નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી સહીત દેશના ઘણાં રાજ્યોમાં ભીષણ ગરમી અને લુને કેર ચાલુ છે. રાજધાની નવી દિલ્હીમાં તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચ્યું છે. હવામાન વિભાગે શુક્રવારે યલો એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હીમાં આ સપ્તાહના આખર સુધીમાં 47 ડિગ્રીએ તાપમાન પહોંચવાનું અનુમાન છે.
હવામાનનું પૂર્વાનુમાન કરતી એજન્સી સ્કાઈમેટ વેધરના મહેશ પાલવતે ટ્વિટમાં લખ્યું છે કે દિલ્હીના પાલમમાં 46.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું. મે માસમાં 2013 બાદ નોંધવામાં આવેલું આ મહત્તમ તાપમાન છે. અત્યાર સુધી મેમાં 26 મે-1998નું મહત્તમ તાપમાન 48.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
દેશના વિભિન્ન હિસ્સામાં ગરમ પવન ચાલી રહ્યો છે અને ભીષણ ગરમીને કેર પણ યથાવત છે. ઘણાં સ્થાનો પર તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. દક્ષિણ ભારતના તેલંગાણાના ઘણો વિસ્તાર છેલ્લા એક માસથી લુની ઝપટમાં છે. તેલંગાણામાં લુ અને ભીષણ ગરમીથી 22 દિવસમાં 17 લોકોના મોત નીપજી ચુક્યા છે.
તેલંગાણામાં ભીષણ ગરમી પડી રહી છે. દિલાબાદ શહેરમાં સતત બીજા દિવસે પણ તાપમાન 46.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ભારતીય હવામાન વિભાગે તેલંગાણામાં આગામી ત્રણ દિવસ સુધી તીવ્ર લુની ચેતવણી અને લોકોને તડકામાં નીકળવાથી બચવાની સલાહ આપી છે.
રાજસ્થાનમાં ભીષણ ગરમી અને લુના પ્રકોપને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત છે. ચુરુમાં મહત્તમ તાપમાન 47.3 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું છે. જે સામાન્ય તાપમાનથી ચાર ડિગ્રી વધારે છે. બિકાનેર-શ્રીગંગાનગરમાં મહત્તમ તાપમાન 46.8-46.8 ડિગ્રી સેલ્સિયસ, જેસલમેરમાં 45.5, કોટામાં 45.3 અને બાડમેરમાં 5.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. તો ચંદ્રપુરમાં મહત્તમ તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હિમાચલ પ્રદેસના ઉનામાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ તો જમ્મુમાં મોસમનું મહત્તમ તાપમાન 42.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
ભારતીય હવામાન વિભાગ પ્રમાણે, મધ્યપ્રદેશ, તેલંગાણા, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં લુનો પ્રકોપ આગામી બેથી ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે.