સુરત કોર્પોરેશન ચૂંટણીઃ રાજ્યના આરોગ્ય પ્રધાનએ કર્યું મતદાન
અમદાવાદઃ સુરતમાં કોર્પોરેશનની ચૂંટણી માટે સવારથી જ મતદાન યોજાઈ રહ્યું છે. રાજકીય નેતાઓ અને સ્થાનિક આગેવાનોએ મતદાન કરીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભાજપના સાંસદે મતદાન કર્યાં બાદ કોર્પોરેશનની તમામ બેઠકો ઉપર ભાજપના જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં સાંસદ દર્શનાબેન જરદોશે પરિવાર સાથે વોટિંગ કર્યું હતું. તેમણે વોર્ડ નંબર 13 માટે મતદાન કર્યું હતું. તેમણે જણાવ્યું છે કે, સુરત મહાનગર પાલિકામાં ભાજપ 120 બેઠકો કબ્જે કરશે. આ ઉપરાંત રાજ્યના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ સુરતમાં મતદાન કર્યું હતું. તેમણે પણ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત પૂર્વ મેયર નિરંજન ઝાઝમેરાએ તેના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું.
સુરતમાં 9 માસના ગર્ભવતી રૂતા જીજ્ઞેશ ધોરાજીયાએ મતદાન કરીને પવિત્ર ફરજ નિભાવી હતી. મહાનગરપાલિકા કમિશનર બંછાનિધી પાનીએ પત્ની સાથે વી ટી ચોકસી લો કોલેજ ખાતે મતદાન કર્યું હતું. તેમજ મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ મતદાન કરીને લોકોને મતદાન માટે અપીલ કરી હતી. સુરત અને વડોદરામાં મતદાન દરમિયાન કેટલીક જગ્યાએ ઈવીએમ ખોટવાયાની ફરિયાદ ઉઠી હતી.