1. Home
  2. revoinews
  3. ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 2 : ભારત બ્રિટિશ રાજની ઝંઝીરોમાં ઝકડાયું, અંગ્રેજો સામે અસંતોષ પણ ધધકવા લાગ્યો
ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 2 :  ભારત બ્રિટિશ રાજની ઝંઝીરોમાં ઝકડાયું, અંગ્રેજો સામે અસંતોષ પણ ધધકવા લાગ્યો

ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 2 : ભારત બ્રિટિશ રાજની ઝંઝીરોમાં ઝકડાયું, અંગ્રેજો સામે અસંતોષ પણ ધધકવા લાગ્યો

0
Social Share
  • આનંદ શુક્લ

ભારતનો આધુનિક ઈતિહાસ આશ્ચર્યકારક અને આઘાતજનક ઘટનાઓની ભરમારથી ભરપૂર છે. સૌથી મોટું આશ્ચર્ય એ છે કે વેપાર માટે બ્રિટિનથી ભારત આવેલી ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ તત્કાલિન સામાજિક અને રાજકીય પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને રાજસત્તા કબજે કરવામાં સફળતા મેળવી હતી. જેના કારણે મોગલ સલ્તનતના પતન બાદ સ્વરાજની આકાંક્ષા સાથેના સદીઓ જૂના રાજપૂત, શીખ, જાટ અને મરાઠાઓના અભિયાનોની સફળતા વચ્ચે ભારત ફરીથી અંગ્રેજોની ગુલામીની બેડીમાં ઝકડાવું પડયું હતું.

1612માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સર થોમસ રૉને મુઘલ શહેનશાહ નુરુદ્દીન સલીમ જહાંગીરે સુરત ખાતે વસવાટ અને વેપારની મંજૂરી આપી હતી. પરંતુ કાળક્રમે મુઘલ સામ્રાજ્યની દક્ષિણમાં મરાઠા અને ઉત્તર ભારતમાં શીખ-જાટ-રાજપૂતોએ ઈંટથી ઈંટ બજાવી દીધી હતી. તેમ છતાં છત્રપતિ શિવાજી અને ગુરુ ગોવિંદસિંહની ભારતમાં સ્વરાજની સ્થાપનાના સ્વપ્નની સિદ્ધિ થઈ શકી નહીં. મરાઠા દિલ્હીના મોગલોને હટાવવાની સુવર્ણ તક ગુમાવીને ચોથ વસૂલી કરીને જ સંતુષ્ટ થઈને રહ્યા હતા. તો રાજકીય પરિસ્થિતિનો લાભ ઉઠાવીને અંગ્રેજોએ ભારતીય રાજકારણની ક્ષિતિજમાં ચમકવાની તક ઝડપી લીધી.

1757ના પ્લાસીના યુદ્ધમાં બંગાળના નવાબ સિરાજૂ-દ્દીન-દૌલાને હરાવવામાં અંગ્રેજ સેનાપતિ રોબર્ટ ક્લાઈવને સફળતા મળી હતી. જો કે આ યુદ્ધમાં સિરાજૂ-દ્દીન દૌલાના સેનાપતિ મીર જાફર અને અમીચંદની ગદ્દારીની મોટી ભૂમિકા હતી. અહીંથી ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ કંપની રાજનો પગદંડો જમાવવામાં સફળતા મળી હતી.

