- પાકિસ્તાનથી અલગ થવા ચાહે છે પખ્તૂનિસ્તાન, બલૂચિસ્તાન, સિંધ
- ભારતમાં હવે થવા લાગી છે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર ચર્ચાની માંગ
જમ્મુ-કાશ્મીરમાં કલમ-370ના અસરહીન કરવાના અને વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરાયા બાદ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતને ઘેરવાની કોશિશોમાં લાગેલું છે. બીજી તરફ ભારતમાં હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સંદર્ભે ચર્ચાની માગણી ઉઠવા લાગી છે.
તેવામાં આરએસએસના નેતા ઈન્દ્રેશ કુમારે કહ્યુ છે કે પાકિસ્તાનની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે અને પાકિસ્તાન પાંચતી છ ટુકડામાં વિભાજીત થવાની અણિ પર પહોંચી ચુક્યું છે.
ઈન્દ્રેશ કુમારે કહ્યુ છે કે વિભાજન બાદ પાકિસ્તાનની રચના થઈ હતી. જેનું 1971માં વધુ એક વિભાજન થયું. આજે તે પાંચથી છ ટુકડામાં વિભાજીત થવાની અણિ પર પહોંચી ચુક્યું છે. તેમણે આગળ કહ્યુ કે પખ્તૂનિસ્તાન, બલૂચિસ્તાન, સિંધ અલગ થવા ચાહે છે. વિશેષજ્ઞ પહેલા પણ કહી ચુક્યા છે કે પાકિસ્તાન દિવસેને દિવસે નબળું પડી રહ્યું છે.
‘બ્લીડ ઈન્ડિયા’નો જવાબ ‘ડિવાઈડ પાકિસ્તાન’: ‘આતંકીસ્તાન’ના 5 ટુકડા દ્વારા આતંકનો ખાત્મો શક્ય
આરએસએસના પ્રચારક અને મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સંયોજક ઈન્દ્રેશ કુમારે ગત મહીને એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે કાશ્મીરમાં જે લોકો જેલ જેવી સ્થિતિ હોવાની વાત કરી રહ્યા છે, તે ગદ્દાર છે. ભાગલાવાદીઓએ જમ્મુ-કાશ્મીર અને લડાખનું ગળું રુંધી રાખ્યું હતું. આવા લોકો દેશને ફરીથી વિભાજીત કરવા ચાહે છે. પરંતુ આ સરકારે તે કરી દેખાડયું, જે કોઈએ કર્યું નથી.
સિંધ, પખ્તૂનિસ્તાન અને બલૂચિસ્તાનમાં પાકિસ્તાન સામે સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. બલૂચિસ્તાનમાં સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે, પાકિસ્તાન અલગ દેશનું સમર્થન કરનારાઓ વિરુદ્ધ કઠોર કાર્યવાહી કરતું રહ્યું છે. તેના પર આરોપ છે કે તે ઘણાં લોકોને ગાયબ કરી દે છે અને બાદમાં તેમની ગુપ્ત રીતે હત્યા કરી દે છે.
બલોચ આંદોલનના નેતા નવાબ અકબર બુગ્તીને 26 ઓગસ્ટ, 2006ના રોજ જનરલ પરવેઝ મુશર્રફના શાસનકાળમાં પાકિસ્તાની સેનાએ તેમની ગુફામાં હુમલો કરીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
કાશ્મીરમાં કલમ-370ના અસરહીન થયા બાદ હવે પીઓકેને લઈને ભારતમાં ખુલીને ચર્ચા થવા લાગી છે. સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે એક દિવસ પહેલા જ પાકિસ્તાનને એક કડક સંદેશો આપતા કહ્યુ હતુ કે પીઓકે પર નિર્ણય કેન્દ્ર સરકારે લેવાનો છે. સેના કોઈપણ આદેશ અને અભિયાન માટે તૈયાર છે. પીઓકે પર સરકાર જેવો નિર્ણય કરશે સંસ્થાઓ તેના પ્રમાણે કામ કરશે.
કેન્દ્રીય પ્રધાન અને ભૂતપૂર્વ સેનાધ્યક્ષ જનરલ વી. કે. સિંહે કહ્યુ છે કે પીઓકે પર અમારી રણનીતિ છે, પરંતુ તેનો સાર્વજનિક રીતે ખુલાસો કરી શકાય નહીં.
જનરલ રાવતથી પહેલા કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે કહ્યુ હતુ કે આગામી એજન્ડા પીઓકેને ફરીથી પ્રાપ્ત કરવાનો છે. અમારો આગામી એજન્ડા પીઓકેને ભારતનો અભિન્ન હિસ્સો બનાવવાનો છે. ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ પીઓકેની વાત કરી હતી.