Site icon hindi.revoi.in

સાબરકાંઠાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાગી આગ, ફાયર બ્રિગેડની સતર્કતાથી બચી ગયા બે જીવ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ મહિનામાં હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલ ઉપરાંત છોટાઉદેપુરના કોવિડ સેન્ટર અને ગઈકાલે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાઓ હજુ ભુલાઈ નથી. ત્યારે આજે સાબરકાંઠાના હિંમતનગરમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આગની ઘટના બની હતી. આગમાં ફસાયેલા માતા અને તેના બાળકને ફાયરબ્રિગેડ દ્વારા બચાવી લેવામાં આવ્યાં હતા. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. જો કે, આરોગ્યલક્ષી સેવા જ્યાં મળે છે ત્યાં આગની ઘટના બનતા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયાં છે.

પ્રાથમિક માહિતી અનુસાર હિંમતનગરના હડિયોલ ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અચાનક આગ લાગી હતી. જેથી નાસભાગ મચી ગઈ હતી. આરોગ્ય કેન્દ્રના એક રૂમમાં આગ લાગી હતી અને આખા દવાખાનામાં ધુમાડો પ્રસરી ગયો હતો. આ અંગેની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. શોર્ટ સરકીટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેતી માતા અને તેના બાળકને બચાવી લેવામાં આવ્યાં હતા.

ઓગસ્ટ મહિનામાં જ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં આગ લાગી હતી. જેમાં આઠ દર્દીના મોત થયાં હતા. આ ઘટના બાદ સફાલા જાગેલા તંત્ર દ્વારા રાજ્યભરમાં ફાયરસેફ્ટીના મુદ્દે હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવી હતી. તેમ છતા છોટાઉદેપુર અને જામનગરની હોસ્પિટલમાં આગની ઘટના તથા હિંમતનગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાગેલી આગની ઘટનાને પગલે તંત્રની કામગીરી પણ લોકો દ્વારા અનેક સવાલો કરવામાં આવી રહ્યાં છે.

Exit mobile version