સીપીઆઈના મહાસચિવ પદને સુરાવરમ સુધાકર રેડ્ડી છોડવા ચાહે છે. બે વર્ષ પહેલા સુધાકર રેડ્ડીને ત્રીજી વખત સીપીઆઈના મહાસચિવ બનાવવામાં આવ્યા હતા. સુધાકર રેડ્ડીએ પાર્ટીના સેન્ટ્રલ સેક્રેટરિયટ અને રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં સત્તાવાર રીતે પદ છોડવાની વાત કહી હતી. 76 વર્ષીય સુધાકર રેડ્ડીએ કહ્યુ હતુ કે હવે તેમની તબિયત ઠીક રહેતી નથી, માટે તેમને પાર્ટીના સર્વોચ્ચ પદ પરથી મુક્ત કરવામાં આવે. રેડ્ડી પાર્ટીમાં સાત વર્ષથી મહાસચિવ પદ પર છે.
જો કે પાર્ટીના સેન્ટ્રલ સેક્રેટરીયટ અને રાષ્ટ્રીય કારોબારી બંનેએ સુધાકર રેડ્ડીને કહ્યુ છે કે તેઓ એપ્રિલ – 2021 સુધીનો પોતોના કોર્યકાળ પૂર્ણ કરે. પરંતુ સુધાકર રેડ્ડીએ કહ્યુ છે કે હવે તેમની તબિયત તેમના કામમમાં અડચણ પહોંચાડી રહી છે. 20મી જુલાઈએ દિલ્હીમાં યોજનારી પાર્ટીની રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં તેઓ પોતાની સેવાનિવૃત્તિ જાહેર કરવાની ઘોષણા કરવા ચાહે છે.
સીપીઆઈની નેશનલ કાઉન્સિલ આગામી મહીના સુધીમાં મહાસચિવ પદ માટે કોઈ વ્યક્તિને શોધી લેશે. એવા અહેવાલો પણ હતા કે પાર્ટીએ મહાસચિવ પદ માટેના લોકોના નામ પર વિચારણા શરૂ કરી છે.
સામાન્ય રીતે મહાસચિવ પદ માટે યોગ્ય વ્યક્તિની પસંદગી સેન્ટ્રલ સેક્રેટરિયટમાંથી કરવામાં આવે છે. સેન્ટલ સેક્રેટરિયટમાં દિલ્હીથી ડી. રાજા, યુપીથી અતુલ અંજન, પંજાબથી એઆઈટીયૂસી મહાસચિવ અમરજીત કૌર અને કેરળથી બિનોય વિસ્વમ મુખ્ય દાવેદાર માનવામાં આવે છે. આ ચારેય પાર્ટીની યૂથ વિંગથી આગળ વધીને ઉપર આવ્યા છે. સીપીઆઈ કેરળના સચિવ કનમ રાજેન્દ્રન પણ રેસમાં છે.
સુધાકર રેડ્ડીનું પદ છોડવાની વાત એવા સમયે સામે આવી છે કે જ્યારે સીપીઆઈ લોકસભા ચૂંટણીમાં હાર્યા બાદ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શનના કારણે દેશમાં સીપીઆઈ અને સીપીએમ બંને જ પક્ષોના અસ્તિત્વ પર ખતરો ઝળુંબી રહ્યો છે.
પાર્ટી સૂત્રોનું કહેવું છે કે 77 વર્ષીય કમ્યુનિસ્ટ લીડર વધારે પ્રવાસ કરી શકતા નથી અને તેમને ફેંફસાની સમસ્યા, એસીની એલર્જી અને વધારે ગરમી તથા ઠંડીમાં પરેશાની થાય છે. સીપીઆઈના વરિષ્ઠ નેતાએ પીટીઆઈને કહ્યુ છે કે રેડ્ડી સેવાનિવૃત્તિ લેવા મામલે અડગ છે.