પાકિસ્તાનમાં શનિવારે રાત્રે બે લોકોએ મહારાજા રણજીતસિંહની પ્રતિમા તોડી નાખી છે. મહારાજા રણજીતસિંહની નવ ફૂટ ઊંચી પ્રતિમાને આ વર્ષે જૂનમાં લાહોર ફોર્ટમાં અનાવરીત કરવામાં આવી હતી. પાકિસ્તાનની પોલીસે આરોપીઓ વિરુદ્ધ ઈશનિંદાના કાયદા હેઠળ એફઆઈઆર નોંધી લીધી છે. જે લોકોએ મહારાજા રણજીતસિંહની પ્રતિમા તોડી હતી, તેઓ જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને હટાવવાના મામલે નારાજ હતા.
મહારાજા રણજીતસિંહ એક શીખ રાજા હતા, તેમણે અંગ્રેજી સલ્તનતના પગ જમાવતા પહેલા ઉત્તર-પશ્ચિમ ભારત પર શાસન કર્યું હતું. આરોપીઓના મૌલાના ખૈરમ રિઝવીની તહરીક લબ્બૈક પાકિસ્તાન સાથે સંબંધ હોવાનું જણાવાય રહ્યું છે. લાહોર ફોર્ટની દેખરેખની જવાબદારી લાહોર ઓથોરિટી પાસે છે અને તેણે આ ઘટનાને લઈને હેરાની વ્યક્ત કરતા કહ્યુ છે કે ઈદ બાદ પ્રતિમાનું સમારકામ કરાવવામાં આવશે.
લાહોર ઓથોરિટીના પ્રવક્તા તાનિયા કુરૈશીએ કહ્યું છે કે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. અમે લાહોર ફોર્ટની સુરક્ષામાં વધારો કરીશું. જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ થાય નહીં. પ્રતિમાનું સમારકામ આગામી સપ્તાહે શરૂ કરવામાં આવશે. તેના પૂર્ણ થતા જ તે આવામ માટે ફરીથી ખોલી નાખવામાં આવશે.
મહારાજા રણજીતસિંહે પંજાબ પર લગભગ 40 વર્ષ રાજ કર્યું હતુ. તેમની નવ ફૂટની કાંસાની પ્રતિમા બનાવવામાં આવી છે. મહારાજા રણજીતસિંહ શીખ સામ્રાજ્યના પહેલા શાસક હતા. તેમનું મૃત્યુ 1839માં થયું હતું. લાહોર ફોર્ટમાં લગાવવામાં આવેલી તેમની પ્રતિમા બનાવવામાં આઠ માસનો સમય લાગ્યો હતો. તેમા મહારાજા રણજીતસિંહ પોતાના મનીતા ઘોડા કહર બાહર પર હાથમાં તલવાર સાથે બેઠેલા દર્શાવવામાં આવ્યા હતા. તેમને આ ઘોડો બારાજકાઈ વંશના દોસ્ત મુહમ્મદ ખાને ભેંટ તરીકે આપ્યો હતો.