નવી દિલ્હી: 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમતીથી જીત મળ્યા બાદ પીએમ મોદી અને અમિત શાહના પ્રખર આલોચક તરીકે પંકાયેલા અને પાર્ટી છોડીને કોંગ્રેસી બની ચુલેકા શત્રુઘ્નસિંહાએ અચાનક તેમની પ્રશંસા કરી છે. તેમમે હવે પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના વખાણ કરતા ભાજપની જીતને મહાન ગણાવીને તેમને અભિનંદન પણ આપ્યા છે. આ સિવાય શત્રુઘ્નસિંહાએ પટનાસાહિબ લોકસભા બેઠક પરથી જીતેલા ભાજપના નેતા રવિશંકરપ્રસાદને તેમણે પોતાના પારિવારીક મિત્ર પણ ગણાવ્યા છે. ભાજપને બે વ્યક્તિઓની પાર્ટી કહીને હંમેશા તીખા હુમલા કરનારા શત્રુઘ્નસિંહાએ ભાજપના અધ્યક્ષ અમિત શાહને સારા રણનીતિકાર ગણાવીને તેમના વખાણ કર્યા છે.
લોકસભાની ચૂંટણીમાં જીતને લઈને પોતાના અભિનંદન સંદેશમાં શત્રુઘ્નસિંહાએ ટ્વિટ કરીને કહ્યુ છે કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, માસ્ટર રણનીતિકાર અમિત શાહ અને વિશેષપણે અમારા પારિવારીક મિત્ર રવિશંકર પ્રસાદને મોટી જીત બદલ અભિનંદન. આ એ પાર્ટીમાં ઉજવણીનો સમય છે કે જે હાલ સુધી મારી પણ હતી. હું તમામને દિલથી સલામ કરું છે.
ભાજપમાંથી બળવો કરીને કોંગ્રેસમાં સામેલ થયા બાદ શત્રુઘ્નસિંહા પટનાસાહિબથી જ ચૂંટણી લડયા હતા. પરંતુ તેમને ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ સામે હાર મળી હતી. તો લખનૌથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડનારા શત્રુઘ્નસિંહાના પત્ની પૂનમ સિંહાને પણ ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહ સામે હાર ખાવી પડી છે.
લોકસભાની ચૂંટણીમાં હાર બાદ આના પહેલા શત્રુઘ્નસિંહાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને ચૂંટણીમાં ખેલ હોવાની વાત કહી હતી. તેમણે કહ્યુ હતુ કે યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં થયેલી લોકસભાની ચૂંટણી દરમિયાન મોટા પ્રમાણમાં ખેલ થયો છે. પરંતુ આ તમામ વાતો માટે આ યોગ્ય સમય નથી.