Site icon Revoi.in

ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 4: ઝીણાની પાકિસ્તાનની માગણી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીથી વાયા ખિલાફત આંદોલન

Social Share

1857 બાદ હિંદુ અને મુસ્લિમના સામાજિક તાણાવાણાના ગુંચવાડાનો અંગ્રેજોએ ખૂબ ફાયદો ઉઠાવ્યો હતો. દેશમાં મુસ્લિમ અલગતાવાદ ચરમસીમાએ પહોંચી રહ્યો હતો, તો તેની સામે 1915થી ભારતીય રાજકારણમાં સક્રિય થનારા મહાત્મા ગાંધી દ્વારા બંને સમુદાયો વચ્ચે એકતાના તુષ્ટિકરણની નીતિ હેઠળના પ્રયત્નો નિષ્ફળ જઈ રહ્યા હતા. 1920માં મહાત્મા ગાંધી દ્વારા ખિલાફત આંદોલનમાં સાથ આપવાના કારણે કોંગ્રેસ છોડયા પછી એક વખત રાષ્ટ્રવાદી અથવા હિંદુ-મુસ્લિમ એકતાના રાજદૂત ગણાતા મહોમ્મદ અલી ઝીણા હિંદુ-મુસ્લિમ એકતાના સૌથી મોટા દુશ્મન બનીને પાકિસ્તાનની માગણી કરી રહ્યા હતા.

ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ બાદ અંગ્રેજો અને મુસ્લિમ સમુદાય નજીક આવી રહ્યો હતો. સર સૈયદ અહમદે 1875માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. અંગ્રેજો સામેની હિંદુ સમુદાય તરફથી કરવામાં આવતી વિરોધ પ્રક્રિયામાં સર સૈયદ અહમદ ક્યારેય ભાગ બન્યા નહીં. તેમણે મુસ્લિમ સમુદાયને પણ આવી અંગ્રેજ વિરોધી પ્રવૃતિમાં સામેલ નહીં થવા માટે પ્રેરીત કર્યા હતા. 1875માં સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની રચના કરીને હિંદુ સમુદાયમાં નવચેતના ઉભી કરી હતી. આર્યસમાજનું ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં મોટું યોગદાન રહેલું છે. તો રાજકીય મંચ તરીકે 1885માં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ હતી. જો કે તેના સ્થાપક વિદેશી હતા. પરંતુ શરૂઆતમાં તેનું જનતાની કઠિનાઈ શાસકો સામે લાવવાનું હતું. બાદમાં કોંગ્રેસે હોમરુલ અને અંતમાં પૂર્ણ સ્વરાજની ઘોષણા કરી હતી.

1905માં ભારતીય રાષ્ટ્રવાદની કમ્મર તોડવા માટે વાઈસરોય લોર્ડ કર્ઝને બંગાળને હિંદુ અને મુસ્લિમ સમુદાયોના આધારે વિભાજિત કર્યું હતું. તેની સામે તમામ બંગાળીઓ આક્રોશિત થયા અને બંગ-ભંગ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું. જેમાં હિંસક વિરોધનો પણ સમાવેશ થયા છે. ઈન્ડિયન નેશનલ કોંગ્રેસે બંગ-ભંગ વિરુદ્ધ સ્વદેશી આંદોલન ચલાવ્યું હતું. ક્રાંતિકારી યુવાનો પણ બંગ-ભંગ સામેના આંદોલનમાં હસતા-હસતા બલિદાનો આપવા લાગ્યા હતા. જેના કારણે અંગ્રેજોએ એક ગહેરી ચાલ ચાલી.. 1906માં આગા ખાનને એક દેશી રિયાસતના શાસકનું સમ્માન, તોપોની સલામી જેવા ઉપહાર અપાયા અને ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાનને એક લાખ પાઉન્ડનું ઓછા વ્યાજે કર્જ આપીને અંગ્રેજોએ પોતાની તરફ કરી લીધા હતા. ઉલ્લેખનીય છે કે નવાબ સલીમુલ્લાહ શરૂઆતમાં બંગ-ભંગ સામેના આંદોલન તરફી વલણ ધરાવતો હતો. બંગ-ભંગ સામેના આંદોલનમાંથી મુસ્લિમોને દૂર કરવા માટેના ઉદેશ્યને આગળ વધારતા 1906માં ઢાકા ખાતે મુસ્લિમ લીગની રચના કરવામાં આવી હતી. મુસ્લિમ લીગની સ્થાપના વખતે તેનું લક્ષ્ય પાકિસ્તાનની રચના ન હતી. તેનું લક્ષ્ય મુસ્લિમોને અંગ્રેજ સરકાર પ્રત્યે નિષ્ઠાવાન રાખવાનું અને મુસ્લિમ હિતોની રક્ષા કરવાનું હતું. 1909માં મોર્લે-મિન્ટો સુધારા હેઠળ મુસ્લિમ સમુદાયને વસ્તીના પ્રમાણમાં વધારે અધિકારો આપવામાં આવ્યા હતા. તો ઉગ્ર આંદોલનોને જોતા 1911માં બંગાળના ભાગલા રદ્દ કરવામાં આવ્યા.

