જજના ઓર્ડરમાં ફરીથી હેરાફેરી, સુપ્રીમ કોર્ટે ચેતવ્યા- ન્યાયતંત્રમાં કોર્પોરેટ્સની ઘૂસણખોરી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે અદાલતમાં કોર્પોરેટ્સની ઘૂસણખોરી પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ફરી એકવાર સુપ્રીમ કોર્ટના આદેશમાં હેરાફેરીની વાત સામે આવી છે. આ મામલો વિવાદીત બિલ્ડર ગ્રુપ આમ્રપાલીના છ સપ્લાયરો સાથે જોડાયેલો છે. સુપ્રીમ કોર્ટે આમ્રપાલીના સપ્લાયર્સને સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ફોરેન્સિક ઓડિટર પવન અગ્રવાલની સમક્ષ હાજર થવા માટે કહ્યુ હતુ, પરંતુ તેને બદલવામાં આવ્યું. જસ્ટિસ અરુણ મિશ્રાની ખંડપીઠે આદેશના બદલાવા મામલે હેરાની વ્યક્ત કરી અને કહ્યું હતું કે આ ઘટનાથી આ વાતની પુષ્ટિ થાય છે કે અદાલતમાં ઘૂસણખોરી કરીને કોર્પોરેટ જૂથો કોર્ટ-સ્ટાફને પ્રભાવિત કર્યા છે.
મહત્વપૂર્ણ છે કે જસ્ટિસ મિશ્રાની ખંડપીઠે પહેલા જ આ આરોપોની તપાસના આદેશ આપ્યા છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે વચેટિયાઓ અને ફિક્સર અદાલતી કાર્યવાહીને પ્રભાવિત કરવાની કોશિશ કરી રહ્યા છે. બુધવારે જસ્ટિસ મિશ્રાએ જોયું કે તેમના દ્વારા આપવામાં આવેલા આદેશને પણ બદલવામાં આવ્યો છે. અદાલતે કહ્યું છે કે આના પહેલા પણ કોર્ટના આદેશોને બદલવામાં આવ્યા છે.
મહત્વપૂર્ણ છે કે ઉદ્યોગપતિ અનિલ અંબાણી સાથે જોડાયેલા કન્ટેમ્પ્ટ કેસમાં જસ્ટિસ આર. એફ. નરીમન દ્વારા આપવામાં આવેલા આદેશને પણ બદલવામાં આવ્યો હતો. ત્યારે મામલામાં કોર્ટના બે કર્મચારીઓને નોકરીમાંથી કાઢવામાં આવ્યા હતા અને તેમની વિરુદ્ધ ગુનાહિત મામલો નોંધવામાં આવ્યો હતો.
જસ્ટિસ મિશ્રાએ કહ્યુ છે કે આ બેહદ શરારતી પદ્ધતિથી કરવામાં આવ્યું છે. આ ઘણું દુર્ભાગ્યપૂર્ણ છે. અહીં (સુપ્રીમ કોર્ટમાં) શું થઈ રહ્યું છે? તેઓ અમારી ઓર્ડર શીટમાં હેરફેરની કોશિશ કરી રહ્યા છે. અદાલતમાં ઘણી ચિંતાજનક ચીજો થઈ રહી છે. કેટલાક વધુ લોકોએ જવું પડશે અને બેથી ત્રણ લોકોને હટાવવાથી કામ બનશે નહીં. આનાથી ન્યાયતંત્ર તબાહ થઈ રહ્યું છે અને તેને કોઈપણ સંજોગોમાં થવા દેવામાં આવશે નહીં. અમારા જેવા લોકો આવતા-જતા રહેશે, પરંતુ સંસ્થા હંમેશા રહેશે.