શ્રીલંકાએ અયોધ્યા રામ મંદિર માટે મોકલ્યો ‘પવિત્ર પથ્થર’
- શ્રીલંકાએ રામ મંદિર માટે મોકલ્યો પવિત્ર પથ્થર
- સીતા અલિયા મંદિરથી મોકલાવાયો આ પથ્થર
- ભક્તો પણ મંદિર નિર્માણ જોઈ શકશે
દિલ્લી: શ્રીલંકાએ ગુરુવારે અયોધ્યામાં નિર્માણ થઇ રહેલ રામ જન્મભૂમિ મંદિર માટે એક ખૂબ જ પવિત્ર પથ્થર મોકલ્યો છે. આ પથ્થર શ્રીલંકાના સીતા અલિયા નામના મંદિરથી મોકલવામાં આવ્યો છે. પૌરાણિક ઇતિહાસ મુજબ આ તે જગ્યા છે, જ્યાં રાવણે સીતાનું અપહરણ કર્યા પછી તેને બંદી બનાવી દેવામાં આવી હતી. આ મંદિરની શ્રીલંકામાં ઘણી માન્યતા છે. અને ભારતના લોકો પણ તેની મુલાકાત લેવા જાય છે. શ્રીલંકાએ ભગવાન રામ પ્રત્યે આદર પ્રદર્શિત કરવા માટે આ પથ્થર મોકલ્યો છે.
શ્રીલંકામાં હાજર ભારતીય હાઈ કમિશને ટ્વિટ કરી કહ્યું કે, શ્રીલંકાના સીતા અલીયા મંદિરથી મોકલવામાં આવેલ આ પથ્થર બંને દેશોના સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વના આધારસ્તંભ તરીકે કામ કરશે. આ પથ્થરો શ્રીલંકાના મયુરપાથી અમ્માન મંદિરમાં ભારતીય ઉચ્ચ આયોગના અધિકારીઓને સોંપવામાં આવ્યા. આ પથ્થરો સોંપવા માટે ભારતમાં શ્રીલંકાના રાજદૂત મિલિંડા મોરાગોડા ખુદ હાજર રહ્યા હતા. અને ભારતીય રાજદૂત પણ હાજર રહ્યા હતા.ભારતીય રાજદૂતે કહ્યું કે શ્રીલંકાનું આ પગલું બંને દેશો વચ્ચેના સંબંધોને પ્રોત્સાહિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ટૂંક સમયમાં ભક્તો પણ અયોધ્યામાં મંદિરના નિર્માણની પ્રક્રિયા જોઈ શકશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ આવી સુવિધા શરૂ કરવા જઇ રહ્યું છે,જેના દ્વારા મંદિર નિર્માણની પ્રક્રિયા પણ જોઇ શકાય છે. મંદિરના નિર્માણનું કામ જોવા માટે દર્શન પોઇન્ટ બનાવવાની દરખાસ્તને મંજૂરી મળી હતી. અને તેનું બાંધકામ ટૂંક સમયમાં શરૂ થશે.
-દેવાંશી