1773માં વોરન હેસ્ટિંગ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના રાજનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો હતો. 1764માં બિહાર ખાતેના બક્સરના યુદ્ધમાં પરાજિત મુઘલ બાદશાહ શાહઆલમ બીજાએ કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશામાં મહેસૂલ ઉઘરાવવાનો અધિકાર આપ્યો હતો. તેના થોડા સમયમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ બોમ્બે અને મદ્રાસ ખાતે કંપની રાજનું વિસ્તરણ કર્યું. 1766થી 1799 વચ્ચેના એંગ્લો-મૈસુર યુદ્ધો અને 1772થી 1818 વચ્ચે એંગ્લો-મરાઠા યુદ્ધોમાં દક્ષિણ ભારતનો મોટો વિસ્તાર કંપની રાજના શાસન તળે આવ્યો હતો. 19મી સદીના પ્રારંભમાં ગવર્નર જનરલ વેલેસ્લીએ કંપની રાજના ઝડપી વિસ્તરણના બે દાયકાની શરૂઆત કરી હતી. આ કામગીરી કંપની અને સ્થાનિક શાસકો વચ્ચે પેટા-જોડાણો અથવા સીધા લશ્કરી જોડાણો મારફતે થઈ હતી. 1814-16માં એંગ્લો-નેપાળી યુદ્ધ બાદ ગુરખાઓ અંગ્રેજોના પ્રભાવમાં આવ્યા હતા. તો અંગ્રેજોએ કંપની રાજની સેનાને અફઘાનિસ્તાન ખાતે પણ યુદ્ધમાં ધકેલી હતી. મહારાજા રણજીતસિંહના નિધન બાદ એંગ્લો-શીખ યુદ્ધના અંતે શીખ સામ્રાજ્યને પણ કંપની રાજ તળે લાવવામાં આવ્યું હતું. ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસીએ ભારતીય શાસકોના નામ માત્રના રાજ્યો ખાલસા પદ્ધતિથી કબજે કરવાની નીતિ અપનાવી હતી.

એક તરફ અંગ્રેજો સામે કંપની રાજના આર્થિક શોષણ અને અત્યાચારના ચક્રમાં વિરોધનું વાતાવરણ જામવા લાગ્યું હતું. તો સ્થાનિક શાસકો પણ પોતાના રાજ્યો ખાલસા થવાથી કંપની રાજ સામે ગુસ્સે ભરાયા હતા. અંગ્રેજોના શાસન પર આધિપત્યને પરિણામે ભારતની સંપત્તિ લંડન તરફ જવા લાગી હતી. તેમની નીતિઓને કારણે ભારતની સામાજિક અને આર્થિક સંરચના બગડવા લાગી હતી. ભારતના સંશાધનોનું દોહન કરવાની નીતિ ચરમ સીમાએ હતી. તો અંગ્રેજોને પોતાનો પ્રભાવ જમાવવામાં તેમની બ્રિટિશ શિક્ષણ પદ્ધતિએ ઘણી મોટી મદદ કરી હતી. જો કે તેની સાથે અંગ્રેજોના પ્રભાવમાં સતીપ્રથા સહીતની કેટલીક કુરીતિઓ સામે પણ ભારતમાં જનજાગૃતિ અને સુધારા આંદોલનો શરૂ થયા હતા. પરંતુ દિલ્હીની સત્તા પરથી મુઘલનું વર્ચસ્વ જવાથી મુસ્લિમો અને પેશ્વાઈ સહીતની હિંદુ રાજા-મહારાજાઓની સત્તા જવાથી સ્થાનિક સ્તરે ઘણાં વિસ્તારોમાં સ્થાનિક હિંદુઓમાં પણ અંગ્રેજો સામે આક્રોશ અને ગુસ્સાનો માહોલ હતો. પરંતુ 1757થી 1857 વચ્ચે કંપની રાજે ભારતીય સમાજને ધાર્મિક અને જાતિના આધારે એકબીજા સામે લાવીને ભાગલા પાડો.. રાજ કરોની નીતિ પણ અપનાવી હતી. જેના કારણે કંપની રાજ સામે રાખ નીચે સળગી રહેલા અંગારાઓ પરથી રાખ  ઉડવા લાગી હતી અને આઝાદી માટેની આગ વિકરાળ સ્વરૂપ લેવા માંડી હતી. આ સમયગાળામાં અંગ્રેજો સામેના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામની પૃષ્ઠભૂમિ બની હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code