પ્રચંડ બહુમતીથી કેન્દ્રની સત્તામાં પાછી ફરેલી મોદી સરકારમાં પાર્ટીના સાંસદ અરવિંદ સાવંતને ભારે ઉદ્યોગ મંત્રાલયની ફાળવણીને કારણે શિવસેના નારાજ છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે, શિવસેનાના એક રણનીતિકારે કહ્યુ છે કે ભાજપે પોતાના જૂના સહયોગીને ઓછામાં ઓછા ત્રણ કેબિનેટ પ્રધાનના પદ આપવા જોઈતા હતા.
જો આમ ન પણ થાય તો ઓછામાં ઓછું ટેલિકમ્યુનિકેશન, સ્વાસ્થ્ય અથવા રેલવે જેવું ઓછામાં ઓછું એક મહત્વનું મંત્રાલય આપવું જોઈતું હતું. તેના સ્થાને શિવસેનાને પુરોગામી સરકાર વખતનું જૂનું મંત્રાલય મળ્યું છે. મહત્વપૂર્ણ છે કે શિવસેનાને કેન્દ્ર સરકારમાં ભારે ઉદ્યોગ મંત્રાલય પાંચ વખત મળી ચુક્યું છે.
સૌથી પહેલા 1998માં બાલાસાહેબ વિખે પાટિલ, 1999માં મનોહર જોશી, 2004માં સુબોધ મોહિતે અને 201થી 2019ના અંત સુધી અનંત ગીતેને ભારે ઉદ્યોગ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી. ગીતે તાજેતરની લોકસભા ચૂંટણીમાં હારી ગયા છે અને અરવિંદ સાવંતને હવે તેમના સ્થાને ભારે ઉદ્યોગ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.
શિવસેનાના સાંસદ સંજય રાઉતે દિલ્હીમાં મીડિયાકર્મીઓની સાથે વાતચીતમાં કહ્યુ છે કે અમે મંત્રાલયોની ફાળવણીને કોઈ મુદ્દો બનાવ્યો નથી, કારણ કે તેની વહેંચણી પીએમનો વિશેષાધિકાર છે. ઉદ્ધવજી અહીં હતા અને તેમણે આની જાણકારી આપી હતી. આના સંદર્ભે અમારો સંદેશ ભાજપની લીડરશિપને પહોંચાડી દેવાયો છે.
અંગ્રેજી અખબારમાં પ્રકાશિત રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ભાજપ હાઈકમાન્ડને મોકલવામાં આવેલા સંદેશામાં શિવસેનાની ચિંતાની જાણકારી આપવામાં આવી છે. જો કે રાઉતે પીએમ મોદીના નિર્ણયનો બચાવ પણ કર્યો છે.
રાઉતે કહ્યુ છે કે એવું લાગે છે કે ભૂતકાળમાં જે પાર્ટીઓને જે મંત્રાલય આપ્યું, તેને યથાવત રાખવામાં આવ્યું છે. અમને વિશ્વાસ છે કે ભાજપ ભવિષ્યમાં શિવસેનાની લોકસભામાં શક્તિનો ખ્યાલ રાખશે. મને લાગતું નથી કે ભારે ઉદ્યોગ મંત્રાલય અપ્રાસંગિક છે. મહત્વપૂર્ણ છે કે આના પહેલા જેડીયુએ પણ એક પ્રધાન બનાવવાની પેશકશને ઠુકરાવતા મોદી સરકારનો હિસ્સો નહીં બનવાનો નિર્ણય કર્યો હતો.