નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પર વિવાદીત ટીપ્પણી લખવા અને વીડિયો શેયર કરવાના મામલામાં એરેસ્ટ કરાયેલા પત્રકાર પ્રશાંત કનૌજિયાને સુપ્રીમ કોર્ટે તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.
આ મામલાની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે યુપી પોલીસને ઠપકો પણ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે યુપી પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે આખરે તેમણે કઈ કલમો હેઠળ ધરપકડ કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કનૌજિયાને તાત્કાલિક મુક્ત કરવો જોઈએ, પરંતુ તેમની ઉપર કેસ ચાલતો રહેશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પ્રશાંત કનૌજિયાએ જે શેયર કર્યું અને લખ્યું, તેના પર એ કહી શકાય કે તેમણે આમ કરવું જોઈતું ન હતું. પરંતુ તેને એરેસ્ટ ક્યાં આધાર પર કરવામાં આવ્યા હતા? સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આખરે એક ટ્વિટ માટે તેમની ધરપકડ કરવાની શું જરૂરત હતી?
સુપ્રીમ કોર્ટે યુપી સરકારને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારની યાદ અપાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તેમણે ઉદારતા દર્શાવતા ફ્રીલાંસ જર્નાલિસ્ટ કનૌજિયાને મુક્ત કરી દેવા જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લોકોની આઝાદી સંપૂર્ણપણે અક્ષુણ્ણ છે અને તેની સાથે કોઈ સમજૂતી કરી શકાય નહીં. આ બંધારણ તરફથી આપવામાં આવેલો અધિકાર છે. તેનું કોઈ ઉલ્લંઘન કરી શકે નહીં.
પ્રશાંતની પત્ની જગીશા અરોડાએ સોમવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને પોતાના પતિની ધરપકડને પડકારી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે પત્રકાર પર લગાવવામાં આવેલી કલમો જામીનવાળા અપરાધની શ્રેણીમાં આવે છે. આવા મામલામાં કસ્ટડીમાં મોકલી શકાય નહીં. અરજી પર તાત્કાલિક સુનાવણીની જરૂરિયાત છે, કારણ કે આ ધરપકડ ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે. પત્રકારની પત્નીની અરજી પર સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણી કરવાની વાત કહી હતી.
મહત્વપૂર્ણ છે કે પ્રશાંત કનૌજિયાએ યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને લઈને એક વીડિયો શેયર કર્યો હતો. પોલીસે કહ્યું હતું કે તેમણે એક વીડિયો શેયર કરતા એક વિવાદીત કેપ્શન લખ્યું હતું.