નવી દિલ્હી : દેશભરમાં બાળકો સાથે બળાત્કારના વધી રહેલા મામલા પર સુપ્રીમ કોર્ટ આકરેપાણીએ છે. સુપ્રીમ કોર્ટે આ મામલાઓને ખુદ ધ્યાન પર લેતા પીઆઈએલ નોંધી છે. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ મીડિયામાં તાજેતરના દિવસોમાં બાળકો સાથે થઈ રહેલી બળાત્કારની ઘટનાઓથી આહત થઈને સુપ્રીમ રજિસ્ટ્રીએ આખા દેશમાં 1 જાન્યુઆરીથી અત્યાર સુધી આવા મામલાઓમાં દાખલ એફઆઈઆર અને આ મામલાઓમાં કરવામાં આવેલી કાયદાકીય કાર્યવાહીના આંકડા તૈયાર કરવા માટે જણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટે દેશની તમામ હાઈકોર્ટમાંથી આંકડા મંગાવ્યા છે. અત્યાર સુધીના આંકડા પ્રમાણે, 1 જાન્યુઆરીથી 30 જૂન સુધી દેશભરમાં બાળકો સાથે બળાત્કારના 24 હજાર મામલા નોંધાયા છે. આ યાદીમાં સૌથી ઉપર ઉત્તર પ્રદેશ છે, જ્યાં લગભગ 3457 કેસ નોંધાયેલા છે. એટલું જ નહીં, આવા મામલાઓમાં યુપી પોલીસની નિષ્ફળતા સામે આવી છે. બાળકો સાથે બળાત્કારના મામલામાં યુપી પોલીસ 50 ટકાથી વધારે એટલે કે 1779 કેસોની તપાસ જ પુરી કરી શકી નથી.
મધ્યપ્રદેશમાં 2389 મામલા સામે આવ્યા છે. મધ્યપ્રદેસ પોલીસે 1841 મામલામાં તપાસ પુરી કરીને ચાર્જશીટ દાખલ કરી છે. મધ્યપ્રદેશની નીચલી અદાલતોએ 27 મામલામાં તો ટ્રાયલ પણ પૂર્ણ કરી લીધી છે. નગાલેન્ડમાં બાળકો સાથે બળાત્કારના 9 મામલા નોંધાયા છે.