ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો બાદ શિવસેનાના કોર્પોરેટરની ગુંડાગીરી, ચિકન વેપારીઓને માર્યો માર
મુંબઈમાં શિવસેનાના કોર્પોરેટર મિલિંદ વૈદ્ય દ્વારા ચિકન વેપારીઓની સાથે મારામારી કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના રેલવે સ્ટેશન પાસે માહિમની માછીમાર કોલોનીની છે. જ્યાં ચિકનથી લદાયેલા વાહનોના પાર્કિંગને લઈને વિવાદ સર્જાયો હતો.
પાર્કિંગથી નારાજ કોર્પોરેટરે ટ્રકની પાસે ઉભેલા ચિકન વેપારીઓની સાથે મારામારી કરવાની શરૂ કરી હતી. કોર્પોરેટર સાથે એક અન્ય શખ્સ પણ હાજર હતો, તે પણ મારપીટનું સમર્થન કરતો દેખાઈ રહ્યો હતો. આ મારામારીનો વીડિયો પણ સામે આવ્યો છે. જો કે આ મામલામાં છેલ્લા અહેવાલ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં મુંબઈ-ગોવા હાઈવેની ખરાબ દશાથી નારાજ થઈને કોંગ્રેસના ધારાસભ્ય નિતેશ રાણે અને તેનના ટેકેદારોએ પોતાનો ગુસ્સો સડકનું કામકાજ કરનારા સબ-એન્જિનિયરને કીચડથી નવડાવીને કાઢયો હતો. પીડિતની ફરિયાદ બાદ પોલીસે કોંગ્રેસના ધારાસભ્ય નિતેશ રાણેની ધરપકડ કરી હતી.
તો મધ્યપ્રદેશમાં ભાજપના ધારાસભ્ય આકાશ વિજયર્ગીયે ઈન્દૌર નગરનિગમના કર્મચારીને બેટથી માર માર્યો હતો. તેના પછી તેમને જેલમાં જવું પડયું હતું અને જામીન પર બહાર આવ્ય બાદ હવે તેમને ભાજપની શિસ્ત સમિતિએ મોકલેલી નોટિસનો જવાબ આપવાનો છે.
આ મામલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નારાજગી વ્યક્ત કરતા કહ્યુ હતુ કે કોઈનો પણ પુત્ર હોય, પાર્ટીમાંથી તેને હાંકી કાઢવો જોઈએ. જો કે વડાપ્રધાન મોદીએ આકાશ વિજયવર્ગીયનું નામ લીધું ન હતું.