1. Home
  2. revoinews
  3. ભારતના પહેલા ભગવા વસ્ત્રધારી સાંસદ સ્વામી બ્રહ્માનંદ, શિક્ષણ-ગૌરક્ષા હતું તેમનું મિશન
ભારતના પહેલા ભગવા વસ્ત્રધારી સાંસદ સ્વામી બ્રહ્માનંદ, શિક્ષણ-ગૌરક્ષા હતું તેમનું મિશન

ભારતના પહેલા ભગવા વસ્ત્રધારી સાંસદ સ્વામી બ્રહ્માનંદ, શિક્ષણ-ગૌરક્ષા હતું તેમનું મિશન

0
Social Share
  • ભારતના સૌથી પહેલા ભગવા વસ્ત્રધારી સાંસદ
  • 1967થી 1977 સુધી હમીરપુરથી રહ્યા હતા સાંસદ
  • ગૌહત્યા વિરોધી આંદોલનના પ્રેરણાસ્ત્રોતોમાંથી એક

સ્વામી બ્રહ્માનંદ ભારતના સૌથી પહેલા ભગવા વસ્ત્રધારી સાંસદ હતા. તેઓ પહેલીવાર 1967માં ચોથી લોકસભા ચૂંટણીમાં જનસંઘની ટિકિટ પર જંગી મતોની સરસાઈથી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. આગામી ચૂંટણીમાં સ્વામી બ્રહ્માનંદ ઈન્દિરા ગાંધીના આગ્રહથી કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડયા અને પાછા સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ 1967થી 1977 સુધી હમીરપુરથી લોકસભાના સાંસદ રહ્યા હતા.

સ્વામી બ્રહ્માનંદ ગોવંશની સુરક્ષા અને ગોવધના વિરોધમાં સંસદમાં લગભગ એક કલાક સુધી ઐતિહાસિક ભાષણ આપનારા પહેલા સાંસદ હતા. સ્વામી બ્રહ્માનંદ પોતાની સમસ્ત આધ્યાત્મિક ઊર્જાનો રચનાધર્મી ઉપયોગ જનકલ્યાણ માટે કરતા હતા. શિક્ષણના ક્ષેત્રમાં તેમના ભગીરથ પ્રયાસો અને ગૌરક્ષા આંદોલનમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા માટે આગામી ઘણી પેઢીઓ તેમને ભૂલી શકે તેમન નથી. સ્વામી બ્રહ્માનંદ એવા સંત હતા કે જેમણે અખાડા, આશ્રમ, પરિષદ અથવા આવી કોઈપણ સંસ્થામાં ખુદને કેદ કર્યા ન હતા.

ઉત્તરપ્રદેશના હમીરપુર જનપદના સરીલા તાલુકાના બરહરા ગામમાં  4 ડિસેમ્બર- 1894ના રોજ પેદા થયેલા સ્વામી બ્રહ્માનંદ માત્ર 23 વર્ષની વયે વૈરાગ્યને કારણે સંન્યાસી તરીકે 12 વર્ષ સુધી સમગ્ર દેશના ભ્રમણ પર નીકળ્યા હતા. તે દરમિયાન તેમણે દેશવાસીઓની ભાવનાઓ અને તેમની સમસ્યાઓના મૂળને સમજ્યું હતું. આ મૂળ તેમને નિરક્ષરતામાં દેખાયું હતું. સૌથી પહેલા તેમણે પંજાબમાં હિંદી પાઠશાળાઓ ખોલાવી હતી. બિકાનેર સહીત રાજસ્થાનના દુકાળગ્રસ્ત વિસ્તારમાં તેમણે મોટા-મોટા તળાવ ખોદાવ્યા અને ખેડૂતો તથા દલિતોના ઉત્થાન માટે કામ કર્યું હતું. શિક્ષણ પ્રત્યે તેઓ બેહદ ગંભીર હતા. સાંસદ તરીકેના કાર્યકાળમાં તેમણે પોતાને મળતા નામાંની પાઈ-પાઈ શિક્ષણ માટે દાન કરી હતી અને ખુદ ભિક્ષા માંગીને ખાતા હતા. હમીરપુરના રાઠમાં તેમણે 1938માં બ્રહ્માનંદ ઈન્ટર કોલેજ, 193માં બ્રહ્માનંદ સંસ્કૃત મહાવિદ્યાલય અને 1960માં બ્રહ્માનંદ મહાવિદ્યાલયની સ્થાપના કરી હતી. શિક્ષણના ક્ષેત્રમાં સ્વામી બ્રહ્માનંદના પ્રશંસનીય યોગદાનોથી પ્રભાવિત થઈને યુપીના ત્રણ વખત મુખ્યપ્રધાન રહી ચુકેલા ચંદ્રભાનુ ગુપ્તે એક જાહેર સમારંભમાં તેમને ‘બુંદેલખંડના માલવીય’ની ઉપાધિથી સમ્માનિત કર્યા હતા.

સ્વામી બ્રહ્માનંદ ગોહત્યાને લઈને ચિંતિત રહેનારા લોકોમાં સૌથી આગળ હતા. 1966માં થયેલા સૌથી મોટા ગૌહત્યા નિષેધ આંદોલનના તેઓ જનક હતા. ત્યારે તેણે પ્રયાગથી દિલ્હી સુધી પદયાત્રા કરી હતી, તેમા તેમની સાથે અન્ય ઘણાં સાધુ-મહાત્મા હતા. ગૌરક્ષા આંદોલન માટે નીકળેલા જત્થાએ તેમના નેતૃત્વમાં 1966ની રામનવમીએ દિલ્હીમાં સત્યાગ્રહ કર્યો હતો. ત્યારે તેમની સાથે 10થી 12 લાખ લોકો એકઠા થયા હતા. જેના કારણે તત્કાલિન સરકાર ગભરાઈ ગઈ અને બાદમાં તેમની ધરપકડ કરીને તેમને તિહાડ જેલમાં મોકલી દીધા હતા.

સ્વામી બ્રહ્માનંદનું વિરાટ વ્યક્તિત્વ જ હતું કે યુપીના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણસિંહે તેમના જન્મસ્થાને તેમની મૂર્તિ સ્થાપિત કરી અને તેમના ગામનું નામ બરહરાથી બદલીને સ્વામી બ્રહ્માનંદ ધામ અને વિરમા નદી પર બનેલા મૌદહા બંધનું નામ સ્વામી બ્રહ્માનંદ બંધ કર્યું હતું. કેન્દ્ર સરકારે પણ તેમના 13મા નિર્વાણ દિવસ એટલે કે 13 સપ્ટેમ્બર, 1997ના રોજ તેમના સમ્માનમાં એક વિશેષ ટપાલ ટિકિટ જાહેર કરી હતી.

આ વર્ષે સ્વામી બ્રહ્માનંદની 125મી જયંતીનું વર્ષ પણ છે. દેશના દૂરવર્તી અને ઉપેક્ષિત વિસ્તારોમાં શિક્ષણનો પ્રસાર કરી અને દેશમાં ગૌરક્ષા પ્રત્યે સામાજીક અને ધારાકીય સ્તર પર શુ કરી શકાય તેમ છે, તેના પર વ્યાપક વિચાર કરીને આપણે તેમને સાચી શ્રદ્ધાંજલિ આપી શકીએ છીએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code