કાયરતા દેખાડનારા સૈનિકની હકાલપટ્ટીને સુપ્રીમ કોર્ટે માની યોગ્ય, કહ્યું- સૈનિકે દરેક સ્થિતિમાં મુકાબલો કરવો જોઈએ
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં એક આતંકવાદી હુમલા દરમિયાન ભાગનારા અને બાદમાં હકાલપટ્ટી કરાયેલા સૈનિકની અરજીને નામંજૂર કરી છે. 2006માં થયેલા હુમલા દરમિયાન સૈનિક મુકાબલો કરવાના સ્થાને ભાગી ગયો હતો. સુપ્રીમ કોર્ટે અરજદારના એ તર્કને પણ નામંજૂર કર્યો હતો, જેમાં તેમણે કહ્યુ હતુ કે ભૂતકાળમાં તેણે ઘણાં ઓપરેશન્સમાં બહાદૂરી સાથે શૌર્ય દેખાડયું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એક સૈનિક પર દેશની સુરક્ષાનું દાયિત્વ હોય છે. તે માત્ર ભૂતકાળામાં દેખાડવામાં આવેલી બહાદૂરીનો ભરોસે રહી શકે નહીં.
હકાલપટ્ટી કરાયેલા સૈનિકની અરજી નામંજૂર કરતા સુપ્રીમ કોર્ટે ક્હ્યું હતું કે એક સૈનિક ભૂતકાળમાં દેખાડવામાં આવેલી પોતાની બહાદૂરીના આધાર પર રહી શકે નહીં. દેશની અખંડિતતાને બચાવવા માટે દરેક પરિસ્થિતિમાં સૈનિક પાસે મુકાબલો કરવાની આશા રાખવામાં આવે છે, કારણ કે સૈનિક પર દેશ આ ભરોસો પણ કરે છે.
જસ્ટિસ એમ. આર. શાહ અને જસ્ટિસ એ. એસ. બોપન્નાની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો. અરજદાર સૈનિકને આતંકી હુમલા દરમિયાન પીઠ દેખાડીને ભાગવા માટે કોર્ટ માર્શલ હેઠળ સજા સંભળાવવામાં આવી હતી. તેને બરતરફ કરવાની સાથે છ વર્ષની સશ્રમ કેદની સજા પણ આપવામાં આવી હતી.
સૈન્ય અધિકારીએ સશસ્ત્ર દળ ટ્રિબ્યૂનલ, ચંદીગઢના 2011ના બરતરફીના નિર્ણયને એસજીસીએમમાં પડકાર્યો હતો. 2006માં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભીષણ મુકાબલો કરવાના સ્થાને સૈન્ય અધિકારીએ કાયરતા દેખાડી હતી. આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં સૈનિકનો એક સાથી શહીદ થયો હતો. બરતરફ અધિકારીને પોતાનું હથિયાર એકે-47 અને પિસ્તોલનો ઉપયોગ નહીં કરવાનો પણ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. સૈન્ય અધિકારી દ્વારા તત્પરતા નહીં દેખાડવાને કારણે આતંકવાદીઓએ ચેકપોસ્ટ પર કબજો કર્યો હતો અને લાઈટ મશીનગન પણ ઝૂંટવી ગયા હતા.
અરજદારના વકીલે કોર્ટમાં તર્ક રજૂ કર્યો હતો કે સૈન્ય અધિકારીનો રેકોર્ડ સારો રહ્યો છે અને ભૂતકાળમાં તેમણે ઘણાં સૈન્ય અભિયાનોમાં પણ ભાગ લીધો છે. આ તર્કને સુપ્રીમ કોર્ટની બે ન્યાયાધીશોની ખંડપીઠે નામંજૂર કર્યો હતો. ખંડપીઠે કહ્યું હતું કે સૈનિકથી દેશની અપેક્ષા હોય છે કે તે દરેક પરિસ્થિતિમાં પોતાના કર્તવ્યનું બહાદૂરી અને નિષ્ઠાથી પાલન કરે.