ હિંદુઓની વાત કરે છે, તો બીજી તરફ આરએસએસ સાથે જોડાયેલા સંગઠન ઈદ મિલન જેવા કાર્યક્રમો કરીને તેના મૂળ એજન્ડાને ભટકાવવામાં લાગેલા છે.
શંકરાચાર્યે કહ્યુ છે કે આરએસએસની રચના હિંદુ સિદ્ધાંતોને આગળ વધારવા માટે કરવામાં આવી હતી. પરંતુ હવે સત્તાને લઈને સંઘનું મૂળ સ્વરૂપ અને વિચારધારાને બગાડવામાં આવી રહી છે.