જમ્મુ-કાશ્મીરના પંપોરમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર માર્યો: સુરક્ષાદળોએ મેળવી મોટી સફળતા
- સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર
- એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર
- સર્ચ ઓપરેશન શરૂ
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં પંપોરમાં સુરક્ષાદળોએ મોટી સફળતા મેળવી છે. સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર માર્યો છે. દક્ષિણ ઝોનની પોલીસે જણાવ્યું કે, એન્કાઉન્ટર હજી શરૂ છે. તો,કાશ્મીરમાં ગુરુવારે સાંજે બે અલગ-અલગ ઘટનાઓમાં આંતકીઓની ફાયરિંગમાં એક શખ્સનું મોત નીપજ્યું અને બીજો ઘાયલ થયો હતો. દક્ષિણ કાશ્મીરના અવંતિપોરાના ત્રાલ અને પુલવામાના વનપોરામાં આ આતંકી ઘટનાઓ બની હતી. વનપોરામાં બે આતંકીઓએ બે લોકો પર ફાયરિંગ કર્યું હતું. ઘટનાની માહિતી મળતા જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
પોલીસે કહ્યું કે,’અવંતિપોરામાં આતંકવાદીઓએ એક દુકાનદારને ગોળી મારી દીધી હતી. તેની ઓળખ મોહમ્મદ અયુબ આહંગર તરીકે થઈ છે. તે પાંજુ ત્રાલનો રહેવાસી હતો. ગોળી વાગ્યા બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.”
પુલવામા જિલ્લામાં આતંકીઓએ સુમો ડ્રાઇવરને ગોળી મારી દીધી હતી. તેની ઓળખ મોહમ્મદ અસલમ વાની તરીકે થઈ છે, તે પુલવામાના વનપોરા વિસ્તારનો રહેવાસી હતો. ગોળી વાગતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
પોલીસે જણાવ્યું કે, “આ બંને ઘટનાઓ માટે ટ્રાલ અને પુલવામા પોલીસ સ્ટેશનમાં સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસોમાં તપાસ ચાલી રહી છે. સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન શરૂ છે.”
_Devanshi