1915માં મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા હતા. તેમના સત્કાર સમારંભમાં મહોમ્મદ અલી ઝીણા હાજર રહ્યા હતા. પરંતુ 1916માં મુસ્લિમ લીગના અધ્યક્ષ તરીકે ઝીણા અને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ સાથે હિંદુ-મુસ્લિમ એકતા માટે તે વખતે મહત્વના ગણાતા લખનૌ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તેના પ્રમાણે સ્વતંત્ર વિધાન મંડળ અને વસ્તીના પ્રમાણમાં વધારે વર્ચસ્વની મુસ્લિમ લીગની માગણી માની લેવામાં આવી. તે વખતે ઝીણાને હિંદુ-મુસ્લિમ એકતાના રાજદૂત ગણાવવામાં આવ્યા હતા. પરંતુ રાજકીય મામલાના જાણકાર ડૉ. ઈશ્વરીપ્રસાદે તેને મુસ્લિમ તુષ્ટિકરણ માટે હિંદુઓ સાથે વિશ્વાસઘાત ગણાવીને કોંગ્રેસની મોટી ભૂલ ગણાવી હતી.

1918માં પ્રથમ વિશ્વયુદ્ધ સમાપ્ત થયું. પરાજિત તુર્કીના ઓટોમન સામ્રાજ્યને નષ્ટ કરીને ખિલાફતને સમાપ્ત કરી દેવામાં આવી. ખલીફા તુર્કી છોડીને ભાગી ગયો. ત્યારે ઈસ્લામ ખતરામાં હોવાના પ્રચાર સાથે પાન ઈસ્લામિક આંદોલને ભારતમાં જોર પકડ્યું હતું. તે વખતે અંગ્રેજોથી આઝાદી મેળવવાના લોભમાં મુસ્લિમોની મદદ પ્રાપ્ત કરવા માટે કોઈપણ બલિદાન આપવાની તૈયારી સાથે ખિલાફત આંદોલનને ટેકો આપવાની કોંગ્રેસની માનસિકતા તૈયાર થઈ રહી હતી. 1919માં રોલેટ એક્ટ સામે વિરોધ થઈ રહ્યો હતો અને તે જ વર્ષે 13મી એપ્રિલે અમૃતસરના જલિયાંનવાલા બાગ ખાતે બ્રિગેડિયર જનરલ ડાયરે ક્રૂરત્તમ હત્યાકાંડ કરીને હિંદુસ્તાનીઓની લાશોના ઢગલા કર્યા હતા. 1920માં ગાંધીજી દ્વારા શરૂ કરાયેલા અસહકારના આંદોલન સાથે ખિલાફત આંદોલનને ટેકો આપવામાં આવ્યો હતો. તેના વિરોધમાં મોહમ્મદ અલી ઝીણાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. અહિંસક આંદોલન હેઠળ 1921માં સવિનય કાનૂન ભંગનું આંદોલન પણ ચાલવવામાં આવ્યું હતું. પરંતુ 1922માં ચૌરાચૌરી કાંડમાં 22 પોલીસકર્મીઓના મૃત્યુની ઘટના બાદ ગાંધીજીએ આંદોલન સ્થગિત કરી લીધું હતું.

ઓગસ્ટ-1922 કેરળના મલબારમાં મોપલા વિદ્રોહ હેઠળ મોટા પ્રમાણમાં હુલ્લડો થયા હતા. જેને કારણે ભારતભરમાં હિંદુ-મુસ્લિમના સંબંધો ફરીથી બગડવા લાગ્યા હતા. 1927માં રચાયેલા સાયમન કમિશનની ભારત મુલાકાત વખતે કોંગ્રેસે તેનો બહિષ્કાર કર્યો હતો. તેની સામેના દેખાવોમાં લાલાલજપતરાય પર બેરહેમીથી લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જેના કારણે તેમનું બાદમાં મૃત્યુ થયુ હતું. 1929માં મુસ્લિમ લીગે ઝીણાના નેતૃત્વમાં 9મી માર્ચે 14 માગણીઓ મૂકી હતી. તો 8મી એપ્રિલ, 1929માં ક્રાંતિકારી ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે સેન્ટ્રલ લેજિલેટિવ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો હતો. 31 ઓક્ટોબર, 1929માં વાઈસરોય લોર્ડ ઈરવિને ભારતને ડોમિનિયન સ્ટેટસ માટેની બ્રિટિશ નીતિ હોવાની જાહેરાત કી હતી. 31 ડિસેમ્બર, 1929ના રોજ લાહોરમાં રાવી નદીના કિનારે યોજાયેલા કોંગ્રેસના અધિવેશનમાં જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં પૂર્ણ સ્વરાજ્યનો પ્રસ્તાવ પારીત કરાયો હતો. 14મી ફેબ્રુઆરી, 1930ના રોજ કોંગ્રેસ કાર્ય સમિતિની અમદાવાદમાં મળેલી બેઠકમાં અસહકારનો પ્રસ્તાવ મંજૂર કરાયો હતો. 12 માર્ચ થી 6 એપ્રિલ, 1930ના રોજ મહાત્મા ગાંધીએ અહસકારના આંદોલન હેઠળ દાંડી માર્ચ કરી અને નમક કાનૂનનો ભંગ કર્યો હતો. 1930માં મુસ્લિમ લીગમાં કવિ ઈકબાલે પાકિસ્તાનનો વિચાર રમતો કર્યો હતો. જો કે મુસ્લિમ લીગમાં અલગતાવાદી વિચારો તો છેક 1920થી તેમના આંતરીક વર્તુળોમાં તરતા હતા.

30મી નવેમ્બર, 1930ના રોજ સાયમન કમિશનના અહેવાલની સમીક્ષા માટે પ્રથમ ગોળમેજી પરિષદ મળી હતી. 5મી માર્ચ, 1931ના રોજ ગાંધી-ઈરવિન પેક્ટ થતા નાગરિક અસહકાર આંદોલન બંધ કરાયું હતું. 23 માર્ચ, 1931ના રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીએ ચઢાવી દેવાયા હતા. 1931માં બીજી ગોળમેજી પરિષદ બાદ ભારત આવીને મહાત્મા ગાંધીએ ફરીથી અસહકારની ચળવળ શરૂ કરી અને અંગ્રેજ સરકારે તેમને ખટલો ચલાવ્યા વગર જ જેલની સજા કરી હતી. 16 ઓગસ્ટ, 1932માં ભારતીય સમાજને વધુ તોડવા માટે કુખ્યાત કોમ્યુનલ એવોર્ડની જાહેરાત કરી હતી. ગાંધીજીએ જેલમાં જ 20મી સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર, 1932 વચ્ચે આમરણાંત ઉપવાસ કર્યા હતા. જેના પરિણામે પૂના પેક્ટ કરવો પડયો હતો. 1933માં ગાંધીજીને જેલમાંથી મુક્ત કરાયા. કોંગ્રેસે અસહકારનું આંદોલન રદ્દ કરીને વ્યક્તિગત સત્યાગ્રહને મંજૂરી આપી હતી. 1934માં ગાંધીજી સક્રિય રાજકારણમાંથી હટી ગયા અને રચનાત્મક કામમાં જ ધ્યાન કેન્દ્રીત કરવાનું નક્કી કર્યું હતું. 1935માં ચોથી ઓગસ્ટે ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ-1935ને મંજૂરી આપવામાં આવી હતી. તેના આધારે 1937માં યોજાયેલી ચૂંટણીઓ બાદ કોંગ્રેસે ઘણાં રાજ્યોમાં સરકાર બનાવી હતી. જો કે તેમાં મુસ્લિમોના ભાગમાં આવતી બેઠકો પરથી બહુ ઓછી બેઠકો પર જીત મળી હતી. મુસ્લિમ લીગને પણ વધારે સફળતા મળી ન હતી. પરંતુ મુસ્લિમ બેઠકો પરથી અન્ય મુસ્લિમ પાર્ટીઓને જીત મળી હતી. જેના કારણે કોંગ્રેસના મુસ્લિમોનું પણ પ્રતિનિધિત્વ કરવાના દાવાનો ધક્કો લાગ્યો હતો. 1938માં 20મી ફેબ્રુઆરીએ હરિપુરા અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝને કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. 1939માં ત્રિપુરી અધિવેશનમાં સુભાષચંદ્ર  બોઝે આંતરીક મતભેદોને કારણે કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. તેના માટે મહાત્મા ગાંધીની સુભાષચંદ્ર બોઝ સામેની નારાજગીને કારણે પાર્ટી કાર્ય સમિતિમાં અસહકાર કારણભૂત હોવાનું મનાય છે.

1939માં ગ્રેટ બ્રિટને બીજા વિશ્વયુદ્ધમાં જર્મની સાથેની લડાઈમાં ભારતને પણ સામેલ કર્યું હતું. તેના વિરોધમાં 27મી ઓક્ટોબરથી 5 નવેમ્બર વચ્ચે પ્રાંતિય સરકારોમાંથી કોંગ્રેસના પ્રધાનોએ રાજીનામા આપી દીધા હતા. 1939ની 22મી ડિસેમ્બરે મુસ્લિમ લીગે મુક્તિ દિવસની ઉજવણી કરી હતી. માર્ચ-1940માં લાહોર ખાતેના અધિવેશનમાં મુસ્લિમ લીગે પાકિસ્તાનના નામે મુસ્લિમો માટે અલગ હોમલેન્ડની માગણીને મંજૂર કરતો પ્રસ્તાવ પારીત કર્યો હતો. દેશમાં મુસ્લિમ લીગે લગાવેલી કોમી આગ ઝડપથી ફેલાઈ રહી હતી. ત્યારે 1941માં સુભાષચંદ્રબોઝ જેલમાંથી ભાગીને બર્લિન પહોંચ્યા હતા. 11 માર્ચ, 1942ના રોજ ગ્રેટ બ્રિટનના વડાપ્રધાન વિસ્ટર્ન ચર્ચિલે ક્રિપ્સ મિશનની જાહેરાત કરી હતી. 1942માં બોમ્બ અધિવેશનમાં કોંગ્રેસ ક્વિટ ઈન્ડિયા મૂવમેન્ટના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી. 1942માં 9મી ઓગસ્ટે ગાંધીજી સહીતના કોંગ્રેસી નેતાઓની ધરપકડ કરાઈ હતી. તેમ છતાં કોંગ્રેસની દ્વિતિય અને તૃતિય પંક્તિની કેડરે 11મી ઓગસ્ટ, 1942ના રોજ ક્વિટ ઈન્ડિયા મૂવમેન્ટની શરૂઆત કરી અને આખા દેશમાં અંગ્રેજ શાસન વિરુદ્ધ ઉગ્ર માહોલ બન્યો હતો. તો બીજા વિશ્વયુદ્ધમાં ગ્રેટ બ્રિટનની હાલત ઘણી વખત નબળી દેખાઈ રહી હતી. પરંતુ ભારત છોડો આંદોલનમાં મુસ્લિમ લીગે અંગ્રેજોને સહકાર આપ્યો હતો. જેના કારણે 6 મે, 1943માં જેલમાંથી મુક્ત થયા બાદ મહાત્મા ગાંધીએ ઝીણાની ખુશામત શરૂ કરી હતી. જેના કારણે હઠવાદી ઝીણાનું ઘમંડ આકાશને આંબવા લાગ્યું હતું. જેનું પરિણામ ભારત માટે ઘણું ખરાબ આવવાનું હતું.